ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં નદીઓના જળસ્તરમાં વધારાની અસર હવે દિલ્હીમાં પણ જોવા મળી રહી છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર બુધવારે ૨૦૭.૫૫ મીટરે પહોંચી ગયું છે, જેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉ વર્ષ ૧૯૭૮માં યમુનાનું જળસ્તર ૨૦૭.૪૯ મીટરે પહોંચ્યું હતું. યમુનાના વધતા જળ સ્તરને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે પણ ઈમરજન્સી બેઠક બોલાવી છે.
દિલ્હી પ્રશાસને યમુનાને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જવા માટે કહ્યું હતું કે યમુનાનું જળ સ્તર રેકોર્ડ સ્તરે પહોંચી જશે અને તેને પાર કરી જશે. યમુનામાં પાણીનું સ્તર વધ્યા બાદ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.કેટલાક વિસ્તાર એવા છે જ્યાં ઘરોમાં હજુ પણ કેટલાય ફૂટ પાણી ભરાયા છે. તે જ સમયે, હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી પર્વતીય રાજ્યોમાં આવો જ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં યમુનાનું જળસ્તર આગામી થોડા દિવસોમાં વધુ વધી શકે છે. પહાડી રાજ્યો માટે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી અને યમુનાના વધતા જળ સ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા દિલ્હીમાં મુશળધાર વરસાદ બાદ પણ યમુનાનું જળસ્તર વધી ગયું હતું. આ વરસાદ બાદ દિલ્હીના અનેક વિસ્તારોમાં અનેક ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વરસાદને લઈને મોટી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ મંત્રીઓ, અધિકારીઓ અને મેયર સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ સીએમ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં ૪૦ વર્ષ પછી આટલો વરસાદ પડ્યો. દિલ્હીની સિસ્ટમ આટલા વરસાદને સહન કરવા માટે બનાવવામાં આવી નથી. તેમ છતાં, અમે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. આ સમયે તમામ પક્ષોએ લોકોની મદદ માટે આગળ આવવું જાઈએ. તે બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણો વરસાદ થયો છે, ઘણા વર્ષોના રેકોર્ડ તૂટી ગયા છે. નજીકના ઘણા રાજ્યોમાંથી સમાચાર આવી રહ્યા છે. લોકો ખૂબ જ પરેશાન છે, આ આંગળી ચીંધવાનો સમય નથી. આ સમયે આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ સમયે પહેલું કામ લોકોને રાહત આપવાનું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાત-દિવસ કામ કરવા બદલ હું તમામ અધિકારીઓ, કાઉન્સિલરો, મેયર, મંત્રીઓ અને ધારાસભ્યોનો આભાર માનું છું.દિલ્હીની સિસ્ટમ આટલા વરસાદને સહન કરવા માટે બનાવવામાં આવી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ૧૦૦ થી ૧૨૫ મીમી વરસાદ પડનાર દિલ્હીનું તંત્ર એકથી દોઢ કલાકમાં સુધરતું હતું, પરંતુ આ વખતે ૧૫૩ મીમી વરસાદ નોંધાયો છે. એટલા માટે તમામ પ્રયાસો ઓછા સાબિત થઈ રહ્યા છે. ૮ અને ૯ જુલાઈના રોજ દિલ્હીમાં ૧૫૩ મીમી વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં લગભગ ૪૦ વર્ષ બાદ આટલો વરસાદ થયો છે.
દરમિયાન ઉત્તરાખંડ, દિલ્હી, યુપી, પંજાબ અને હરિયાણામાં સતત વરસાદ થઈ રહ્યો છે. ખરાબ હવામાનને કારણે દેશનાં વિવિધ રાજ્યોમાં છેલ્લા ૪ દિવસમાં ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૮ જુલાઈથી, હિમાચલ પ્રદેશમાં ૩૬, યુપીમાં ૩૪, જમ્મુ અને કાશ્મીરમાં ૧૫, ઉત્તરાખંડમાં ૯, દિલ્હીમાં ૫ અને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણામાં એક-એક મૃત્યુ નોંધાયા છે. હિમાચલ પ્રદેશમાં બે દિવસ બાદ રેડ એલર્ટ છે. સિમલા, સિરમૌર, કિન્નૌરમાં પૂરનું એલર્ટ છે. કુલ્લુમાં ૩૦ ઘરો અને ૪૦ દુકાનો સાથેના સાંજ બજાર અડધી બિયાસ નદીમાં વહી ગઇ. હિમાચલના ચંદ્રતાલમાં ૨૫૦ પ્રવાસીઓ ફસાયેલા છે. સીએમ સુખુએ કહ્યું છે કે જો ૮ કલાક વરસાદ અટકશે તો બધાને બચાવી લેવામાં આવશે. સોલનમાં ભૂસ્ખલનને કારણે બે પરપ્રાંતિય મજૂરોનાં મોત થયાં હતાં. તે જ સમયે, ચંદીગઢ-સિમલા અને ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે આંશિક રીતે ખોલવામાં આવ્યા છે.હરિદ્વારના તિબડીમાં રેલ ટ્રેક તૂટવાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ છે. હરિયાણાના ૯ જિલ્લાનાં ૬૦૦ ગામો પૂરમાં ડૂબી ગયાં છે. અંબાલાનો ૪૦% વિસ્તાર પાણી હેઠળ છે.ચંદીગઢ-અંબાલા હાઈવે ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે, અંબાલા-કૈથલ-હિસાર નેશનલ હાઈવે હજુ પણ બંધ છે.દેશના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં વરસાદ અને પૂરના કારણે સ્થિતિ વણસી છે. હિમાચલ પ્રદેશની હાલત સૌથી ખરાબ છે. અહીં ત્રણ દિવસમાં ૨૩ મોત થઈ ચૂક્યા છે. કુલ ૧૨૩૯ રસ્તા બંધ છે. કુલુમાં બિયાસ નદીના વહેણમાં ૩૦ ઘર, ૪૦ દુકાન ધરાવતું આખેઆખું સેન્જ બજાર વહી ગયું છે.