અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં બનેલી મસ્જીદ પર બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે ફતેહપુર જિલ્લામાં મદીના મસ્જીદના તોડી પાડવા પર ૨૩ મેના રોજ આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. વક્ફ સુન્ની મદીના મસ્જીદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર હાઇકોર્ટના ન્યાયાધીશ મનીષ કુમાર નિગમે રાજ્ય સરકારને બે અઠવાડિયામાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, મસ્જીદ તોડી પાડવાના આદેશને પણ પડકારવામાં આવ્યો છે.
જિલ્લા મહેસૂલ અધિકારીઓના મસ્જીદ તોડી પાડવાના આદેશ સામે વક્ફ સુન્ની મદીના મસ્જીદ સમિતિના પ્રમુખ હૈદર અલી દ્વારા હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશ મનીષ કુમાર નિગમે ગુરુવારે રાજ્ય સરકારને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.
અરજદારે કોર્ટમાં દલીલ કરી હતી કે મસ્જીદને તોડી પાડવાનો આદેશ ૨૨ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ ફક્ત એટલા માટે આપવામાં આવ્યો હતો કે તેણે ગ્રામસભાની જમીન પર અતિક્રમણ કર્યું હતું. અરજદારે વધુમાં રજૂઆત કરી હતી કે સમગ્ર કાર્યવાહી ૨૬ દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી હતી. તેમને તેમના કેસના સમર્થનમાં પુરાવા રજૂ કરવાની કોઈ તક આપવામાં આવી ન હતી.
તમને જણાવી દઈએ કે ફતેહપુર જિલ્લાના માલવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોટિયા રોડ પર ફતેહપુરની મદીના મસ્જીદ આવેલી છે. આ મસ્જીદ કેટલાક વર્ષોથી વિવાદના કેન્દ્રમાં છે. આ મસ્જીદ ૧૯૭૬માં સુન્ની વક્ફ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલી ત્રણ બિસ્વા જમીન પર બનાવવામાં આવી હતી. વર્ષોથી તેનો ઉપયોગ નિયમિત નમાજ માટે કરવામાં આવે છે. જાકે, આ મસ્જીદ અંગે કાનૂની અને વહીવટી વિવાદો ચાલી રહ્યા છે.









































