બયાન બહાદુરો ! આ નવો શબ્દ વડાપ્રધાન મોદીજીએ આપ્યો. સંસદમાં આૅપરેશન સિંદૂર પર ચર્ચા માગીને કોંગ્રેસે કુહાડી પર પગ માર્યો હોય તેવું થયું. અભ્યાસુ સાંસદો નિશિકાંત દુબે અને તેજસ્વી સૂર્યથી માંડીને વિદેશ પ્રધાન એસ. જયશંકર, ગૃહ પ્રધાન અમિત શાહ અને, હિન્દી ફિલ્મના શીર્ષકોમાં આવે છે તેમ, એબાવ આૅલ, વડાપ્રધાન મોદીએ બરાબર વાક્પ્રહાર કર્યા.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (શરદ પવાર)નાં સાંસદ સુપ્રિયા શૂળેએ, સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ ફાન કરી દેશ માટે દસ દિવસ ફાળવવા વિનંતી કરી હોવાનું વડાપ્રધાન મોદીએ કહ્યું છે તે વાત કરી, વિપક્ષ- વિશેષ કરીને રાહુલ ગાંધી આણિ કંપનીના ફૂગ્ગાની હવા કાઢી નાખી. તેમણે તો જાણે સંઘ-ભાજપનું સૂત્ર જ બોલી નાખ્યું, સંઘનું સૂત્ર છે- વ્યક્તિ સે બડા પરિવાર, પરિવાર સે બડા સમાજ, સમાજ સે બડા રાષ્ટ્ર. ભાજપ તેને વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા રાષ્ટ્ર એમ કહે છે. સુપ્રિયા શૂળેએ કહ્યું કે જબ દેશ કી બાત આતી હૈ તો દેશ પહેલે આતા હૈ, ફિર રાજ્ય, ફિર પાર્ટી, ફિર પરિવાર.
આૅપરેશન સિંદૂર માટે વિપક્ષી સાંસદોને વિદેશોમાં મોકલીને વિદેશોમાં ભારતના પક્ષમાં વાતાવરણ બનાવવાનો વડાપ્રધાન મોદીનો નિર્ણય કુનેહભર્યો હતો. આનાથી વિદેશોમાં એવી છાપ પડી કે દેશના મુદ્દે બધા એક છે. ઓવૈસી તો એવું બોલતા હતા જાણે ભાજપના કોઈ નેતા ન હોય. એટલું જ નહીં, ત્યાંથી આવ્યા પછી પણ એશિયા કપમાં, ભલે દુબઈમાં પણ, પાકિસ્તાન સામે મેચ રમવાનો પણ વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે, અર્નબ ગોસ્વામી અને ઝી ન્યૂઝ જેવી ચેનલો પણ વિરોધ કરે છે ત્યારે ભાજપના પ્રભુત્વવાળું બી.સી.સી.આઈ., સૌરવ ગાંગુલી વગેરે કેમ પાકિસ્તાન સામે રમવાનો આગ્રહ રાખે છે તે સમજાતું નથી.
શું દેશભક્તિ સિયાચીન જેવા હિમ ક્ષેત્રમાં અત્યંત ઠંડા વાતાવરણમાં ચોકી કરતા સૈનિકોએ જ દાખવવાની હોય? વાકલ ફાર લાકલ બનીને નાગરિકોએ જ દાખવવાની હોય? નિકાસ બંધ કરી વેપારીઓએ જ દાખવવાની હોય? અઢળક કમાણી કરતા ફિલ્મ કલાકારો અને ખેલાડીઓએ કેમ નહીં? એવું જ હોય તો બધું બંધ કરી દો. સૈનિકો શા માટે લડે? વેપારીઓ શા માટે નિકાસ ન કરે?
સંસદ સત્ર પહેલાં પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે પાકિસ્તાનને આનંદ આવી જાય તેવા પ્રશ્નો પૂછી ભાજપને, ક્રિકેટની ભાષામાં કહીએ તો, ‘પાવરપ્લે’ આપી દીધો. ચિદમ્બરમે ડાબેરી મીડિયા ‘ક્વિન્ટ’ને આપેલા વીડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પહેલગામમાં થયેલા આક્રમણમાં ભારતમાં તૈયાર થયેલા ત્રાસવાદીઓ સંડોવાયેલા હોઈ શકે છે. તમે કઈ રીતે ધારી લીધું કે તેઓ પાકિસ્તાનના જ હતા.
