અમેરિકાના કનેક્ટિકટ પ્રાંતની વિધાનસભામાં શીખ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની કરાયેલી જાહેરાતનો ભારતે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. ભારતીય દૂતાવાસે તેને ભારતની ભૌગોલિક અખંડતાની વિરુદ્ધનું પગલું ગણાવ્યું છે. સમગ્ર મામલો એવો છે કે કનેક્ટિક્ટ પ્રાંતની સામાન્ય સભાએ ૨૯ એપ્રિલે ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વર્લ્‌ડ શીખ પાર્લમેન્ટ’ને તેના શીખ સ્વતંત્રતા ઢંઢેરાની ૨૬મી વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા હતા.
આ મામલે ભારતીય-અમેરિકી જૂથો અને સમુદાયના નેતાઓએ કનેક્ટિક્ટ સામાન્ય સભાના સભ્યો અને તેના નેતૃત્વને આ પગલાં વિરુદ્ધ પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે આ સન્માનપત્ર ભારતની ભૌગોલિક અખંડતા પર સવાલ ઉઠાવે છે અને ભારત-અમેરિકાના મજબૂતો સંબંધોને નબળા પાડે છે.
મિલાન કલ્ચરલ એસોસિએશન ઓફ કનેક્ટિક્ટએ કહ્યું કે, આ પત્ર અમારા કનેક્ટિક્ટના હિતમાં નથી. એટલા માટે તેને રદ કરવા વિનંતી કરવામાં આવે છે. કનેક્ટિક્ટમાં ભારતીય-અમેરિકી સમુદાયથી સંવાદ અને વિચારણા કર્યા વિના એક અનપેક્ષિત ક્ષેત્રમાં દખલ કરવામાં આવી છે.
આ ઉપરાંત, ઓહિયોમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન સોસિએશને(એફઆઈએ) કહ્યું કે કનેક્ટિક્ટ સામાન્ય સભાનો સન્માનપત્ર જાહેર કરવાનો નિર્ણય બિન-જવાબદારી પૂર્વકનો છે. ન્યૂ ઈન્ગલેન્ડમાં એફઆઈએ કહ્યું કે એવું પ્રતીત થાય છે કે રાજકીય રીતે ભાગલાવાદી હિતો માટે સમુદાયની અંદર તણાવ ઉત્પન્ન કરવાના ઉદેશ્યથી અને નિંદનીય એજન્ડા હેઠળ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખોટી માહિતીને આધારે સન્માનપત્ર જાહેર કરવામાં આવ્યો છે.