બીજા વિશ્વયુદ્ધ બાદ મિત્રરાષ્ટ્રોની આર્થિક હાલત કફોડી હતી. લંડન શહેર ઉપર જ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી દિવસ-રાત થઈને આશરે પચાસ હજાર જેટલા બામ્બ ફેંકવામાં આવ્યા. આખું લંડન લગભગ ખંડેર જેવું બની ગયું. પણ, આ બોબ્મ્મારો ઇંગ્લૅન્ડના લોકો અને સરકારની હિંમતને ડગાવી શક્યો નહિ. ઇંગ્લેન્ડે બમણા વેગથી વળતા હુમલાઓ કર્યા, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, હોલૅન્ડમાં આવેલાં જર્મન હવાઈ મથકો સુધી વળતા હુમલા કર્યા. છેવટે હિટલરે ઇંગ્લૅન્ડ ઉપરના હવાઈ યુદ્ધને સંકેલી લીધું. પ્રજા અને સત્તાની સંયુક્ત તાકાતે દુશ્મનને પીછેહઠ કરાવી. આ યુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડ લગભગ પાયમાલ થઇ ચુક્યું હતું. જીવનજરૂરી ચીજ વસ્તુઓની બજારમાં ખુબ તંગી હતી. આખા યુરોપની આશરે પોણા ભાગની ઉત્પાદન શક્તિ નષ્ટ થઇ ચૂકી હતી. લોકોની ખરીદશક્તિ તળિયે હતી. કરવેરા ખુબ ઊંચા હતા, મોટાભાગની વસ્તુઓ રાશનમાં મળતી હતી. સૌથી વધુ જેની તંગી હતી, ખાંડ એમાંની એક વસ્તુ હતી. પણ એ વિજયી દેશની પ્રજા હતી. એમનામાં ખુમારી જેવી ભાવના ઉચ્ચ કક્ષાએ હતી. બીજા વિશ્વયુદ્ધે જે મહત્વનું કામ કર્યું હતું એ દેશોની પ્રજામાં રાષ્ટ્રભાવના પ્રગટાવવાનું કામ હતું. ઇંગ્લેન્ડની પ્રજા પોતાના ઘરમાં રહેલી વધારાની ખાંડ સરકારને અને જરૂરીયાતમંદોને પરત આપવા થેલીઓ લઈને લાઈનમાં ઉભી રહી ગઈ હતી. ન ગમે તેવી વાત છે પણ યુદ્ધ દેશની પ્રજામાં રાષ્ટ્રચેતના પ્રગટાવે છે. એક એવો મુદ્દો, એક એવી ઘટના કે જેના પર લગભગ આખો દેશ સંમત હોય છે. જે સંમત નથી હોતો એ દેશદ્રોહી હોય છે. યુદ્ધસ્ય કથા રમ્યા… કદાચ આ ઉક્તિનો આ પણ એક આયામ હશે. યુદ્ધ, સૈનિક દ્વારા સરહદ પર દુશ્મન સામે મુકાબિલ થઈને, સત્તા દ્વારા રણનીતિ અને કુનેહ મોરચે અને પ્રજા દ્વારા રાષ્ટ્રને સમર્થન થકી લડવામાં આવે છે. પ્રથમ અને બીજા વિશ્વયુધ્ધમાં ખુવાર થયેલા દેશો પ્રજાના મજબૂત રાષ્ટ્રવાદ થકી આજે તાકતવર બન્યા છે. લીડરનું કામ છે દોરવણી કરવાનું, પણ એ પ્રજા છે, જે દેશ ઘડે છે. લીડર પોતાના વિચારો અને દુરંદેશી થકી દેશનિર્માણના સંકલ્પો પ્રજા સમક્ષ રાખે છે. એ પ્રજાની પસંદગી છે કે એ સંકલ્પો પસંદ કરવા કે નાપસંદ કરવા. યુદ્ધ બાદ યુરોપ, અમેરિકા અને રશિયા મહાસત્તા તરીકે ઉભરી આવ્યા. યુદ્ધ બાદ ત્યાં સત્તા પર આવેલા લીડરોએ પ્રજાની રાષ્ટ્રચેતનાને રાષ્ટ્રની ઉન્નતિનું ચાલકબળ બનાવી. તેના પરિણામે કરોડો સૈનિકો અને સામાન્ય પ્રજાનો સંહાર અને લગભગ પાયમાલ જેવી આર્થિક સ્થિતિ બાદ પણ બે ત્રણ દાયકાઓમાં એ દેશો અસાધારણ પ્રગતિ કરી ગયા. ભયાનક નરસંહાર સહન કરનારી યહૂદી પ્રજા પોતાનો દેશ ઇઝરાયેલ લઈને આજે વિશ્વમાં એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું. ચીન સામ્યવાદી ક્રાંતિ કરીને આજે અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાને પડકારતી સત્તા બની ગયું છે.
