“જુઓને બા, મને વખત જ નથી મળતો, પરંતુ આજ…. અત્યારે તો મારે ફરજિયાત આવવું જ પડયું.” રણમલે આવીને જાયું તો દામો પથારીમાં પડયો છે. “હેં બા, દામાને આવો તાવ કેમ આવ્યો ? એક તો તે માસ્તર અને નિયમિત રહેતી વ્યક્તિ ! આવા માણસને તાવ આવે નહીં. ચાલો, હું અંદર આવું છું…”
રણમલ અંદરના રૂમમાં આવ્યો. દામાની પથારીમાં ઓશીકા પાસે જ બેસી ગયો. પછી દામાના કપાળે ને ગાલ પર હાથ ફેરવતાં બોલ્યો: “અત્યારે…. એટલો બધો તાવ નથી બા, હવે તમે બન્ને બહાર બેસો. હું દામાને ઉઠાડીને થોડી વાતચીત કરૂં….”
નંદુમા અને બા રૂમમાંથી બહાર નીકળી ઓસરીમાં હિંડોળે બેઠાં. હવે રણમલે દામાના ગાલ પર ધીમે ધીમે ટપલી મારી, પછી તેનું મોઢું દામાના કાન પાસે રાખી બોલ્યો: “દામા, જા તો… તારી પાસે તને કોણ મળવા આવ્યું ? આંખો ખોલ, હું રણમલ છું. એક ખુશખબર લઈને તારી પાસે આવ્યો છું. તને હવે તાવ ઉતરી ગયો છે. તું આંખો ખોલ અને ઊભો થા. આપણે વાતો કરીએ…”
રણમલે આ બધું બોલેલું દામાએ સાંભળ્યું હશે કે નહીં તે તો ભગવાન જાણે ! પરંતુ તેણે તેની આંખો ન ખોલી. એટલે પછી રણમલે તેના બન્ને હાથથી દામાના બન્ને ખભા પકડી ખૂબ ઢંઢોળ્યો, હચમચાવી નાખ્યો. એ સાથે જ દામાએ આંખો ખોલી અને આંખો ખૂલતાં જ જાણીતો ચહેરો નજરે દેખાતા તે ખોખલું હસ્યો. ને પછી તો બીજી જ ક્ષણે તે પોકે પોકે રડી પડયો.
દામાની આવી સ્થિતિ…. આવી દશા, આવું નમાલું વર્તન જાઇ રણમલને પણ સાચે જ ખૂબ આશ્ચર્ય થયું. કારણ કે આજ સુધી તેણે દામાને કોઇ દિવસ રડતો તો જાયો જ ન હતો. આવું થયું એટલે રણમલ ગોટે ચડયો, વિચારે ચડયો: દામો આમ અને આવું તો કોઇ દિવસ ન રડે. તાવ જેવી સામાન્ય બીમારીથી મારો મિત્ર ન જ રડે. નક્કી…. કંઇક ઠોસ કારણ આ રડવા પાછળ હોવું જ જાઇએ.. તો પછી… એવું કયું કારણ હોઈ શકે ? રણમલ વિચારે ચડયો.
રડતાં દામાને શાંત કરવા રણમલે દામાની આંખો અને ચહેરો રૂમાલ વડે લૂછીને પછી ધીમેથી બોલ્યો: “ તું આટલો બધો પોચકો છે તેની તો મને અત્યારે જ ખબર પડી. તાવ જેવી સામાનય બીમારીને તું મોટો અને ગંભીર રોગ માની લઇ, આમ નાનાં છોકરાની જેમ કેમ રડે છે ? તને મેં આવો ઢીલો માણસ નહોતો માન્યો. આટલો પોચો ? ચાલ હવે તેં શાંતિથી બેસ. મારે તને એક સરસ મજાની વાત કરવી છે…”
રણમલનું આવું બધું કહેવું સાંભળી દામો શાંત થયો. પછી રૂમાલથી તેણે તેનું મોઢું વ્યવસ્થિત રીતે સાફ કર્યું. પાસે જ બોટલ પડી હતી તેમાંથી થોડું પાણી પીધું અને પછી હસવાની ખોખલી રમત પણ કરી… ને બોલ્યો: “ તારી પાસે સરસ મજાની વાત શી છે… ? શા નવા સમાચાર છે.. ? બોલ… તું ઝડપથી બોલ, નવાજૂની શું છે ? હવે તો કહે…”
“યાર… મિત્ર ! મને સરકારી નોકરી મળી છે. દોસ્ત…, આજે ઓર્ડર મળ્યો…”
“અરે વાહ…! તને તો ખૂબ ખૂબ અભિનંદન દોસ્ત ! રણમલ… મારા મિત્ર, હવે તો મારો તાવ સાચે જ ઉતરી ગયો એમ જ સમજ. હું ખૂબ જ ખુશ છું, મા… ખોડિયાર માતાજીએ આપણી અરજી, આપણી મન્નત પૂરી કરી છે, સ્વીકારી લીધી છે….” દામો ખુશીના આવેશમાં સાચે જ ઝૂમી ઉઠયો હતો.
ત્યાં તો રણમલે સાવ ધીમેથી કહ્યું:
“મને નોકરી તો મળી પરંતુ એક વાતનું ખૂબ દુઃખ છે.”
“દુઃખ…? શેનું દુઃખ…?” દામાએ ઝડપથી પૂછયું.
“મારી નોકરીનું પોસ્ટિંગ વિસાવદરમાં થયું છે. કમળાપુર છોડીને હવે મારે વિસાવદર જવું પડશે. આપણે બન્ને મિત્રો એકબીજાથી દૂર થઇશું. આ વાતનું મને દુઃખ છે.. દોસ્ત !”
“દોસ્તી ભલે સાચી પરંતુ નોકરી તો અતિ મહત્વની છે, રણમલ ! ભલે થોડે છેટે જવું પડે. અને હા, વિસાવદર કંઇ એટલું બધું દૂર તો ન જ કહેવાય…. સમજ્યો ? ! ત્રણેક કલાકનો રસ્તો માંડ હશે…”
ને…. વિસાવદરનું નામ યાદ આવતાંની સાથે જ દામાની આંખમાંથી એકાએક આંસુ ટપકવા શરૂ થયા. આમ અચાનક જ દામાને રડતો જાઇ રણમલે તરત જ પૂછયું: “તું તે કેવો છે ? આમ વાતો કરતાં કરતાં અચાનક જ રડવા લાગ્યો ? તને કંઇ થાય છે…? ” (ક્રમશઃ)












































