પશ્ચિમ બંગાળમાં ઉજવાતી ‘દુર્ગા પૂર્જાને વૈશ્વિક ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રના સાંસ્કૃતિક એકમ યુનેસ્કોએ બુધવારે બંગાળની દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે બંગાળના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
પશ્ચિમ બંગાળ સરકારે દુર્ગા પૂજાને હેરિટેજની યાદીમાં સામેલ કરવા માટે યુનેસ્કોને અરજી કરી હતી. હવે યુનેસ્કોએ આ અરજી સ્વીકારી લીધી છે. જેના કારણે બંગાળની દુર્ગા પૂજાને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ૧૦ દિવસની લાંબી ઈવેન્ટમાં બનાવવામાં આવેલ ભવ્ય અને વિશાળ પંડાલ જાવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી લાખો લોકો દર વર્ષે બંગાળ આવે છે. બંગાળની સંસ્કૃતિમાં હજારો વર્ષોથી દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે.
પશ્ચિમ બંગાળની ઐતિહાસિક દુર્ગા પૂજાને સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક પાંખ યુનેસ્કો દ્વારા હેરિટેજની યાદીમાં ગર્વની ક્ષણ જાહેર કરવામાં આવી છે. આ સાથે મમતા બેનર્જી એ કહ્યું છે કે દુર્ગા પૂજા માત્ર એક તહેવાર નથી પરંતુ તે એક લાગણી છે જે દરેકને એક કરે છે. યુનેસ્કો દ્વારા વૈશ્વિક માન્યતા આપતા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં દુર્ગા પૂજાને સામેલ કરવાની જાહેરાત કર્યા પછી મમતાએ બુધવારે મોડી સાંજે ટ્વિટ કર્યું. જેમાં તેણે લખ્યું હતું કે, “બંગાળ માટે આ ગર્વની ક્ષણ છે. વિશ્વભરમાં વસતા દરેક બંગાળી માટે દુર્ગા પૂજા એ તહેવાર કરતાં વધુ છે. તે એક લાગણી છે જે બધાને એક કરે છે. હવે દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં ઉમેરવામાં આવી છે. અમે બધા આનંદથી કૂદી રહ્યા છીએ.”