આતંકી ઓસામા બિન લાદેનને મારી નાંખવામાં આવ્યા પછી અલ કાયદાના લીડર બનેલા અયમાન અલ-જવાહિરીએ એક વીડિયો સંદેશ દ્વારા અમેરિકાની વિરુદ્ધ ઝેર ઠાલવ્યું છે. વીડિયોમાં અલ-જવાહિરીએ અમેરિકાને રશિયા-યુક્રેન જંગ માટે જવાબદાર ગણાવ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ ઓસામાના મૃત્યુના ૧૧માં વર્ષે અલકાયદા તરફથી બહાર પાડવામાં આવેલા વીડિયોમાં જવાહરીએ કહ્યું કે અમેરિકાની નબળાઈના કારણે યુક્રેન આજે રશિયાના હુમલાનું શિકાર બન્યું છે.
જિહાદી ગ્રુપોની ઓનલાઈન એક્ટિવિટી પર નજર રાખનાર અમેરિકના સંગઠન સાઈટ ઈન્ટેલિજન્સ ગ્રુપે જવાહિરીના એક નવા વીડિયોની માહિતી આપી છે. આ ૨૭ મિનિટના વીડિયોમાં જવાહિરી એક ટેબલ પર બુક અને બંદૂકોની સાથે બેઠેલો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં તે મુસ્લિમોની સાથે જવાની અપીલ પણ કરતો જોવા મળ્યો હતો.
અલ-જવાહિરીએ કહ્યું- અમેરિકા હવે નબળો દેશ બની ગયો છે. તેના માટે તેણે ૯/૧૧ના આતંકવાદી હુમલા પછી શરૂ કરવામાં આવેલા ઈરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધના પ્રભાવની વાત કરી. આ હુમલા પાછળ ઓસામા બિન લાદેન માસ્ટરમાઈન્ડ અને ફાઈનાન્સર હતો.
આતંકી સંગઠન અલકાયદાના લીડર અયમાન અલ-જવાહિરીએ થોડા વર્ષો પહેલા એક વીડિયો જોહેર કરીને મુસ્લિમોને પશ્ચિમી દેશો પર હુમલો કરવા માટે ઉશ્કેર્યો હતો. ૩૩ મિનિટ ૨૮ સેકન્ડના વાઈરલ વીડિયોમાં જવાહરીએ મુસ્લિમોને કહ્યું હતું- અમેરિકા, યુરોપ, ઈઝરાયલ અને રશિયા જેવા પશ્ચિમો દેશો પર હુમલો કરીને તેનો નાશ કરી દો.
જવાહિરીએ અમેરિકા હુમલામાં ઓસામા બિન લાદેનના મૃત્યુ પછી સંગઠનની કમાન પોતાના હાથમાં લીધી હતી. વિશ્વમાં ઘણી જગ્યાએ આતંકી હુમલાની પાછળ તેમનો હાથ માનવામાં આવે છે. ૧૫ વર્ષની ઉંમરમાં જવાહિરીની પ્રથમ વખત ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૭૪માં તેણે કેરો યુનિવર્સિટીની મેડિકલ સ્કુલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.