પ્રશ્ન એ છે કે પી. ચિદમ્બરમે કેવી રીતે ધારી લીધું કે ત્રાસવાદીઓ ભારતમાં જ તૈયાર થયેલા હતા? પાકિસ્તાનના નહોતા? આ તો પાકિસ્તાનને નિર્દોષતાનું પ્રમાણપત્ર આપવા બરાબર થયું.
જોકે ચિદમ્બરમ્ ૨૬ નવેમ્બર ૨૦૦૮ના દિને પાકિસ્તાનના ત્રાસવાદીઓએ મુંબઈ પર કરેલા આક્રમણના ચાર દિવસ પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્યા હતા. તે સમયે પણ આ આક્રમણ હિન્દુ ત્રાસવાદીઓએ કર્યું છે તેવું સાબિત કરી ‘ભગવા ત્રાસવાદ’ની થિયરી પૂરવાર કરવાનો કારસો ઘડાઈ ચૂક્યો હતો. કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ અને જિહાદી સમર્થક નિર્દેશક મહેશ ભટ્ટે ‘આરએસએસ કી સાજિશઃ ૨૬/૧૧’ પુસ્તકનું વિમોચન પણ કરી નાખ્યું હતું. અને એક નહીં, બે શહેરોમાં વિમોચન કરવામાં આવ્યું હતું. અજમલ કસાબ પણ હાથમાં નાડાછડી (હિન્દીમાં કલાવા કહે છે) પહેરીને આવ્યો હતો જેથી તે હિન્દુ લાગે.
વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું તેમ, રાહુલ ગાંધીએ અમેરિકી રાજદૂત તિમોથી રોએમરને હિન્દુઓ, લશ્કર એ તઇબા જેવા ઇસ્લામિક ત્રાસવાદી સંગઠન કરતાંય વધુ ભયજનક હોવાનું કહ્યું હતું જે તે સમયે વિકિલિક્સના રહસ્યોદ્ઘાટનમાં બહાર આવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ સંસદમાં નામ લીધા વગર કોંગ્રેસના જે યુવા સાંસદના અવતરણને ટાંક્યું તે પ્રણીતિ શિંદેનું છે. પ્રણીતિએ આૅપરેશન સિંદૂરને તમાશો કહી દીધો ! મોદીજીએ કહ્યું કે આ વાત પ્રણીતિ શિંદે પાસે શીર્ષ નેતૃત્વએ કરાવડાવી છે. વાત સાચી છે કારણકે કોંગ્રેસે પ્રણીતિને હજુ ઠપકો આપ્યો નથી. ભારતીય સૈનિકોની પરાક્રમગાથાનું અભૂતપૂર્વ પ્રકરણ એવા આૅપરેશન સિંદૂરને નાટક કહેવું એ સૈનિકોની વીરતાનું શું અપમાન નથી?
પરંતુ કડવી અને સાચી વાત એ છે કે કોંગ્રેસના ઇતિહાસમાં સૈનિકોનું અપમાન સામાન્ય બાબત રહી જ છે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી સદા સેનાના વિદ્રોહથી ડરતા રહ્યા. નહેરુ તો માનતા હતા કે સેનાની શું આવશ્યકતા છે, પોલીસથી કામ ચાલી જશે. આ દેશ અહિંસાને વરેલો છે તો બીજા કોઈ દેશથી શું ભય? આૅક્ટોબર ૧૯૪૭માં જ કાશ્મીર પર ચડાઈ કરીને પાકિસ્તાને નહેરુનો એ ભ્રમ ભાંગી નાખ્યો. ઈન્દિરા ગાંધીને પણ સામ માણેક શા તરફથી ભય લાગતો હતો. સામ માણેક શાએ ૧૯૭૧માં માત્ર દસ જ દિવસમાં પોતાની વ્યૂહરચના થકી પાકિસ્તાન સામે વિજય અપાવી પાકિસ્તાનના બે ટુકડા કર્યા પરંતુ કોંગ્રેસ સરકારોએ સામ માણેક શાને હેરાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું.
