કુરુક્ષેત્રનું રણ ગાજી રહ્યું હતું. દુર્યોધને સંજોગો ઉભા કરી મેલ્યા હતા કે પાંડવોએ હથિયાર ઉઠાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થવાનું કારણ ભૂગોળ હતી. ભગવાન શ્રી કૃષ્ણે એ યુધ્ધને ધર્મ અને અધર્મનો આયામ આપ્યો. આમ જુઓ તો બે ભાઈઓ વચ્ચે ભાગીદારીનો જ મુખ્ય વિવાદ હતો. જે છેલ્લે સંસારના સૌથી મોટા યુદ્ધમાં પરિણમ્યો હતો. ભગવાન જેવા મધ્યસ્થ જેમની વચ્ચે હોવા છતાં યુદ્ધ થઈને રહ્યું હતું. યુદ્ધ કોઈ શાંતિદૂતની નિષ્ફળતાનું પરિણામ નથી હોતું. યુદ્ધ માટે માત્ર એક દુર્યોધનની જરૂરિયાત રહે છે. શકુની, ધ્રુતરાષ્ટ્ર, દુશાસન અને કર્ણ જેવા પરિબળો આપોઆપ દુર્યોધનની આસપાસ ગોઠવાઈ જાય છે અને યુદ્ધ માટેની ભૂમિકા તૈયાર થવા લાગે છે. પાકિસ્તાન દુર્યોધન હોય તો બાકીના પાત્રો હિન્દુસ્તાનમાંથી પણ મળી આવે છે. પાકિસ્તાન જેવા દેશ માત્ર ભારત નહિ પણ પુરા વિશ્વ માટે ખતરો છે. ઇસ્લામિક હોય એ સિવાયના તમામ દેશોનું દુશ્મન પાકિસ્તાન બની શકે એટલું કટ્ટર મજહબી ઝેર ધરાવે છે. યુરોપમાં આજે એ ક્રીશ્ચીયાનીટી સામે લડે છે, ભારતમાં હિન્દુઇઝમ સામે લડે છે, ઈઝરાયેલમાં યહૂદીઓ સામે લડે છે, બધા સંઘર્ષોના મૂળમાં એક જ તત્વ છે… મજહબી કટ્ટરતા. મહાકવિ દિનકરે લખ્યું છે… જબ નાશ મનુજપે છાતા હૈ, પહેલે વિવેક મર જાતા હૈ…
વર્લ્ડ જીઓ પોલીટીક્સમાં એક શબ્દ આવે છે, ‘ફોલ્ટ લાઈન વોર.’ જ્યાં સરહદો અને બે પ્રજાના આધિપત્ય કે સંસ્કૃતિ વચ્ચે સંઘર્ષ છે ત્યાં જે ઘર્ષણ છે તેને પ્રોફેસર હન્ટિંગટન પોતાના પુસ્તક ‘કલેશ ઓફ સિવિલાઈઝેશન’માં તેને ફોલ્ટ લાઈન વોર તરીકે ઓળખાવે છે. આરબ ઇઝરાયેલ, ભારત પાકિસ્તાન, સુદાનના ક્રિશ્ચિયનો અને મુસ્લિમો, શ્રીલંકાના બૌદ્ધો અને તમિલો, લેબેનોનની બહુમતી અને લઘુમતી તેના ઉદાહરણો છે. એમનું કહેવું છે કે આવા ઘર્ષણો કોઈ કુળ, આદિજાતિ, ધાર્મિક સંસ્થાઓ, અને દેશો વચ્ચે ચાલતા રહ્યા હોવાનો ઈતિહાસ લાંબો છે. દરેક યુગમાં આ સંસ્કૃતિક અથડામણો જોવા મળે છે કારણ કે એ માણસની ઓળખ પ્રસ્થાપિત કરવામાંથી જન્મે છે. પ્રો. હન્ટિંગટન આગળ લખે છે કે જો આવું ઘર્ષણ બે દેશો વચ્ચે હોય તો એ દેશની અંદરના ઘર્ષણ કરતા છ ગણા વધારે સમય સુધી ચાલે છે. જો દેશો વચ્ચે આવો સંઘર્ષ ખુબ લાંબો ચાલે અને તેમાં હિંસાનું અને વિચારધારાની લડાઈનું ઘનત્વ વધુ હોય તો એવું જોવા મળ્યું છે કે આ સાંપ્રદાયિક યુદ્ધ બે જાતિ, ધર્મ કે ભાષા વચ્ચે થયું છે. અને જયારે ધર્મ બે સભ્યતાને જુદું પાડતું મુખ્ય પરિબળ હોય, ફોલ્ટ લાઈન વોર હમેશા બે અલગ ધર્મની પ્રજા વચ્ચે હોય છે. જે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહ્યું છે.
