૧૨ જૂનના રોજ ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડીયાનું એક વિમાન ક્રેશ થયું. એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી, વિમાન હોસ્પિટલના હોસ્ટેલ સાથે અથડાયું. આ અકસ્માતમાં, વિમાનમાં સવાર એક વ્યક્તિ બચી ગયો, બાકીના બધા મૃત્યુ પામ્યા. હોસ્ટેલ પરિસરમાં રહેતા હોસ્પિટલના ઘણા ડાક્ટરો પણ મૃત્યુ પામ્યા અને કેટલાક ઘાયલ થયા. આ અકસ્માત બાદ, યુએઈ માં રહેતા એક ભારતીય ડોક્ટરે હોસ્પિટલના અસરગ્રસ્ત ડોક્ટરો અને તેમના પરિવારો માટે ૬ કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.
હકીકતમાં, સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ભારતીય ડોક્ટર ડા. શમશીર વાયાલીલે ગયા અઠવાડિયે અમદાવાદમાં એર ઇન્ડીયાના વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત મેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરોના પરિવારો માટે ૬ કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. અગાઉ પણ, ૨૦૧૦ માં મેંગલુરુ વિમાન દુર્ઘટના પછી, તેમણે અસરગ્રસ્ત પરિવારોને નાણાકીય સહાય આપી હતી. આ ઉપરાંત, ડા. શમશીર વાયાલીલે આરોગ્યસંભાળ પ્રદાતા બુર્જીલ હોલ્ડિગ્સમાં રોજગારની તકો પૂરી પાડી હતી.
ડા. શમશીર વાયાલીલે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીથી રાહત સહાયની જાહેરાત કરી છે. બુર્જીલ હોલ્ડિગ્સના સ્થાપક અને અધ્યક્ષ અને વીપીએસ હેલ્થના મેનેજિંગ ડિરેક્ટર ડા. શમશીરે કહ્યું કે અકસ્માત પછીની પરિસ્થિતિ જાઈને તેઓ આઘાત પામ્યા છે. ડા. શમશીરના રાહત પેકેજમાં ૪ મૃતકોના પરિવારજનો માટે ૧ કરોડ રૂપિયા, ૫ ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓ માટે ૨૦ લાખ રૂપિયા અને પોતાના પ્રિયજનો ગુમાવનારા ડોક્ટરોના પરિવારજનો માટે ૨૦ લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. આ નાણાકીય સહાય બીજે મેડિકલ કોલેજ ખાતે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન સાથે સંકલન કરીને પૂરી પાડવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગયા ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલું આ વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ કેમ્પસમાં ક્રેશ થયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી બોઇંગ ૭૮૭-૮ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ફ્લાઇટ એઆઇ૧૭૧ માં સવાર ૨૪૨ લોકોમાંથી ફક્ત એક જ બચી ગયો હતો. આ ઉપરાંત, પાંચ એમબીબીએસ વિદ્યાર્થીઓ સહિત ૨૯ અન્ય લોકો પણ તેની ઝપેટમાં આવીને અકસ્માત સ્થળે મૃત્યુ પામ્યા હતા.









































