કોઈપણ રાષ્ટ્ર બે ત્રણ આયામો થકી ઓળખ પામે છે. રાષ્ટ્રની પોતાની સંસ્કૃતિક ધરોહર, રાષ્ટ્રીય ચારિત્ર્ય અને નૈતિક મુલ્યો, પરંપરા અને ઓળખ, રાષ્ટ્રની આર્થિક, રાજકીય અને આંતરરાષ્ટ્રીય તાકાત, રાષ્ટ્રની પ્રજા અને નેતા. રાષ્ટ્ર માટે યુધ્ધ અને શાંતિ, વિજય અને પરાજય, પ્રગતિ અને અધોગતિનો ભૂતકાળ છોડી ગયેલ પ્રજા અને નેતા. દેશનું પોતાનું એક ટીમ્બર હોય છે. પ્રજાનું ખમીર અને મિજાજ, નેતાગીરીનો એક મિડાસ ટચ અને કુનેહ હોય છે. આખું વિશ્વ કોઈપણ રાષ્ટ્રની તાકાતનું આકલન તત્કાલીન નેતાગીરી અને તેની વૈશ્વિક નીતિઓને આધારે કરતુ હોય છે. આજે ઈરાન આયાતોલ્લાહ ખામેઈનીથી ઓળખાય છે, અમેરિકા ડોનાલ્ડ ટ્રંપના નામથી ઓળખાઈ રહ્યું છે. સવાલ એ છે કે આ બંને નામોએ જે તે દેશોને શું આપ્યું ?
વિશ્વની નંબર વન સૈન્ય તાકાત ધરાવતો દેશે જો વિશ્વની સોળમાં નંબરની સૈન્ય તાકાત ધરાવતા દેશ સામે જો યુધ્ધની બહાર નીકળવાના એક્ઝીટ પ્લાન શોધવો પડતો હોય તો તેના માટે ગુજરાતીમાં એક કહેવત છે કે સાંપે છછુંદર ગળ્યો. ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુધ્ધ વખતે પાકિસ્તાનમાં જે પ્રચાર પ્રસાર ફેલાવવામાં આવ્યો હતો એ મુજબ એકસો હિંદુ બનિયા માટે એક મુસલમાન કાફી છે. ઇસ્લામની ફૌજ માટે લાલ કિલ્લા પર લીલો પરચમ લહેરાવવો ડાબા હાથનો ખેલ છે. હિન્દુસ્તાનને ચપટી વગાડતા જ મીટ્ટીમાં મિલાવી દેવામાં આવશે. ત્યારે હિન્દુસ્તાનનું શાસન ઇન્દિરા ગાંધીના હાથમાં હતું. પાકિસ્તાનીઓ મજાક ઉડાવી રહ્યા હતા કે ‘એક ઔરત ક્યાં લડાઈ લડેગી ?’ પણ જયારે યુધ્ધ થયું ત્યારે જે થયું એ ઈતિહાસ છે. લગભગ દરેક મોરચે પાકિસ્તાનની સેનાની એવી ધોલાઈ થઇ કે આજદિન સુધી પાકિસ્તાની સેના સાડા પાંચ દાયકા બાદ પણ એ ભયના આઘાતમાંથી બહાર આવી શકી નથી. ૯૩૦૦૦ સૈનિકોના આત્મસમર્પણનો કાળો ધબ્બો પાકિસ્તાન સેનાના કપાળે લખાઈ ગયો છે. ભારતીય સેનાના નિવૃત લેફ્‌ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢીલ્લો, જેમણે પોતાની ફૌજી જીવન આધારે એક બુક લખી છે ‘કિતને ગાજી આયે, કિતને ગાજી ગયે.’, એમણે એક વાત કહી છે કે સૌપ્રથમ રાજકીય ધ્યેય અને ઈચ્છાશક્તિ નક્કી થાય છે, એ આધારે સૈન્યના ધ્યેય નક્કી કરવામાં આવે છે અને જયારે સૈન્યના ધ્યેય નક્કી થઇ જાય છે ત્યારબાદ સૈન્યની રણનીતિ બનાવવામાં આવે છે. સૈન્યની રણનીતિ બની ગયા બાદ સૈન્ય ઓપરેશનનો નિર્ણય કરવામાં આવે છે. દેશના કોઈ નેતાને સનક ઉપડે કે ફલાણા દેશ પર હુમલો કરી દઈએ, એ આધારે કોઈ સૈન્ય કાર્યવાહી કરવી એ આત્મઘાત બની શકે છે. એમણે પોતાની બુકમાં કાશ્મીરના પોતાના પોસ્ટીંગ વખતે ધારા ૩૭૦ ઉન્મૂલન વખતેના ભારતના ગૃહમંત્રી સાથેના પોતાના સવારના નાસ્તાનો ઉલ્લેખ કરીને રાજનીતિક અને લશ્કરી બંને તાકાતોના સમન્વય થકી સફળતાનો પ્રસંગ આલેખ્યો છે કે જયારે દેશ અનુચ્છેદ ૩૭૦ નિર્મુલન માટે તૈયારી કરી રહ્યો હતો ત્યારે ક્યા સ્તરનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું એ એમની બુકમાં એમણે અદ્બૂત આલેખન કરેલ છે.
