‘ટાઇમ્સ નાવ’ના એક કાર્યક્રમમાં વીર સાવરકર અંગેના પ્રશ્નમાં અભિનેત્રી કંગના રનૌતે કૉંગ્રેસ બ્રિટિશ એજન્ટ હોવાનું કહ્યું. તેના સમર્થનમાં દલીલ કરી. તેણે કહ્યું કે ૧૮૫૭માં પહેલી નિર્ણાયક સ્વતંત્રતાની લડાઈ થઈ. તે પછી બ્રિટિશ સરકારે ભારતીયો પર દમન કરવા લાગ્યો. જલિયાવાલાં બાગ હત્યાકાંડ કે પછી બંગાળમાં દુષ્કાળ વખતે ભારે દમન કર્યું. એટલે સુધી કે ભારતીયો માટે લડાઈ સિવાય કોઈ ઉપાય જ ન રહ્યો. બ્રિટિશરો જાણતા હતા કે લોહી તો વહેશે. પરંતુ તેમણે નક્કી કર્યું કે કોનું લોહી વહેશે. તે લોહી તેમનું ન હોવું જોઈએ. તેના માટે તેમને કેટલાક માણસોની જરૂર હતી જે તેમને મદદ કરી શકે. સ્વતંત્રતા જો ભીખમાં મળે તો તે સ્વતંત્રતા હોઈ શકે છે? જ્યારે દાસતા તેમણે તમને યુદ્ધ કરીને આપી હતી તો સ્વતંત્રતા તમને ભીખમાં કેવી રીતે મળી શકે છે? માઉન્ટબેટન અહીં લાંબા સમય સુધી હતા. તેમને જે કરવું હતું તેઓ તે કરી રહ્યા હતા. અને પછી શું થયું? પાકિસ્તાન બન્યું. પાકિસ્તાન ઇસ્લામિક રિપબ્લિક બન્યું. પરંતુ ભારત સેક્યુલર. સેક્યુલર શું છે? સેક્યુલર નૉ મેન્સ લેન્ડ છે. મારી નહીં, તમારી નહીં, બધાની. બ્રિટિશરો કૉંગ્રેસના નામે પોતાનો વારસો છોડીને ગયા. કૉંગ્રેસ બ્રિટિશરોનું જ એક સ્વરૂપ હતી. અને તેઓ જાણતા હતા કે ભારતને ટુકડાઓમાં વહેંચીને, પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક તો બનાવી દીધું પણ ભારતને નૉ મેન્સ લેન્ડ બનાવ્યું. શા માટે? કૉંગ્રેસ જો તેમના કહેવા પ્રમાણે નહીં વર્તે તો ભારતને સેક્યુલર-વિક્યુલર નહીં બનાવે તો તેનો નાશ કરી દેશે.

આમાંથી લુટિયન્સ મિડિયા અને ઇવન, ગોદી મિડિયા કહેવાતા મિડિયાએ પણ ‘કંગના રનૌતે કહ્યું કે ભારતને ભીખમાં સ્વતંત્રતા મળી’ આવી હેડલાઇન સાથે સમાચાર ચમકાવ્યા. દેશમાં હોબાળો થયો. હિન્દુવાદીઓ પણ પૂરું નિવેદન સાંભળવાની તસ્દી લીધા વગર કંગના વિરુદ્ધ બોલવા લાગ્યા. ભાજપના વરુણ ગાંધી તો હવે તેમને ભાજપમાંથી કાઢે તે માટે ભાજપ વિરોધી બખાળા કરતા રહે છે. તેમણે જ શરૂઆત કરી. તે પછી કંગનાએ પૉસ્ટ લખી વધુ પ્રશ્નો ઉઠાવ્યા. તેણે લખ્યું કે “અંગ્રેજો પર બીજા વિશ્વ યુદ્ધનું દબાણ હતું. તેમને ખબર હતી કે તેમણે ભારતીયો પર જે અત્યાચારો કર્યા છેતેની કિંમત તેમને ચૂકવવી જ પડશે. તેમને ભારતીયોની જરૂર હતી. સુભાષચંદ્ર બોઝનું નાનકડું યુદ્ધ આપણને સ્વતંત્રતા અપાવવા પૂરતું હતું.”