તેમની સામે તેમના જમાઈની કંપનીમાં સલાહકાર તરીકે કામ કરવા માટે ન્યાયાલયમાં કેસ કરાયો જેમાં તેઓ જીતી ગયા હતા. ત્રીસ વર્ષ સુધી તેમનો પગાર કોંગ્રેસ સરકારોએ અટકાવી રાખ્યો હતો ! ઈ. સ. ૨૦૦૭માં જ્યારે સામ માણેક શા તેમનાં અંતિમ વર્ષોમાં હાસ્પિટલમાં દાખલ હતા અને ડાક્ટરો તરફથી તત્કાલીન રાષ્ટ્રપતિ ડા. એ.પી.જે. અબ્દુલ કલામને તેની જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક ત્રીસ વર્ષનો પગાર અપાવડાવ્યો. ૧ જાન્યુઆરી ૧૯૭૩થી ગણાયેલો આ પગાર કુલ રૂ. ૧.૧૬ કરોડ થયો હતો.
કલામને તે સમયે બહાનું શું અપાયું હતું તે જાણશો તો આઘાત અને દુઃખ લાગશે. કલામને કહેવાયું હતું કે સામ માણેક શાને ફીલ્ડ માર્શલ પદ પર ઉન્નતિ અપાઈ હતી અને આ પદ નવું હતું તેથી તેમનો પગાર જ નિર્ધારિત નહોતો કરાયો. બોલો ! ત્રીસ વર્ષ સુધી પગાર નિર્ધારિત ન કરી શકાયો ? કે નહોતો કરવો? પરંતુ સામ માણેક શાએ ક્યારેય કોઈ ઇન્ટરવ્યૂમાં આ ફરિયાદ નથી કરી કે નથી સરકારને પત્ર લખી આ ફરિયાદ કરી.
પહેલગામમાં ગત ૨૨ એપ્રિલે ત્રાસવાદીઓએ આક્રમણ કર્યુ અને કલમા વાંચતા આવડે છે કે નહીં તેમજ જનનેન્દ્રીયને ખતના કરાવી છે કે નહીં તે જોઈ-તપાસીને ૨૫ હિન્દુઓ અને એક ખ્રિસ્તીની હત્યા કરી અને કહ્યું કે મોદીને જઈને કહી દે’જો, તે પછી કોંગ્રેસ અને વિપક્ષો પહેલગામ હુમલાનો જડબાતોડ ઉત્તર આપવા માગણી કરતા હતા. કોંગ્રેસનાં (અ)સભ્ય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના વડપણવાળા આઈટી સેલે તો ‘ઍક્સ’ પર મોદીનો ચહેરો હટાવી ધડ મૂકી ‘સર તન સે જુદા’વાળી કલ્પના કરી નાખી કે મોદી અદૃશ્ય છે. જ્યારે કે મોદી સેનાધ્યક્ષો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ અને કેન્દ્રીય પ્રધાનો સાથે બેઠક પર બેઠક કરી રણનીતિ બનાવી રહ્યા હતા. અને ૬ મેની રાત્રે (ટૅક્નિકલી ૭ મેએ) આૅપરેશન સિંદૂર હેઠળ સેનાએ પાકિસ્તાની ત્રાસવાદીઓના અડ્ડા નષ્ટ કર્યાની જાણ થયા પછી પાકિસ્તાને સામો ઉત્તર આપવાનું શરૂ કર્યું તે પછી યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને પાકિસ્તાનની અંદર રાવલપિંડીથી માંડીને અનેક શહેરોમાં ભયંકર નુકસાન પહોંચ્યું ત્યારે તેને તેમાંથી બચાવવા કોંગ્રેસની ઇકા સિસ્ટમ શાંતિનો રાગ આલાપવા લાગી હતી અને #saynotowar નો ટ્રેન્ડ ‘ઍક્સ’ પર ચલાવવા લાગી હતી.