તમારો રાજકીય મહત્વકાંક્ષી ફીતુર કે સનક લાખો કરોડોના મુકદ્દરની રમત બની જાય ત્યારે વર્તમાન તમને સિતમગર તરીકે મુલાવવાનું શરુ કરે છે. ઈતિહાસ તત્કાલીન અમેરિકન પ્રમુખને કદાચ બીજું કોઈ સંબોધન પણ કરશે. ઈરાન બેશક એક આતંકવાદી પોષક પરસ્ત દેશ છે. આતંકવાદ ઈરાનની વિદેશનીતિનો એક સબ્જેક્ટ છે. હુતી, હિઝબુલ્લાહ અને હમાસ જેવા પ્રોક્સી આતંકવાદી સંગઠનોને પાળી પોષીને મોટા ઈરાને કર્યા છે. આ બધા સંગઠનો જેના આશરે હતા તેને રોકવાની જરૂર હતી. એની ગંભીરતા આખા વિશ્વને ખબર હતી, કારણકે ઈરાનની આતંકવાદ માટેની વ્યાખ્યા સ્પષ્ટ છે, ‘ આતંકવાદ ગરીબોનો એટમબોમ્બ છે.’ તેની પરમાણું શક્તિ આખા વિશ્વ માટે ખતરો બની શકે છે. પણ આજે જે અર્ધું વિશ્વ પીડાઈ રહ્યું છે તેનો ઉકેલ શોધવો રહ્યો, અથવા પહેલા કહ્યું તેમ યુધ્ધ પહેલા રણનીતિ જરૂરી હતી. અથવા ઈરાકની અદ્રશ્ય તાકાતથી વાફેફ થઇ જવાની જરૂર હતી. હોર્મુઝ અંગેની કલ્પના કોઈ યુધ્ધ વિશેષજ્ઞને નહોતી ? જો આમ નથી થયું તો શું આ બધી વાતને કોરાણે મુકીને યુધ્ધ કરી લેવા જેવું કોઈ મજબૂત કારણ હતું ? અમેરિકાના યુધ્ધ બાદ હવે આ આખી વ્યવસ્થા ખામેઈનીની હત્યા બાદ આઈ આર જી સી જેવા સંગઠનના હાથમાં જઈ નહિ પડે તેની શું ખાતરી ? જો એમ થઇ જશે તો હાલત પહેલાથી પણ ખરાબ થઇ જવાની પૂરી શક્યતા છે.
પ્રાચીન ચીની લશ્કરી વ્યૂહરચનાકાર સન ત્ઝુ દ્વારા છઠ્ઠી સદી પૂર્વે લખાયેલ લશ્કરી રણનીતિ પરના પુસ્તક છે ‘ધ આર્ટ ઓફ વોર’માં લડ્‌યા વગર યુધ્ધ જીતવું, દુશ્મનની નબળાઈ જાણીને યુધ્ધમાં ઉતરવું, અને યુધ્ધના વ્યૂહાત્મક આયોજન અંગે વિષદ લખાણ છે. એ બુકમાં સન ત્ઝુએ લખ્યું છે કે તમારા દુશ્મનને તમારી જાત જેટલો જાણો, ત્યારબાદ તેની સાથે સંઘર્ષમાં ઉતરો. અમેરિકા અને ઇઝરાયેલ કદાચ આ વાત ચુકી ગયું છે. ઇસ્લામ ખાતર જે લડી રહ્યા છે તેને વિશ્વની આર્થિક મુશ્કેલીઓ અંગે કોઈ પરવા કેમ હોય? હવે જો
આભાર – નિહારીકા રવિયા રીજીમ ચેન્જ કરવાના ચક્કરમાં સત્તા આઈઆરજીસી પાસે ગઈ તો એ આવનારા સમયમાં ઇઝરાયેલ અને અમેરિકાને ભારી પડી શકે છે. યુધ્ધના તત્કાલ પરિણામો નજર સામે છે, આખા વિશ્વમાં ઉર્જા કટોકટી સર્જાઈ રહી છે. ભારત જેવા અનેક દેશોમાં નાનો માણસ એલપીજી ગેસ સીલીન્ડરની કતારમાં ઉભો રહી ગયો છે. દુરગામી પરિણામો અત્યારે અંદાઝો અને આક્લનો મુકવાની બાબત છે.
ક્વિક નોટ – ઘેરાયેલા દુશ્મન માટે ભાગવાનો એક રસ્તો હમેશા ખુલ્લો રાખવો, જો જીવ બચાવવાનો માર્ગ દેખાતો હશે તો દુશ્મનની સંઘર્ષશક્તિ અર્ધી થઇ જશે. – માઓત્સે તુંગ