ભારત ક્યાં પાછળ રહી ગયું ? આ અરસામાં ભારત પણ આ બધા રાષ્ટ્રોની સમકક્ષ ઉભું હતું. અંગ્રેજી શાસનથી મુક્ત થઈને આઝાદ હવાના શ્વાસ લઇ રહ્યું હતું. પરંતુ સંસ્થાનવાદથી દાઝેલુ ભારત બિન જોડાણવાદ જેવી નીતિ અપનાવીને વિશ્વના પ્રગતિ કરતા દેશોથી વિખૂટું પડી ગયું. બદનસીબે ત્યારબાદ પણ ભારતના એ સમયના રાજનેતાઓએ આ નીતિને ક્યારેય કસોટી કે સમયની એરણ પર ચકાસી નહિ. લાંબા સમય સુધી ભારત વિશ્વની આર્થિક પ્રગતિ સાથે કદમ મિલાવી શક્યું નહિ. દેશના સંશાધનો વણવપરાયેલા પડ્‌યા રહ્યા અને ઉછીના નાણા લઈને નેતાઓ ગરીબી દૂર કરવા વ્યર્થ મથતા રહ્યા. વીસમી સદીના આઠમાં નવમાં દશકથી ચીન અને ઇઝરાયેલ જેવા દેશોએ રાક્ષસી પ્રગતિની શરૂઆત કરી. એ સમયે ભારત પાસે તમામ એ સંશાધનો હતા જે ચીન અને ઇઝરાયેલ પાસે ઉપલબ્ધ હતા. જો ચીન અને ઇઝરાયેલ એ કરી ગયા તો ભારત પણ એ કરી શકવા સક્ષમ હતું. માત્ર રાજકીય ઇચ્છાશક્તિમાં ફરક હતો. ભારતે સમાજવાદ અને મૂડીવાદના મિશ્રણ જેવું રાજકીય માળખું અપનાવ્યું. નેતાઓ સત્તા સાચવવા તૃષ્ટિકરણની રાજનીતિમાં ખુંપેલા રહ્યા. સત્તાની સાઠમારીમાં દેશની પ્રગતિ કોરાણે મુકાઈ ગઈ. બે વર્ષ ગુમાવેલી તક તમને બે દાયકા પાછળ ધકેલી શકે છે. ભારતના નેતાઓ આ બાબતે પચાસ વર્ષ ઉંઘતા રહ્યા. બીજું આઝાદી બાદ પ્રજામાં રાષ્ટ્ર ઘડતરનો સદંતર અભાવ રહી ગયો. આ એ સમય હતો જ્યારે દુનિયાના અનેક દેશો પ્રજાના રાષ્ટ્રવાદ થકી પ્રગતિની લાંબી મંજીલ કાપી ગયા. હિન્દુસ્તાન રાજકીય અનિર્ણાયકતાને લઈને આ દોડમાં પાછળ રહી ગયું. સદીનો છેલ્લો દશકો એકદમ અસ્થિર રાજનીતિનો આવ્યો, કલ્પના ન હોય એવા અસક્ષમ લોકો સત્તા પર આવી ગયા. દુરી તીરી કક્ષાના માણસો સર્વોચ્ચ સ્થાને બેસી ગયા. ભારત સુરક્ષા અને રાજકીય પરિમાણો પર અસ્થિર દેશ ગણાવા લાગ્યો. દેશની તુલના પાકિસ્તાન સાથે થવા લાગી. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન જેવો વામણો દેશ કાશ્મીર મુદ્દે ભારત પર હાવી થવા લાગ્યો. દેશની અંદર છાસવારે થતા આતંકી હુમલાઓનો કોઈ પ્રત્યુતર ભારત તરફથી આપવામાં આવ્યો નહોતો. જે જવાબ આપવામાં આવતા હતા એ દરબારમાં થતા મુજરાની કક્ષાના હતા. દેશના નેતાઓને આવા હુમલાઓ બાદ ઘાઘરા પહેરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર શાંતિનો મુજરો કરતા રહેતા દેશની જનતાએ જોયેલા છે. પ્રજાના માનસમાં એક ઉંડી માન્યતા પેસી ગઈ હતી કે આતંકવાદી હુમલાનો જવાબ વળતો હુમલો કરીને આપી શકાય નહિ. ૧૯૭૪ અને ૧૯૯૮ના પરમાણું પરીક્ષણ અને ૧૯૭૧ના યુદ્ધ સિવાય લગભગ બીજી કોઈ તાકાત ભારતે સુરક્ષા ક્ષેત્રે બતાવી નહોતી. ૧૯૬૨માં ચીનથી હાર્યા હતા, ૧૯૬૫નું યુદ્ધ એટલું વ્યાપક નહોતું. ૨૦૧૬, ૨૦૧૯ અને હવે ૨૦૨૫ ભારતે ત્રણ હુમલા સરહદ ઓળંગીને પાકિસ્તાન પર કરી દીધા છે. યાદ રહે કે કારગીલ જેવા યુદ્ધ વખતે પણ ભારતે સરહદ પાર નહોતી કરી.
ક્વિક નોટ — ૧૯૬૨ નું યુદ્ધ ચીન સામે હાર્યા બાદ સંસદમાં નાથ પૈ નામના સંસદ સભ્યે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને ઉદ્દેશીને કહેલું કે આ સરકાર દેશનો ઈતિહાસ નથી બદલી શકતી એટલે હવે ભૂગોળ બદલી રહી છે.production@infiniumpharmachem.com