યાસીન મલિક કેસમાં તિહાડ જેલ પ્રશાસને ૧ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ, ૨ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ અને ૧ અન્ય તિહાર કર્મચારી સહિત ૪ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. મલિકને ફિઝિકલ કોર્ટમાં રજૂ કરવાની જરૂર નહોતી. વહીવટી ઉણપના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા યાસીન મલિકની વ્યક્તિગત હાજરી અંગે ગૃહ સચિવને પત્ર લખ્યો છે. એસજી મહેતાએ ગૃહ સચિવને પત્ર લખીને જણાવ્યું હતું કે ન તો સુપ્રીમ કોર્ટે મલિકની અંગત હાજરી માંગી હતી અને ન તો તેમને કોર્ટમાં રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટની કોઈ સત્તા પાસેથી પરવાનગી લેવામાં આવી હતી.
તુષાર મહેતાએ ગૃહ સચિવ અજય ભલ્લાને સખત શબ્દોમાં લખેલ પત્રમાં જણાવ્યું હતું કે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં યાસીન મલિકની હાજરી એ સુરક્ષામાં ગંભીર ખામી હતી, કારણ કે દોષિત આતંકવાદી ભાગી ગયો હોત અથવા આજે સવારે તેને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે માર્યો ગયો હોત. ત્યારે આ મામલે ગંભીર બેદરકારી દાખવવા બદલ તિહાડ જેલ પ્રશાસને ૪ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં ૧ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ, ૨ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ અને ૧ અન્ય તિહાર કર્મચારી સામેલ છે.
સેન્ટ્રલ બ્યુરો આૅફ ઇન્વેસ્ટીગેશન દ્વારા જમ્મુની વિશેષ અદાલતના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલમાં મલિક શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રૂબરૂ હાજર થયો હતો. જમ્મુમાં ટ્રાયલ કાર્યવાહી માટે મલિકની હાજરીની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેના પર કોઈ આદેશ આપ્યો ન હતો. શુક્રવારે સવારે જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટમાં મલિકની વ્યક્તિગત હાજરીથી ભારે ગભરાટ સર્જાયો હતો.