
કોઈએ કહ્યું છે કે ભારતની સંસ્કૃતિને કદાચ એક જ શબ્દમાં સમેટી લેવી હોય તો તે શબ્દ ‘યજ્ઞ’ હશે. ભગવાનને અપાતી પવિત્ર આહુતિઓ એટલે યજ્ઞ. યજ્ઞ એ મૂળ સંસ્કૃતની યજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. જેનો અર્થ દાન, દેવપૂજન તથા આહુતિ થાય છે. યજ્ઞ માત્ર પોતાના એક માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે તમે કરી શકો છો. ભારતભૂમિ પર યજ્ઞનું પ્રચલન વૈદિક યુગથી જ ચાલ્યું આવે છે.
લોકો આજે ધર્મનું મહત્વ અને તેની પાછળનું વિજ્ઞાન નથી સમજી શકતા, પરંતુ ખરેખર યજ્ઞનું પણ પોતાનું વૈજ્ઞાનિક મહ¥વ છે. જેમ અનાજના દાણાને માટીમાં ઉગાડવાથી બહુ બધો પાક આપણને મળે છે તેમ યજ્ઞમાં આહુતિમાં અપાતી વસ્તુ પણ અગ્નિમાં ભળીને સો ગણી વધુ શક્તિશાળી બની જાય છે, જેથી ઔષધ રૂપે તે મનુષ્ય સહિતનાં પ્રાણીઓનાં શરીરમાં સ્નાયુઓ, શ્વસનક્રિયા, પાચનક્રિયા, હાડકાં અને લોહીના પરિભ્રમણ દરેક ઉપર ખૂબ જ સકારાત્મક અસર ઊભી કરે છે. પુરાણોમાં કહેવાયું છે કે યજ્ઞ દ્વારા આયુષ્ય, આરોગ્ય, તેજસ્વિતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃદ્ધિ, ધનપ્રાપ્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
હજીયે, યજ્ઞની આ સ્થૂળ વાત થઈ. યજ્ઞમાં થોડા ઊંડા ઉતરીએ. કહો કે આ વાતના યજ્ઞમાં આપણે જ હોમાઈએ ચાલો, બ્રહ્માંડમાં મારી સાથે ચાલો. બ્રહ્માંડમાં જે કંઈ થઈ રહ્યું છે તે પ્રકૃતિનો એક યજ્ઞ છે. સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તે પણ પ્રકૃતિનો એક યજ્ઞ છે. બ્રહ્માંડમાં જે કંઈ પ્રગટ થઈ રહ્યું છે કે વિલીન થઈ રહ્યું છે તે તમામ બાબત પ્રકૃતિનો યજ્ઞ છે. પૃથ્વી પ્રલય પણ એક યજ્ઞ છે. બ્રહ્માંડ વિલય તે પણ એક યજ્ઞ છે. શાંતિ પણ એક યજ્ઞ છે અને યુદ્ધ પણ એક યજ્ઞ છે. યુદ્ધ તમે નથી કરતા પ્રકૃતિ તમારી પાસે કરાવી રહી છે. પ્રકૃતૈઃ ક્રિયમાણાની કર્માણી સર્વશઃ અહંકારવિમુઢાત્મા કર્તાહમીતિ મન્યતે… ( ગીતા).
સેક્સ અર્થાત પુરુષ તત્વ અને સ્ત્રી તત્વનું મૈથુન એ પણ એક યજ્ઞ છે. એમાં પણ કશુંક હોમવામાં આવે છે. જન્મ અને મૃત્યુ પણ યજ્ઞ છે. જન્મ વખતે જીવ ક્યાંકથી અહીં હોમાયો છે અને મૃત્યુ વખતે જીવ ક્યાંક હોમાય છે. તમે ભોજન લઈ રહ્યા છો તે પણ એક યજ્ઞ છે. તમે કશુંક જઠરાગ્નિમાં હોમી રહ્યા છો. શ્વાસ અને ઉચ્છવાસ બંને યજ્ઞ છે. શ્વાસ લેતી વખતે તમે હવાને તમારા શરીરમાં હોમી રહ્યા છો અને ઉચ્છવાસ વખતે તમે એ જ હવાને વાતાવરણમાં કે બ્રહ્માંડમાં હોમી રહ્યા છો. જગતમાં બધું જ યજ્ઞ છે. પ્રેમ યજ્ઞ છે, નફરત યજ્ઞ છે, દોસ્તી યજ્ઞ છે, દુશ્મની યજ્ઞ છે, યોગ યજ્ઞ છે, વિયોગ યજ્ઞ છે, ભાવ યજ્ઞ છે, વિભાવ યજ્ઞ છે, સુખ યજ્ઞ છે, દુઃખ યજ્ઞ છે, હજાર હજાર કરોડ કરોડ બાબત યજ્ઞ છે. સીમિત સીમિત બાબત યજ્ઞ છે, અનંત અનંત બાબત યજ્ઞ છે. હું યજ્ઞ છું, તું યજ્ઞ છે, તે યજ્ઞ છે, તેઓ યજ્ઞ છે. આ યજ્ઞ છે, એ યજ્ઞ છે. હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો તે યજ્ઞ છે. હું લખું છું, તમે વાંચો છો તે યજ્ઞ છે. જગતમાં યજ્ઞ સિવાય બીજું કશું જ નથી.
અરે ખુદ ઈશ્વર પણ યજ્ઞ છે. ઈશ્વર કે ખુદા કે ગોડ કે જે કંઈ કહેવાય છે તે કશું નહોતું ત્યારે પણ જે કંઈ હતું તે યજ્ઞ છે. બિગ બેંગ પણ યજ્ઞ છે. પૃથ્વીના સર્જનહાર બ્રહ્માનું સર્જન થયું તે પણ યજ્ઞ છે. બ્રહ્માંડ ખુદ એક યજ્ઞ છે અને બ્રહ્માંડની સીમા પૂરી થાય છે ત્યાંથી જે કંઈ આગળ છે તે અનંતતા પણ યજ્ઞ છે. જે કંઈ છે તે બધું જ યજ્ઞ છે. એટલું જ નહીં, જે કંઈ નથી તે બધું પણ એક યજ્ઞ છે. naranbaraiya277@gmail.com