આધુનિક યુગના યુદ્ધોના કારણો પ્રાચીન જેવા જ છે. કદાચ ત્યારે ભૂગોળ મુખ્ય કારણ હતી. આજે ભૂગોળ સાથે ધર્મ અને ભૂગોળ સાથે રાજનીતિ ભળી છે. પાકિસ્તાની આતંકવાદીઓ હિન્દુસ્તાનમાં ઘૂસીને ધર્મ પૂછીને માથામાં ગોળી મારે તો આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો… એવું ગીત ગાવાનું બંધ કરી દેવું જોઈએ. અને જો કોઈ ગાવા માંગતું હોય તો એ આવા આતંકવાદીઓની સામે જઈને ગાઈ શકે છે. આ બંને કારણો આધારિત અથડામણો વિશ્વમાં સતત ચાલતી રહે છે. મહાકવિ દિનકરે કહ્યું છે એમ, જયારે કોઈ સ્વત્વ છીનવી રહ્યું હોય ત્યારે તપ ત્યાગથી કામ લેવું પાપ છે. તમારા તરફ વધી રહેલા હાથને કાપી નાખવો પુણ્ય છે. અને જેની ભુજાઓમાં તાકાત છે એ પુરુષ બીજા પાસે ભીખ માંગવા નથી જતો.
હિન્દુસ્તાનમાં આવા દરેક આતંકી હુમલા બાદ એક છીછરી પ્રજાતિ ભૂગર્ભમાંથી બહાર આવી જાય છે. પાકિસ્તાન હુમલામાં હાથ હોવાનો ઇનકાર કરે એ પહેલા દેશમાં રહેલા પાકિસ્તાનના હિતેચ્છુઓ સવાલો ઉઠાવવા લાગે છે. બનાવની તપાસ નિવૃત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે એવી પીટીશન ઠેઠ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા સુધી પહોચી જાય છે. આવા માનસિક બીમારોની માનસિકતા દેશના નાગરિકોએ પીછાણવાની જરૂર છે. એક આખી ઇકો સિસ્ટમનો ભાગ હોય છે જે આવા સમયે બહાર નીકળે છે. હિન્દુસ્તાનનો વિપક્ષ આવા સમયે પણ દેશની મુખ્યધારા સાથે જોડાઈ શકતો નથી. એક બાજુ દરેક પક્ષના નેતાઓ દેશની જનતાને બતાવવા સરકારને સમર્થન હોવાની જાહેરાત કરે છે અને એ જ સમયે એ પક્ષોના નેતાઓ દેશવિરોધી અને સેનાનું મનોબળ તોડતી માનસિકતા છતી કરતી નિવેદનબાજીમાં ઉતરી જાય છે. દેશમાં એક હિંદુ શંકરાચાર્ય પણ છે, જેની પાસે ધર્મ સિવાય સરકારના દરેક પગલાને વખોડવાનું બ્રહ્મજ્ઞાન ઉપલબ્ધ છે. એક કિસાન નેતા છે, જે પાકિસ્તાનનું પાણી બંધ કરી દેવાથી ખુબ દુઃખી છે. પાકિસ્તાન આ બખૂબી જાણે છે કે તેમને હિન્દુસ્તાનમાં શંકરાચાર્યથી લઈને સાંસદ સુધીના દોગલાઓ સમર્થક તરીકે મળી જશે. ભૂતકાળમાં ક્યારેય નહોતો એવો આંતરરાષ્ટ્રીય ટેકો આજે ભારતને પાકિસ્તાનની સામે છે. બદલો નહિ લેવાનું કોઈ કારણ નથી. કઈ રીતે બદલો લેવો એ સરકારની મનસૂફી અને સમષ્ટિના હિતને ધ્યાનમાં રાખીને સરકાર લઇ શકે છે. હવે દુનિયામાં ડોઝીયરો પહોચાડવાની જરૂર નથી. કોઈને ખુલાસાઓ આપવાની જરૂર નથી. કોઈની પાસે સમર્થન કે સંમતિ માંગવા જવાની પણ જરૂર નથી કે અમે આ વ્યૂહ કરવા જઈ રહ્યા છીએ. આજે ભારતની ભૂજાઓમાં તાકાત છે, ભીખ માંગવાની જરૂર નથી.
ક્વિક નોટ — ૧૯૯૩-૯૪માં પચાસ વંશીય રાજનીતિક અથડામણો થઇ હતી. જેમાંથી છવ્વીસમાં મુસ્લિમ સામેલ હતા. જેમાંથી પંદર મુસ્લિમ અને બિન મુસ્લિમ વચ્ચે થઇ હતી. અને અગિયાર અલગ અલગ મુસ્લિમ ફિરકાઓ વચ્ચે થઇ હતી. (પીપલ્સ અગેઈન્સ્ટ સ્ટેટ – એથનો પોલીટીકલ કોન્ફલિકટ એન્ડ ધ ચેન્જીંગ વર્ડ સીસ્ટમ – ટેડ રોબર્ટ ગુર્ર)