જોકે કોંગ્રેસ પોતે સત્તામાં હતી ત્યારે તેણે આવું જ કર્યું હતું. વડાપ્રધાન રાજીવ ગાધી સમયે ૧૯૮૬થી ’૮૮ દરમિયાન સેનાધ્યક્ષ કે. સુંદરજી હતા. તેમણે રાજીવ ગાંધીને પૂછીને ઈ.સ. ૧૯૮૬-૮૭માં રાજસ્થાનમાં પાકિસ્તાન સીમાએ સેનાની ત્રણેય પાંખના સાડા પાંચ લાખ સૈનિકોનો એક યુદ્ધ અભ્યાસ- આૅપરેશન બ્રાસટૅક્સ- શરૂ કર્યો હતો. સાડા પાંચ લાખ એટલે અડધી સેના. સુરક્ષા અંગેની વેબસાઇટ ‘globalsecurity.org’ તે અભ્યાસને ‘નાટો’ના અભ્યાસ કરતાંય મોટો ગણાવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીનો આ સૌથી મોટો યુદ્ધાભ્યાસ હતો.
રાજીવ ગાંધીએ પણ સાર્ક પરિષદમાં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન મોહમ્મદ જુનેજોને તેની જાણ કરી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ ઘોર ભારત વિરોધી ઝિયા ઉલ હક હતા જેમણે વિદ્રોહ કરી સત્તા પચાવી પાડી હતી. તેઓ પોતે પણ અગાઉ સેનાધ્યક્ષ હતા.
એટલે તેમણે અભ્યાસને પાકિસ્તાન સામે ભય તરીકે જોયો અને પંજાબ સીમાએ પાકિસ્તાન સેનાને ખડકી દીધી. ૧૯૮૭ના જાન્યુઆરીના મધ્ય સુધીમાં બંને દેશોની સેના સામસામે આવી ગઈ હતી. પાકિસ્તાને તો પરમાણુ યુદ્ધની ધમકી પણ આપી દીધી. આનાથી રાજીવ ગાંધી ડરી ગયા. ૧૯૪૭, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં જેમ આપણે મજબૂત સ્થિતિમાં હોવા છતાં, ટેબલ પર હારી ગયા, તેમ આ યુદ્ધાભ્યાસ પછી આપણે એવી સંધિ કરી લીધી કે કાશ્મીરમાંથી આપણે દોઢ લાખ સૈનિકોને પાછા બોલાવી લીધા ! વિચારો ! તે પછી ઈ.સ. ૧૯૮૯થી કાશ્મીરમાં પાકિસ્તાનના સંકેત પર ભયાનક ત્રાસવાદ શરૂ થયો અને હિન્દુઓની હત્યા શરૂ થઈ. ઈ.સ. ૧૯૯૦ની ૧૯ જાન્યુઆરીએ તો હિન્દુઓ પર બળાત્કાર, હત્યા, લૂંટફાટ કરીને ત્યાંથી ભગાડાયા. રાજીવ ગાંધીએ આ સંધિ ન કરી હોત તો?
આ આૅપરેશન બ્રાસટૅક્સનો ઉદ્દેશ્ય પાકિસ્તાનમાંથી સિંધને અલગ પાડવાનો પણ હતો તેમ સંરક્ષણ નિષ્ણાતો કહે છે. જો તેમ થયું હોત તો પાકિસ્તાનને મોટો ઘા વાગ્યો હોત. પરંતુ રાજીવ ગાંધીનું સાહસ ઓછું પડ્યું.
સેનાધ્યક્ષ સુંદરજી ખૂબ જ આક્રમક સેનાધ્યક્ષ હતા. ઈ.સ. ૧૯૮૬માં અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે આૅપરેશન ફાલ્કન કરીને હાથુંગ લા રિજ, પાંકાંગ તેંગ ત્સો અને ક્યાફો સહિત ઊંચાઈ પર આવેલાં વ્યૂહાત્મક સ્થળો પાછાં મેળવી લીધાં હતાં, જેના પરિણામે ભારત અને ચીનની સેના સામસામે આવી ગઈ હતી, પરંતુ યુદ્ધ ટાળી શકાયું હતું. સુંદરજીના આ વીરતાસભર પરાક્રમ પછી ભારત સરકારે ઈ.સ. ૧૯૮૬માં અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપ્યો હતો.
