મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે હવે મોંઘવારીનો મરણતોલ ફટકો પડવાનો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ, સીએનજીની સાથે હવે રીક્ષાના ભાડામાં પણ વધારો થવાનો છે. સીએનજી માં ભાવ વધારો થતા અમદાવાદના એક રીક્ષા એસોસિયેશનને સરકારમાં રજૂઆત સાથે પોતાની જાતે ભાવમાં વધારો જાહેર કર્યો છે.
અમદાવાદમાં હજી બે દિવસ પહેલા જ અદાણી દ્વારા સીએનજી ગેસના ભાવમાં વધારો કરાયો છે. ત્યારે સીએનજીના ભાવમાં વધારો થતા રીક્ષા ચાલકોએ ભાડામાં વધારો કર્યો છે. અમદાવાદના ઓટો રીક્ષાચાલક વેલ્ફેર એસોસિયેશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. એસોસિએશને ભાડા વધારા અંગે પત્ર લખી સરકારને જાણ કરી છે.
સરકાર નવું ભાડું જાહેર ન કરે ત્યાં સુધી એસોસિએશને નક્કી કરેલ નવું ભાડું મુસાફરો પાસેથી લેવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ઉલ્લખેયની છે કે, અમદાવાદમાં વિવિધ રીક્ષા એસોસિયેન ચાલે છે. જેમાંથી એક રીક્ષાચાલક એસોસિયેશને ભાવ વધારો કર્યો છે.
આ વિશે ઓટોરીક્ષા ચાલક વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ રાજ સિરકેએ જણાવ્યું કે, છેલ્લા ૪ વર્ષથી રીક્ષા ભાડામાં કોઈ વધારો કરાયો નથી. અત્યારે ૧.૨ કિલોમીટર માટે મિનિમમ ૨૦ રૂપિયાની જગ્યાએ ૩૦ રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે. સરકાર નિણર્ય કરતી નથી, તેથી રીક્ષા ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. દર વર્ષે ભાડું રિવ્યૂ કરવાનો નિયમ હોવા છતાં અમલ નથી કરાતો. રીક્ષા ચાલકોનો સરકાર અને તંત્ર સામે અસંતોષ વધ્યો છે. સરકાર યોગ્ય નિર્ણય ન લે તો આગામી સમયમાં ૨. ૫૦ લાખ રીક્ષા ચાલકો મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આ ઉપરાંત એસોસિયેશને પોતાની યાદીમાં જણાવ્યું કે, એકબાજુ મોંઘવારીમાં સીએનજીમાં ભાવ વધારો ઝીંકાયો છે. નવી રીક્ષાઓના પણ ભાવ વધ્યા છે. જેથી નવી રીક્ષાઓ ખરીદવી મોંઘી પડી રહી છે. બીજી બાજુ રીક્ષાના સ્પેર પાર્ટસ, મજૂરી, પાસિંગ ફીટનેસમાં વધારો કરાયો છે. રીક્ષા સાથે જાડાયેલી તમામ એસેસરીઝના ભાવ વધ્યા છે. મેઈનટેન્સમાં પણ વધારો થયો છે. તેથી હવે રીક્ષાચાલકોને પરવડે તેમ નથી. તેથી ભાડું વધારવાની અમારી રજૂઆત છે.