યુકેમાં ઓમિક્રોનના કેસોમાં વિક્રમસર્જક નવા ૪૪૮ ક્સો નોંધાવાની સાથે સરકારી વિજ્ઞાનીઓએ ચેતવણી આપી હતી કે ઓમિક્રોનને નાથવા માટે આકરાં નિયંત્રણો લાદવાની જરૂર છે. લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન- એલએસએચટીએમ- દ્વારા રજૂ કરવામાં આવેલા મોડેલિંગ અનુસાર આગામી પાંચ મહિનામાં ઇંગ્લેન્ડમાં ૨૫ હજારથી ૭૫ હજાર મોત થવાની આશંકા છે અને ગયા વર્ષે જાન્યુઆરીમાં થયેલા હોસ્પિટલાઇઝેશનની સરખામણીમાં વધારે હોસ્પિટલાઇઝેશન જાવા મળશે.
સરકારને સલાહ આપનારી પેનલમાં સમાવિષ્ટ સંશોધકોએ જણાવ્યું હતુંં કે લોકડાઉનના સ્ટેજ ટુ સમાન નિયંત્રણો લાદવામાં નહીં આવે તો એનએચએસ માટે ભવિષ્યમાં કામ કરવું કપરૂ બની રહેશે. સરકારના પ્લાન બી હેઠળ શિયાળામાં રોજ ૨૫,૦૦૦ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવાની જરૂર પડશે.
સરકારે મરણાંક ઘટાડવો હોય તો દરરોજ પાંચ લાખ બૂસ્ટર ડોઝ આપવાનું લક્ષ્ય પાર પાડવા તૈયાર રહેવું પડશે. હાલ લંડનમાં કોરોનાના નવા કેસોમાં ૩૦ ટકા કેસો ઓમિક્રોનના છે તે જાતાં આ સુપર મ્યુટન્ટ વેરિઅન્ટ થોડા જ દિવસોમાં પ્રભાવી બની જશે જેને પગલે વડાપ્રધાન બોરીસ જ્હોન્સન પાસે નિયંત્રણો લાદવા સિવાય બીજા કોઇ વિકલ્પ બચશે નહીં.
યુકેની સરકારને ઓમિક્રોનના ફેલાવાની ઝડપ વિશે પડકારજનક માહિતી કોબ્રા મિટિંંગમાં આપવામાં આવી હતી.સરકાર આ માહિતી મળ્યા બાદ પ્લાન સી વિશે વિચારણા કરી રહી છે. બૂસ્ટર ડોઝ અસરકારક બની રહે તો પણ આ વર્ષે પહેલી ડિસેમ્બરથી એપ્રિલ ૩૦ ૨૦૨૨ દરમ્યાન દરરોજ બે હજાર દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની જરૂર પડશે.આ સમયગાળામાં ૨૪,૭૦૦ મોત થવાની પણ સંભાવના છે. પ્લાન બી અનુસાર માસ્ક પહેરવા, ઘરેથી કામ કરવું અને બૂસ્ટર ડોઝ આપવાનું કામ કરવામાં નહીં આવે તો જાન્યુઆરીમાં દરરોજ ૨૪૦૦ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવશે.
દરમ્યાન યુકેમાં આજે કોરોનાના નવા ૫૮,૧૯૪ કેસ નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૦,૭૧૯,૧૬૫ થઇ છે. આજે કોરોનાના ચેપને કારણે ૧૨૦ જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૧,૪૬,૨૫૫ થયો છે. હાલ કોરોનાના ૭,૪૧૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. બ્રિટનમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના આજે નવા ૪૪૮ કેસો નોંધાતા ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા ૧૧૩૯ થઇ હતી. દરમ્યાન યુએસમાં બાવીસ રાજ્યોમાં ઓમિક્રોનના કુલ ૪૩ કેસો નોંધાયા છે. સીડીસીના જણાવ્યા અનુસાર ઓમિક્રોનના ૪૩ કેસોમાંથી ૩૪ કેસમાં દર્દીઓએ કોરોનાની રસી લીધી હતી. તેમાં ૧૪ કેસો તો એવા જણાયા છે જેમણે બૂસ્ટર ડોઝ પણ લીધો હતો. સીડીસીના જણાવ્યા અનુસાર આ સપ્તાહે દરરોજ સરેરાશ ૧,૨૦,૦૦૦ કોરોનાના કેસો નોંધાયા છે.