યુપીએ સરકારમાં સોનિયા ગાંધી આણિ કંપનીએ સિયાચીન હિમ ક્ષેત્રને પાકિસ્તાનને ધરી દેવાની યોજના બનાવી હતી ! આ કોઈ પાયાવિહોણી બાબત નથી, સેનાના પૂર્વાધ્યક્ષ જે.જે. સિંહે (જોગીન્દર જશવંતસિંહ) આ ઘટસ્ફોટ ૨૦૧૪માં કર્યો હતો. સિયાચીન પર આપણી વીર સેનાએ ઈ. સ. ૧૯૮૪માં ‘આૅપરેશન મેઘદૂત’ કરીને આધિપત્ય મેળવી લીધું અને અનેક ભારતીય સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું, -૬૦ અંશ સે.ની હાડ ગાળી નાખતી ઠંડીમાં પણ તેની રક્ષા આપણા સૈનિકો કરે છે તે સિયાચીનને પાકિસ્તાનને આપી દેવાની યોજના સોનિયા ગાંધી સરકારે ઈ.સ. ૨૦૦૬માં બનાવી હતી અને તેણે સેનાને વિશ્વાસમાં લેવાનું પણ ઉચિત નહોતું સમજ્યું ! જે.જે. સિંહે કહ્યું હતું કે કોંગ્રેસે સિયાચીનને પાકિસ્તાનને સોંપવા પ્રસ્તાવ કરીને તેમાં બલિદાન થનાર સૈનિકોની વીરગતિનું અપમાન કરવા પ્રયાસ કર્યો હતો.
આ પહેલાં ઈ.સ. ૧૯૮૯માં રાજીવ ગાંધી સમયે અને તે પછી ઈ.સ. ૧૯૯૨માં નરસિંહરાવની કોંગ્રેસ સરકાર સમયે પણ સિયાચીન પાકિસ્તાનને સોંપી દેવા પ્રયાસો થયા હતા પરંતુ ભારતીય સેનાના વિરોધના કારણે એ શક્ય નહોતું બન્યું.
સંસદના સત્ર દરમિયાન સોનિયા ગાંધીએ ‘દૈનિક જાગરણ’ વર્તમાનપત્રમાં એક લેખ લખી ગાઝા બાબતે (એટલે કે હમાસે ૭ આૅક્ટોબર ૨૦૨૪એ કરેલા બર્બરતાપૂર્ણ આક્રમણના ઉત્તરમાં ઇઝરાયેલ દ્વારા કરાતી કાર્યવાહી) વડાપ્રધાન મોદીના મૌનની ટીકા કરી હતી. તેમનાં પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા ગત ડિસેમ્બર ૨૦૨૪માં પેલેસ્ટાઇન લખેલી થેલી (બૅગ) લઈને સંસદ સત્રમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં. પરંતુ આ જ ગાંધી પરિવાર અને કોંગ્રેસ ઈરાન પર ઇઝરાયેલના આક્રમણ બાબતે મૌન છે. ઈરાનના શિયા મુસ્લિમોની જાનહાનિ તેમને જાનહાનિ નથી લાગતી. ઈરાનના શિયા મુસ્લિમો તેમને મુસ્લિમો નથી લાગતા. તેમને ગાઝાના સુન્ની મુસ્લિમોની જ પડી છે.
તો, પ્રિયંકા ગાંધી વાડ્રાએ છત્તીસગઢમાં ત્રણ છોકરીઓને બળજબરીથી મતાંતરિત કરી ખ્રિસ્તી બનાવવા તેમજ માનવ ચોરી કરવાના આરોપમાં પકડાયેલી બે ખ્રિસ્તી નનને છોડવા માટે સંસદ ભવનના પરિસરમાં દેખાવો કર્યા હતા. રાહુલ ગાંધી વિદેશ જાય છે ત્યારે કહે છે કે ભારતમાં મુસ્લિમો અને શીખો પર અત્યાચાર થઈ રહ્યા છે. આનો અર્થ સ્પષ્ટ છે કે કોંગ્રેસને માત્ર મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જ દેખાય છે. શીખોનો મુદ્દો તેઓ ખાલિસ્તાન અલગતાવાદને ભડકાવવા કરે છે. આમ, ચિદમ્બરમ્ હોય, પ્રણીતિ શિંદે કે પછી ગાંધી પરિવાર, તેઓ મત માટે, ભારતમાં હિન્દુઓમાં ભાગલા પડાવી, મુસ્લિમો-શીખો-ખ્રિસ્તીઓને ભડકાવવાના પાકિસ્તાનના મિશનમાં સહાય કરી રહ્યા છે. jaywant.pandya@gmail.com











