કંગનાનું કહેવું છે કે જ્યારે આપણે યુદ્ધ લડવા તૈયાર હતા ત્યારે અંગ્રેજો કૉંગ્રેસને જ (અને તેમાંય ગાંધીજીના ઈશારે નહેરુને જ) દેશ સોંપીને જવા કેમ તૈયાર થયા? અંગ્રેજોએ કૉંગ્રેસના ભીખના કટોરામાં જ કેમ સ્વતંત્રતા આપી? મહાત્મા ગાંધીએ ભગતસિંહને મરવા કેમ દીધા? નેતાજી સુભાષચંદ્ર બોઝને કેમ મારી નાખવામાં આવ્યા અને તેમને ગાંધીજીનું સમર્થન કેમ ક્યારેય ન મળ્યું? વિભાજનની રેખા (કેટલી અને કઈ સીમા ભારત-પાકિસ્તાન વચ્ચે રહેશે તે) એક ગોરાએ કેમ દોરી?” કંગના સામે દેશભરમાં ધિક્કારનાં નિવેદનો શરૂ થયા. કોઈએ તેને દેશદ્રોહી કહી તો કોઈએ તવાયફ કહી. તેની સામે એફઆઈઆર પણ નોંધાવા લાગી.

કંગના રનૌત પછી સુભાષચંદ્ર બોઝની દીકરી અનિતા બોઝ ફાફે જે કહ્યું તે ગાંધી-નહેરુવાદી કૉંગ્રેસીઓના મોઢા પર તમાચો છે; કેમ કે ગાંધી-નહેરુવાદીઓ એમ કહેતા આવ્યા છે કે સ્વતંત્રતા તો ફક્ત કૉંગ્રેસે જ અપાવી છે. તેમણે સ્વતંત્રતાના ઇતિહાસમાંથી આ બંને મહાનુભાવો સિવાય બીજાના પ્રદાનનો એકડો કાઢી નાખ્યો છે. ‘દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’ જેવાં ગીતો પણ લખાયાં છે. આજે ભાજપ રાજમાં પણ શાળાઓમાં ગાંધીજીએ જ જાણે સ્વતંત્રતા અપાવી હોય તેવું ભણાવાય છે. ભાજપ અને કંઈક અંશે રા. સ્વ. સંઘ પણ તેમના ડૉ. હેડગેવાર જેવા નાયકોને પડતા મૂકીને ગાંધીજીના ગુણગાન ગાવા લાગ્યા છે. આવા સમયે અનિતાજીએ કહ્યું કે “માત્ર અહિંસાની નીતિના કારણે સ્વતંત્રતા મળી નહોતી. નેતાજી (સુભાષચંદ્ર બોઝ) અને આઝાદ હિંદ ફૌજની લડતે પણ ભારતને સ્વતંત્રતા અપાવવામાં ફાળો આપ્યો છે.” તેમણે એમ પણ કહ્યું કે મહાત્મા ગાંધી અને નેતાજી વચ્ચે સારા સંબંધો નહોતા કારણકે ગાંધીજીને લાગતું હતું કે નેતાજી તેમના કહ્યા પ્રમાણે ચાલતા નથી.

