ઉત્તરાખંડના હરીદ્વારના લક્ષ્મણ જુલામાં ગુજરાતી પરિવાર સાથે ગોઝારો બનાવ બન્યો છે. રાજકોટના રેવેન્યુ વિભાગના દિલીપ કારિયાનો પરિવાર ૩ દિવસ અગાઉ હરીદ્વાર ફરવા ગયો હતો. જે દરમિયાન નદીમાં સ્નાન કરવા અર્થે લક્ષ્મણ જુલા ખાતે નિલકંઠ મહાદેવ નજીકના ઘાટ પર ગયા હતા, જ્યાં દિલીપભાઈની પૌત્રીનો પગ લપસતા પાણીમાં ડૂબવા લાગી હતી. આ દીકરીને ડૂબતાં જાઈ સાસુએ સૌ પ્રથમ નદીમાં ઝંપલાવી બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ નદીનું વહેણ વધારે હોવાને લીધે બંને તણાઇ રહ્યા હતા. જે બાદ દિલીપભાઈના જમાઈ પણ બંનેને બચાવા કુદ્યા હતા પણ તે પણ ડૂબવા લાગ્યા હતા.
આ ઘટનામાં દિલીપભાઈની પૌત્રી સાથે સાસુ અને જમાઈ પણ નદીમાં ડૂબાઈ જતાં ઘાટ પર બચાવો બચાવોની ચીસો પડતી હતી પણ નદીનું વહેણ વધારે હોવાને લીધે કોઈ બચાવવા જાય તે પહેલા ત્રણેય લોકો તણાઇ ગયા હતા. જે બાદ સ્થાનિક તંત્રને ઘટનાની જાણ કરવામાં આવતા સ્થાનિક તરવૈયાની મદદથી નદીમાં ગોતા લગાવીને ત્રણેય લોકોને શોધવાની કવાયત હાથ ધરાઇ હતી. જે બાદ મહામહેનતે નદીમાં ડૂબેલી મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી પણ અન્ય ૨ વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે.