યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ની સરકારે કહ્યું હતું કે હવેથી સત્તાવાર રીતે કામકાજનું સપ્તાહ સોમવારથી શુક્રવાર સુધીનું રહેશે. યુએઇની સરકાર દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો નીતિવિષયક ફેરફાર છે જેના કારણે હવે તે પશ્ચિમના દેશોની હરોળમાં આવી જશે, એટલું જ નહીં પરંતુ આ ફેરફાર સાથે તે પશ્ચિમના દેશોનું અનુકરણ કરનાર સૌ પ્રથમ આરબ રાષ્ટ્ર પણ બની જશે.
જાન્યુઆરી મહિનાથી અમલમાં આવનાર યુએઇ સરકારના આ નિર્ણયના કારણે તે અખાત પ્રદેશમાં પશ્ચિમની પદ્ધતિએ કામકાજનો સમયગાળો નક્કી કરનાર જૂજ સ્થળો પૈકીનું એક બની જશે, કેમ કે અખાત પ્રદેશમાં આવેલા મોટાભાગના આરબ દેશોએ સત્તાવાર રીતે કામકાજના સપ્તાહ તરીકે રવિવારથી ગુરૂવારનો સમય નક્કી કર્યો છે.સરકારી કર્મચારીઓને શુક્રવારના રોજ અડધો દિવસ કામ કરવાનું રહેશે અને ત્યારબાદ તેઓ શનિવાર અને રવિવાર વીકએન્ડ તરીકે મનાવશે એમ સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શુક્રવાર આરબ રાષ્ટ્રો માટે સૌથી મહત્વનો દિવસ ગણાય છે કેમ કે તે દિવસે તમામ મુસ્લિમો ફરજિયાત નમાઝ અદા કરે છે. સરકારના આ નિર્ણયનો યુએઇની શાળાઓ અને ખાનગી ઉદ્યોગો અક્ષરસઃ પાલન કરશે. જા કે ઇરાન અને અફઘાનિસ્તાન જેના દેશોમાં આજે પણ કામકાજનું સપ્તાહ શનિવારથી બુધવાર સુધીનું અમલમાં છે.