હકીકતે, કૉંગ્રેસના ચાટુકાર પત્રકારો-લેખકો અને ભાજપના ખોળે બેઠેલા કલમઘસુઓ પણ ગાંધીજી અને નેહરુ પ્રત્યે સરદાર પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝે જે સદ્ભાવના વ્યક્ત કરી અને ભારતને અને કૉંગ્રેસને એક રાખવા જે બલિદાન-ત્યાગ કર્યો તેને ઊંધી રીતે મૂલવે છે. સરદારે ક્યારેય વડા પ્રધાન બનવાની મહેચ્છા જાહેર કરી નહોતી. પોતે પૂરા દેશમાંથી ચૂંટાઈ આવ્યા હતા તો પણ તેમણે ગાંધીજીના ઈશારે આ પદ જતું કરી દીધું. ગાંધીજીના મૃત્યુ પછી પણ તેમણે નહેરુ સાથે અનેક મતભેદો, નહેરુની કાશ્મીર સહિત અનેક ભૂલો છતાં તેમની સાથે સાંમજસ્ય રાખવા પ્રયત્ન કર્યો. કલમ ૩૭૦ મુદ્દે સમગ્ર કૉંગ્રેસનો વિરોધ હોવા છતાં નહેરુના કહેવા પર કૉંગ્રેસને ૩૭૦ માટે સમજાવી. સુભાષબાબુને ગાંધીજીના ત્રાગાના કારણે કૉંગ્રેસમાંથી નીકળવા ફરજ પડી તો પણ તેમણે ગાંધીજીને રાષ્ટ્રપતિ કહ્યા. પરંતુ આ વાતને આ ચાટુકારો-કલમઘસુઓ એ રીતે રજૂ કરે છે કે જાણે સરદાર અને સુભાષબાબુને ગાંધીજી-નહેરુ પ્રત્યે અને ગાંધી-નહેરુને સરદાર-સુભાષબાબુ પ્રત્યે કોઈ વાંધો જ નહોતો!

આપણે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કંગનાની વાત સાચી છે કે ખોટી. કંગનાએ એમ પણ કહ્યું કે સાચી સ્વતંત્રતા તો વર્ષ ૨૦૧૪માં મળી છે. આ વિધાનને કેટલાક લોકો પદ્મશ્રી સાથે જોડી રહ્યા છે અને તે જાણે સરકારની કૃપાથી એવૉર્ડ મેળવતી હોય તેમ કહી રહ્યા છે. હકીકતે તો કંગનાને બે રાષ્ટ્રીય પુરસ્કાર યુપીએ સરકારના સમયમાં મળી ચૂક્યા છે. તેના અભિનયને પોંખવા સરકારની કૃપાદૃષ્ટિની આવશ્યકતા નથી. રહી વાત ૨૦૧૪માં સ્વતંત્રતાનીતો કંગનાએ નવું કંઈ નથી કહ્યું! આ વાત તો બ્રિટનનું ‘ધ ગાર્ડિયન’ સમાચારપત્ર ૨૦૧૪માં ચૂંટણી પરિણામોના બે દિવસ પછી જ પોતાના તંત્રી લેખમાં કહી ચૂક્યું છે!

તેના પહેલા જ ફકરાના શબ્દો વાંચો: “આજે ૧૮ મે, ૨૦૧૪નો દિવસ ઇતિહાસમાં એ દિવસ તરીકે ગણાશે જ્યારે બ્રિટિશરો હંમેશ માટે ભારત છોડીને ગયા. ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વિજય એક એવા લાંબા યુગનો અંત છે જેમાં સત્તાનું માળખું જ્યારે બ્રિટન ભારત પર શાસન કરતું હતું તેનાથી બહુ ઝાઝું ફર્યું નહોતું. કૉંગ્રેસ પક્ષના શાસન હેઠળ ભારત એ એક રીતે બ્રિટિશરો રાજ કરતા હતા તેવું જ હતું…તેના પર અંગ્રેજી બોલનારા બહુ નાનો વર્ગ રાજ કરતો હતો જેનો પ્રજા પ્રત્યે અભિગમ જાણે ઉપકાર (ખરાબ શબ્દોમાં ભીખ કહી શકાય) કરતા હોય તેવો અને શોષણ કરતા હોય તેવો હતો, પરંતુ સમાવેશક નહોતો. ભારતીયોને મત આપવાનો અધિકાર તો મળ્યો હતો પરંતુ તેમનો અવાજ કોઈ સાંભળતું નહોતું. વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ કાળી કટોકટી લાદી તેના પછી આવેલી ચૂંટણીમાં ૧૯૭૭માં (જ્યારે કૉંગ્રેસને હરાવી જનતા મોરચા સરકાર બની હતી) અવાજ સંભળાયો હતો ત્યારે લાગ્યું કે આ અવાજમાં એક જ્વાળામુખી ધરબાયેલો છે જે રાજકીય પરિદૃશ્ય બદલી શકે છે, પરંતુ આવી ક્ષણો બહુ ઓછી આવી.

