પૂર્વ યુરોપમાં રશિયા તેના સૈન્યની હાજરી સતત વધારી રહ્યું છે. યુક્રેનની સરહદે રશિયાએ તેના પોણા બે લાખ વધારાના સૈનિકોને તહેનાત કર્યા છે. રશિયાએ યુક્રેન પર મેદાની હુમલાની સાથે સાથે સાઈબર એટેકની રણનીતિ પણ બનાવી છે. તે હેઠળ યુક્રેનના પાવર ગ્રીડ, બેન્કિંગ સિસ્ટમ અને અન્ય સંસ્થાનો પર હુમલા થઇ શકે છે.
એવામાં અમેરિકા અને બ્રિટને તેના સાઈબર એક્સપર્ટ પૂર્વ યુરોપના મોરચા પર જર્મની રવાના કર્યા છે. આ એક્સપર્ટ રશિયાના કોઈ પણ સાઈબર હુમલાને કાઉન્ટર કરવા તૈયાર છે. ગુપ્તચર રિપોર્ટમાં હાલ આ એક્સપર્ટની સંખ્યા વિશે ખુલાસો કરાયો નથી પણ જાણકારોનું માનવું છે કે પૂર્વ યુરોપમાં નાટોના ૩૩ લાખ સૈનિકો સાથે આ એક્સપર્ટ જાડાશે.
યુક્રેનમાં ૨૦૧૫માં રશિયા સાઈબર હુમલા કરી ચૂક્યું છે. તે હેઠળ રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ ઠપ કરી દીધા હતા. લગભગ ૨.૨૫ લાખ લોકોએ અનેક દિવસો વીજળી વિના વિતાવવા પડ્યા હતા. હવે ફરીથી રશિયા તરફથી યુક્રેન પર સાઈબર હુમલાની આશંકા વધી ગઈ છે.
રશિયાના સૈન્ય હુમલાનો સામનો કરવા અમેરિકા યુક્રેનને અત્યાર સુધી ૧૮ હજાર કરોડ રૂપિયાની મદદ કરી ચૂક્યું છે. તેમાં સૈન્ય ઉપકરણો સામેલ છે. રશિયાએ તાજેતરમાં શાંતિ જાળવવા માટે ૮ સૂત્રીય એજન્ડા જારી કર્યો હતો. તેમાં પોલેન્ડ, રોમાનિયાથી ડિફેન્સ સિસ્ટમ હટાવવી અને એસ્ટોનિયા, લેટિવિયા અને લિથુઆનિયામાંથી નાટો સૈન્યની વાપસીની માગ કરી છે.
નાટોએ યુક્રેનની મદદ માટે તેના પૂર્વ યુરોપના ઠેકાણે હાઈપરસોનિક મિસાઈલ તહેનાત કરી છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેનાથી મોસ્કો પર પાંચ મિનિટમાં હુમલો થઈ શકે છે. સૂત્રો અનુસાર રશિયાએ પણ યુક્રેનની સરહદે આગામી વર્ષની શરૂઆતમાં ઝિરકોન હાઈપરસોનિક મિસાઈલ તહેનાત કરવાની રણનીતિ બનાવી છે. તેની ગતિ ૬૧૪૦ કિમી પ્રતિ કલાક રહેશે.
યુક્રેન પર હુમલાના ઈરાદા સાથે રશિયાની સરકારે ૧૪૦૦ કરોડ રૂપિયાવાળી નવી દેશભક્ત શિક્ષણ નીતિ પર આ વર્ષથી કામ કરવાની શરૂઆત કરી છે. તે હેઠળ બાળકોને રશિયાના ઈતિહાસ વિશે કોર્સમાં ભણાવાશે. તે હેઠળ ૮ વર્ષનાં ૬ લાખથી વધુ બાળકોની સૈન્ય યુનિફોર્મ વગરની યુથ આર્મી બનાવાશે. સાથે જ રશિયાના ઈતિહાસ અને બીજા વિશ્વયુદ્ધમાં વિજયને ટેલિવિઝન પર બતાવાઈ રહ્યાં છે. આ સિરિયલનું નામ ‘મોસ્કો, ક્રેમલિન અને પુટિર્ન છે. સાથે જ બાળકો માટે સ્કૂલોમાં રશિયાના ઈતિહાસ અને નક્શા વિશે ક્વિઝ પણ રખાઈ રહી છે. તેના વિજેતાઓને સરકાર તરફથી ઇનામ અપાઈ રહ્યાં છે. જાણકારો કહે છે કે યુક્રેન પર હુમલાથી પહેલાં રશિયા તેના દેશમાં રાષ્ટ્રવાદ ફેલાવી રહ્યું છે જેનાથી તેને જનસમર્થન મળી શકે.