યુક્રેન મુદ્દે અમેરિકા સાથે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે રશિયાએ યુરોપમાં પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. રશિયાએ અમેરિકાને ક્યુબાવાળી ભૂલ ન કરવાની ચેતવણી પણ આપી છે. હાલ યુક્રેન સરહદે રશિયાના ૧ લાખથી વધુ સૈનિકો ભારે હથિયારો સાથે તૈનાત છે. યુક્રેનની સરહદે રશિયન સૈનિકોના જમાવડાને પગલે અમેરિકાના નેતૃત્વ હેઠળ નાટોએ પણ આકરી
પ્રતિક્રિયા આપી છે. એટલું જ નહીં અમેરિકન પ્રમુખ જા બાઈડેને પણ થોડાક સમય પહેલાં રશિયાને પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી.
રશિયાના નાયબ વિદેશ મંત્રી સર્ગેઈ રયાબકોવે કહ્યું કે, ૧૯૬૨ના ક્યૂબા મિસાઈલ સંકટનું એક ભયાનક પરમાણુ યુદ્ધ સાથે પુનરાવર્તન કરવાની ચેતવણી આપી છે. તેમણે ઉમેર્યું કે, અમેરિકા અને રશિયા વચ્ચે આ જ રીતે તણાવપૂર્ણ સ્થિતિ ચાલુ રહેશે તો વિશ્વ વધુ એક પરમાણુ યુદ્ધ જાવે તેવી શક્યતા છે. દુનિયામાં પરમાણુ હથિયારોની બાબતમાં રશિયા અને અમેરિકા લગભગ સમાન છે. રશિયા પાસે એવી હાઈપરસોનિક મિસાઈલો છે, જેને રોકવી અમેરિકન એર ડિફેન્સ સિસ્ટમ માટે લગભગ અશક્ય છે.
દરમિયાન યુક્રેનના પ્રમુખ વેલોડિમિર જેલેન્સ્કી અને અમેરિકન પ્રમુખ જા બાઈડેને યુક્રેનની આજુબાજુની સુરક્ષા સ્થિતિ અને ડોનબાસમાં શાંતિપૂર્ણ સમાધાનની સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે ટેલિફોન પર વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ હતી, જેમાં બંને નેતાઓએ બાઈડેન અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચેની વાટાઘાટોના પરિણામો પર તેમના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું.
કાળા સાગર (બ્લેક સી)માં નૌકાદળના તણાવ વચ્ચે રશિયન સૈન્યે યુક્રેન નજીક વોરોનિશ ક્ષેત્રમાં અનેક અત્યાધુનિક હથિયારો તૈનાત કર્યા છે. સેટેલાઈટ ઈમેજમાં આ વિસ્તારમાં રશિયન સૈન્યના ટેન્ક અને બૂક એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ જાવા મળે છે. સ્પેસ કંપની મેક્સાર ટેક્નોલોજીસે યુક્રેનની સરહદથી ૨૦૦ માઈલથી પણ ઓછા અંતર પર સ્મોલેંસ્ક જિલ્લામાં તૈનાત રશિયન સૈન્યના કથિત વધારાના સૈનિકોની તસવીરો જાહેર કરી છે.
ગુપ્ત અહેવાલો મુજબ જાણવા મળે છે કે ઓછામાં ઓછા ૯૦,૦૦૦થી વધુ રશિયન સૈનિકો ભારે તોપખાના અને ટેન્કોની સાથે યુક્રેનની સરહદ નજીક તૈનાત છે. આગામી વર્ષની શરૂઆતમાં આ સંખ્યા વધીને ૧,૭૫,૦૦૦ થઈ શકે છે. બ્રિટિશ સશસ્ત્ર દળોના સંરક્ષણ સ્ટાફના નવા પ્રમુખ એડમિરલ સર ટોની રાડાકિનને કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બીજા વિશ્વ યુદ્ધ પછીના ૭૫થી વધુ વર્ષો માટે યુરોપમાં સૌથી મોટી લડાઈ બની શકે છે.
દરમિયાન અમેરિક પ્રમુખ જા બાઈડેન અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે મંગળવારે ઓનલાઈન બેઠક થઈ હતી, જેમાં બંને નેતા યુક્રેન સરહદે વધતા તણાવને પગલે યુરોપમાં સુરક્ષા મુદ્દે વાટાઘાટો ચાલુ રાખવા દૂતોની નિમણૂક કરવા સંમત થયા હતા. જાકે, રશિયાએ બીજા દિવસે સ્પષ્ટતા કરી હતી કે, આ વાટાઘાટો ક્યારે શરૂ થશે તે નક્કી નથી. પુતિન સાથેની બેઠક પછી બાઈડેને જણાવ્યું હતું કે, અમેરિકા યુક્રેનની ધરતી પર તેનું સૈન્ય નહીં ઉતારે. વ્હાઈટ હાઉસે કહ્યું કે, હુમલાની સ્થિતિમાં નાટો રાષ્ટ્રોનો બચાવ કરવો એ અમેરિકાની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે. પરંતુ યુક્રેનમાં અમેરિકન સૈન્ય ઉતારવાનો નિર્ણય સંગઠનના અન્ય દેશો શું ઈચ્છે છે તેના પર પણ આધાર રાખશે.