બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસ પર ‘દેશને અમેરિકાને વેચવાનો’ આરોપ લગાવ્યો હતો. હસીનાએ તેમના અવામી લીગ પક્ષ પર તાજેતરમાં લગાવવામાં આવેલા પ્રતિબંધની નિંદા કરી અને તેને ગેરબંધારણીય ગણાવ્યો.
એક ઓડિયો સંદેશમાં, બાંગ્લાદેશના પદભ્રષ્ટ નેતાએ કહ્યું કે યુનુસે ‘આતંકવાદીઓ’ ની મદદથી બાંગ્લાદેશ સરકાર પર કબજા કર્યો. હસીનાનો આ તાજેતરનો હુમલો એવા સમયે થયો છે જ્યારે એવા અહેવાલો છે કે ડિસેમ્બરમાં બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની સેનાની જાહેરાત બાદ યુનુસે રાજીનામું આપવાની ધમકી આપી છે.
નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને ૭ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ વચગાળાની સરકારના વચગાળાના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે પહેલાં, સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનોને કારણે તત્કાલીન વડા પ્રધાન હસીનાએ રાજીનામું આપીને બાંગ્લાદેશ ભાગી જવું પડ્યું હતું.
હસીનાએ કહ્યું, મારા પિતા સેન્ટ માર્ટિન ટાપુ અંગે અમેરિકાની માંગણીઓ સાથે સહમત ન હતા. આ માટે તેમણે પોતાનો જીવ બલિદાન આપવો પડ્યો અને આ મારું ભાગ્ય હતું, કારણ કે મેં ક્્યારેય સત્તામાં રહેવા માટે દેશ વેચવાનું વિચાર્યું ન હતું.










