હવે આ અવાજ ફરી સંભળાયો છે. તેણે શ્રી મોદીના રૂપમાં એક નવા પ્રકારના નેતાને મહોર મારી છે. તેઓ નીચી જ્ઞાતિમાંથી આવે છે. તેઓ અંગ્રેજી ભાષાના વક્તા નથી. કૉંગ્રેસ પ્રકારના તેઓ સેક્યુલર અને સમાજવાદી પરંપરાનો બોજ ધરાવતા નથી. પણ વધુ અગત્યનું એ છે કે આ અવાજે નવા ભારતની જાહેરાત કરી છે. જૂના ભારતમાં ગરીબોને મદદ કરાતી હતી અથવા જ્યારે ભદ્ર (કૉંગ્રેસને) વર્ગને તેમના મત ખરીદવા હોય ત્યારે મદદ કરાતી હતી. મધ્યમ વર્ગને મહત્ત્વ અપાતું નહોતું. કેટલીક વાર તો અપમાન કરાતું હતું. નવું ભારત હવે (ચૂંટણી સમયે થતી) લહાણીમાં માનતું નથી. તે હવે અપમાન પણ સાંખી નથી લેતું.”

કંગનાએ પણ આ જ તો કહ્યું. ૨૦૧૪માં સ્વતંત્રતા મળી તેવા વિધાનના સમર્થનમાં તેણે કહ્યું કે આપણને ભૌતિક સ્વતંત્રતા તો જરૂર મળી હતી પરંતુ આપણી ચેતના સુષુપ્ત હતી. પ્રથમ વાર ભારતીય ભારતીય હોવા પર ગર્વ કરી રહ્યો છે. મેં એ ભારત પણ જોયું છે જ્યાં મને અંગ્રેજી ન બોલવા પર શરમમાં નાખતો હતો. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવવા માટે મને શરમમાં મૂકાતી હતી. નાના ગામમાંથી આવવા માટે શરમમાં નખાતી હતી. હવે હું એ સમય પણ જોઈ રહી છું કે મને અંગ્રેજી નથી આવડતી. તો આ સમય બદલાયો છે અને હજુ પણ બદલાશે.

હકીકતે કેટલાક પ્રશ્નો ઇતિહાસમાં પૂછાયા નથી. પૂછાતા રહ્યા છે તો કોઈએ તેને એટલો જોરશોરથી લોકો સમક્ષ પહોંચાડ્યા નથી જે કંગના રનૌતના રૂપમાં ટીઆરપી કે વેબ વ્યૂ મળવાની દૃષ્ટિએ આજે પહોંચાડાયા છે. કંગના જે બોલે છે તેને વિવાદનું નામ આપી દેવામાં આવે છે. પરંતુ ચાલો, તે બહાને પ્રશ્નો તો ઉઠ્યા છે. અને આ પ્રશ્નો કયા છે? ગાંધીજીના નેતૃત્વમાં કૉંગ્રેસનું ચાલત તો પૂર્ણ સ્વતંત્રતા મળી જ નહોત. ગાંધીજીના નેતૃત્વમાં ચાલેલી સ્વતંત્રતાથી ભારતને સ્વતંત્રતા મળવામાં કેટલો વિલંબ થયો તેની વાત આવતા અંકે વિગતે કરીશું.

(ક્રમશ:)