(એ.આર.એલ),વોશિગ્ટન,તા.૩૧
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ યુદ્ધવિરામ માટેના પ્રયાસો તેજ કર્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે કહ્યું કે બે અમેરિકી અધિકારીઓ ગુરુવારે ઇઝરાયેલની મુલાકાત લેશે, જેમાં ગાઝા અને લેબનોનની સ્થતિ, બંધકની સ્થતિ અને ઇરાન અને પ્રાદેશિક સરહદો સંબંધિત મુદ્દાઓ છે.વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે વ્હાઇટ હાઉસના અધિકારીઓ બ્રેટ મેકગર્ક અને એમોસ હોચસ્ટીન અન્ય ટોચના અધિકારીઓ સાથે ઇઝરાયેલ જશે. અમેરિકન અધિકારીઓની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈઝરાયેલે તાજેતરમાં ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી અને હવાઈ હુમલા કર્યા છે. ઈરાને ઈઝરાયલને પણ ધમકી આપી છે અને તેના કારણે પશ્ચિમ એશિયામાં તણાવની સ્થતિ જળવાઈ રહી છે. જીન-પિયરે એમ પણ કહ્યું કે સીઆઈએ ડાયરેક્ટર બિલ બર્ન્સ પણ દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત માટે ગુરુવારે ઇજિપ્તની મુલાકાત લેશે. એટલું જ નહીં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના જનરલ એરિક કુરિલા પણ રક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવા પશ્ચિમ એશિયાના પ્રવાસે જશે. તે ઈઝરાયેલ પણ જશે. આનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાએ પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવને ઘટાડવાના પ્રયાસો તેજ કર્યા છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇરાન સામે ઇઝરાયેલના સ્વ-રક્ષણના પ્રતિસાદને પગલે ટોચના અમેરિકી અધિકારીઓ તેમના ઇઝરાયેલી સમકક્ષો સાથે પશ્ચિમ એશિયાની સ્થતિ પર નજર રાખી રહ્યા છે.વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ ઈરાનને ચેતવણી આપી અને ઈઝરાયેલની સુરક્ષા માટે અમેરિકી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે જા ઈરાન ઈઝરાયેલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે તો અમેરિકા પણ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે. તેમણે પ્રદેશમાં તણાવ ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઇજિપ્તના રાષ્ટપતિ અબ્દેલ-ફતાહ અલ-સીસીએ રવિવારે જાહેરાત કરી હતી કે ઇજિપ્તે ગાઝામાં બે દિવસીય યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો હેતુ ચાર ઇઝરાયેલી બંધકોના બદલામાં કેટલાક પેલેસ્ટનિયન કેદીઓને બદલવાનો છે. નોંધનીય છે કે ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા કબજે કરવામાં આવેલા ૨૫૧ બંધકોમાંથી લગભગ ૯૭ હજુ પણ ગાઝામાં હમાસની કેદમાં છે, જેમાં ઓછામાં ઓછા ૩૪ બંધકોના મૃતદેહોનો સમાવેશ થાય છે જેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. હમાસ ૨૦૧૪ અને ૨૦૧૫ માં ગાઝા પટ્ટીમાં પ્રવેશેલા બે ઇઝરાયેલી નાગરિકોને તેમજ ૨૦૧૪ માં માર્યા ગયેલા બે આઇડીએફ સૈનિકોના મૃતદેહોને પણ બાનમાં રાખે છે.