દરેક જમીનની તાસીર હોય છે. જમીન પોતાની જરૂરત મુજબ પ્રજા અને રાજા પેદા કરતી રહે છે. દુનિયાની દરેક ભાષામાં વતનની માટી માટે માતૃભૂમિ શબ્દ પ્રયોજાયો છે. વતન, મા ભોમ, મધરલેન્ડ, ફાધરલેન્ડ, માતૃભૂમિ, પિત્રુભુમિ, ધર્મભૂમિ, દેશ, સ્વભૂમિ, જન્મભૂમિ શબ્દપ્રયોગ ચાહે તે હોય, ભાવના દુનિયાના કોઈ ખૂણે સરખી જ છે. જયારે તમે ચારે બાજુથી ફેંકાઈ જાઓ છો, દુનિયા તમને જમીન પરથી ઉખેડી નાખે છે ત્યારે માતૃભૂમિ એક માત્ર આશરો રહે છે. અને જો માતૃભૂમિ કે પિતૃભૂમિ પરથી કોઈ હાંકી કાઢવા માંગે તો વિકલ્પ યુદ્ધ છે. જો એ જમીન પર રહેતા હો તો આક્રાન્તાનો મુકાબલો કરવો તમારી ફરજ છે.
સરહદો સળગતી હોય ત્યારે શાસક શાંતિના પારિતોષિક માટે પ્રયત્નો કે પ્રવૃત્તિ નથી કરી શકતો. અને જો એ એમ કરે તો તેને તાત્કાલિક સત્તા પરથી ઉતારી મુકવો જોઈએ. મહાકવિ રામધારીસિંહ દિનકરે પોતાની રચના કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે પંક્તિઓની રચના કરી છે….
છીનતા હો સ્વત્વ કોઈ, ઔર તું તપ ત્યાગ સે કામ લે, યે પાપ હૈ I
પુણ્ય હૈ વિચ્છિન્ન કર દેના ઉસે, બઢ રહા તેરી તરફ જો હાથ હો I
બદ્ધ વિદલિત ઔર સાધનહીન કો હૈ ઉચિત અવલંબન અપની આહ કા;
ગિડગિડાકર કિન્તુ, માંગે ભીખ ક્યોં વહ પુરુષ, જિસકી ભુજા મે શક્તિ હો ?
યુદ્ધ કો તુમ નીંધ કહેતે હો મગર, જબ તલક હૈ ઉઠ રહી ચિંગારીયાં,
ભિન્ન સ્વાર્થો કે કુલિશ- સંઘર્ષ કી, યુદ્ધ તબ તક વિશ્વમેં અનિવાર્ય હૈ.
ઔર જો અનિવાર્ય હૈ ઉસકે લિયે, ખિન્ન યા પરિતૃપ્ત હોના વ્યર્થ હૈ
તું નહિ લડતા, ન લડતા, આગ યહ, ફૂટતી નિશ્ચય કિસી ભી વ્યાજ સે I
બક્ષી બાબુએ લખ્યું હતું કે ભૂગોળ વિના ઈતિહાસ સંભવ નથી. પોતાની ભૂગોળ પ્રત્યે સભાન અને સજાગ પ્રજા જ ઈતિહાસ લખે છે. રાષ્ટ્રો અને માનવજાતિનું જીવન પણ ઇતિહાસનો જ વિષય છે. અને ઈતિહાસ એક આખી પ્રજાનો હોય છે. પ્રાચીન ઈતિહાસકારો એકલ દોકલ શાસકોનો ઈતિહાસ લખતા હતા. જો એ શાસકને જલેબી ભાવતી હોય તો ત્યારે આખી પ્રજા જલેબી ખાવાની શોખીન હતી એવું લખાઈ છપાઈ જતું હતું. એક ફ્રેંચ કહેવત છે કે ઈતિહાસ મૌત સામેનો સંઘર્ષ છે. આલ્બેર કામુ એ ડાયરી લખી હતી, યુદ્ધના અંતે પ્રશ્ન પૂછવામાં આવે છે કે આખરે કોણ સાચું હતું ? જવાબ બડો ક્રૂર છે… જે જીવતો રહ્યો એ…. એ હકીકત છે કે યુદ્ધ બાદનો જવાબ જે જીવતો રહી ગયો એ જ આપી શકે છે. અને એ ઇતિહાસે સાચો માનવો પડે છે. એટલે જ કહ્યું છે કે ઈતિહાસ વિજેતાના દ્રષ્ટિકોણથી લખાય છે. હારનારા કવિતા કરે છે. જેમ આપણે બાંસઠના યુદ્ધ બાદ કરી હતી. વર્લ્ડ જીઓ પોલીટીક્સમાં એક શબ્દ આવે છે, ‘ફોલ્ટ લાઈન વોર.’ જ્યાં સરહદો અને બે પ્રજાના આધિપત્ય કે સંસ્કૃતિ વચ્ચે સંઘર્ષ છે ત્યાં જે ઘર્ષણ છે તેને પ્રોફેસર હન્ટિંગટન પોતાના પુસ્તક ‘કલેશ ઓફ સિવિલાઈઝેશન’માં તેને ફોલ્ટ લાઈન વોર તરીકે ઓળખાવે છે. આરબ, ઇઝરાયેલ, ભારત પાકિસ્તાન, સુદાનના ક્રિશ્ચિયનો અને મુસ્લિમો, શ્રીલંકાના બૌદ્ધો અને તમિલો, લેબેનોનની બહુમતી અને લઘુમતી તેના ઉદાહરણો છે. એમનું કહેવું છે કે આવા ઘર્ષણો કોઈ કુળ, આદિજાતિ, ધાર્મિક સંસ્થાઓ અને દેશો વચ્ચે ચાલતા રહ્યા હોવાનો ઈતિહાસ લાંબો છે. દરેક યુગમાં આ સંસ્કૃતિક અથડામણો જોવા મળે છે કારણ કે એ માણસની ઓળખ પ્રસ્થાપિત કરવામાંથી જન્મે છે. પ્રો. હન્ટિંગટન આગળ લખે છે કે જો આવું ઘર્ષણ બે દેશો વચ્ચે હોય તો એ દેશની અંદરના ઘર્ષણ કરતા છ ગણા વધારે સમય સુધી ચાલે છે. જો દેશો વચ્ચે આવો સંઘર્ષ ખુબ લાંબો ચાલે અને તેમાં હિંસાનું અને વિચારધારાની લડાઈનું ઘનત્વ વધુ હોય તો એવું જોવા મળ્યું છે કે આ સાંપ્રદાયિક યુદ્ધ બે જાતિ, ધર્મ કે ભાષા વચ્ચે થયું છે. અને જયારે ધર્મ બે સભ્યતાને જુદું પાડતું મુખ્ય પરિબળ હોય, ફોલ્ટ લાઈન વોર હમેશા બે અલગ ધર્મની પ્રજા વચ્ચે હોય છે.
મિડલ ઇસ્ટનું ઇઝરાયેલ અને અન્ય આરબ દેશોનું ઘર્ષણ આરબો અને જ્યુ પ્રજા વચ્ચેની સંસ્કૃતિક અથડામણ સાથે ભૌગોલિક પણ છે. બંને વચ્ચે ચાર પાંચ લડાઈઓ થઇ ચુકી છે. ઈઝરાયેલને અમેરિકા અને મહદઅંશે યુરોપનું સમર્થન છે. આમાં પશ્ચિમ વિરુદ્ધ ઇસ્લામની થીયરી કામ કરી રહી છે. અમેરિકા અને યુરોપ ઇસ્લામનો ખતરો બરાબર પિછાણે છે. ૧૯૯૩-૯૪માં પચાસ વંશીય રાજનીતિક અથડામણો થઇ હતી. જેમાંથી છવ્વીસમાં મુસ્લિમ સામેલ હતા. જેમાંથી પંદર મુસ્લિમ અને બિન મુસ્લિમ વચ્ચે થઇ હતી. અને અગિયાર અલગ અલગ મુસ્લિમ ફિરકાઓ વચ્ચે થઇ હતી. (પીપલ્સ અગેઈન્સ્ટ સ્ટેટ – એથનો પોલીટીકલ કોન્ફલિકટ એન્ડ ધ ચેન્જીંગ વર્ડ સીસ્ટમ – ટેડ રોબર્ટ ગુર્ર) આધુનિક યુગના યુદ્ધોના કારણો પ્રાચીન જેવા જ છે. કદાચ ત્યારે ભૂગોળ મુખ્ય કારણ હતી. આજે ભૂગોળ સાથે ધર્મ અને ભૂગોળ સાથે રાજનીતિ ભળી છે. આ બંને કારણો આધારિત અથડામણો વિશ્વમાં સતત ચાલતી રહે છે. મહાકવિ દિનકરે કહ્યું છે.
એમ, જયારે કોઈ સ્વત્વ છીનવી રહ્યું હોય ત્યારે તપ ત્યાગથી કામ લેવું પાપ છે. તમારા તરફ વધી રહેલા હાથને કાપી નાખવો પુણ્ય છે. અને જેની ભુજાઓમાં તાકાત છે એ પુરુષ બીજા પાસે ભીખ માંગવા નથી જતો.
ક્વિક નોટ – હણે તેને હણવામાં પાપ નથી.
આભાર – નિહારીકા રવિયા