છેલ્લા કેટલાય વર્ષથી મ્યુનિ.નાં સફાઇ કામદારો ગટર સફાઇ કરવા ગટરમાં ઉતરતા નથી અને ઉતારાતા પણ નથી તેમ છતાં ગટર સફાઇ કરતાં કામદારોની સુરક્ષા માટે સેફ્ટી કિટ ખરીદવા ૧.૩૯ કરોડનો ધુમાડો કરવામાં આવનાર છે.
મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, શહેરમાં વર્ષો અગાઉ સફાઇ કામદારો ગટરમાં ઉતરીને સફાઇ કરતાં હતા, પરંતુ તેમાં સાવચેતીનાં પગલાનાં અભાવે અનેકવાર સફાઇ કામદારો ગટરમાં ઝેરી ગેસથી ગુંગળાઇને મૃત્યુ પામ્યાનાં દાખલા બન્યાં છે. બીજી બાજુ સુપ્રિમ કોર્ટે પણ આ મામલાઓને ગંભીરતાથી લઇને સફાઇ કામદારોને સંપૂર્ણ સુરક્ષા વગર ગટર લાઇનમાં ઉતારવા નહિ તેવી ગાઇડલાઇન જારી કરી છે. તેને ઢાલ બનાવીને તો મ્યુનિ. સત્તાધીશોએ ગટર સફાઇનાં મશીનો ખરીદવા અને કોન્ટ્રક્ટ આપવામાં માનીતાઓને ખટાવવાનુ શરૂ કરી દીધુ છે.
છેલ્લા કેટલાય વર્ષોથી મ્યુનિ.નાં દરેક વોર્ડમાં કોઇ ઇજનેર અધિકારી પોતાની જવાબદારીથી સફાઇ કામદારોને ગટરમાં ઉતારતા જ નથી, તેમ છતાં સફાઇ કામદારોની સેફ્ટીનાં નામે કિટ ખરીદવાનુ ગતકડુ મંજૂર કરી સેફ્ટી કિટ બનાવતી કંપનીને ખટાવવાનો કારસો ઘડાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાની મોટી ગટર લાઇનોનુ ડીશિલ્ટંગ કરવામાં આવે છે અને તેના માટે જુદા જુદા પ્રકારની ડીશિલ્ટંગ મશીનરી ખરીદવામાં આવી છે. પરંતુ શહેરના કેટલાંક વિસ્તારો ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલ પોળો, ચાલીઓ અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ડીશિલ્ટંગ મશીનરી દ્વારા પણ ગટરની સફાઈ કામગીરી શકય ન હોય તેમજ મશીનહોલ મરામતની કામગીરી તેમાં ઉતરીને જ કરવી શક્ય હોય તે માટે રૂ. ૧ કરોડ, ૩૯ લાખથી વધુ ખર્ચે સેફ્ટી ગીયર સાધનો ખરીદવામાં આવશે.
ઈમરજન્સી રીસ્પોન્સ સેનિટેશન યુનિટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સેફ્ટી ગીયરના સાધનોનો એક સેટ વોર્ડ દીઠ એક સેટ આપવામાં આવશે. આ પ્રકારની સેફ્ટી કિટ ખરીદવા માટે ટેન્ડર મંગાવાતાં ત્રણ વેપારીઓએ ટેન્ડર ભર્યા હતા અને તે પૈકી સૌથી લોએસ્ટ ટેન્ડરર શ્રી વેંકટેશ સેફ્ટી મેન્યુફેક્ચરર નામની કંપની. ટેકનીકલી ક્વોલીફાય થયેલ છે. સ્ટેÂન્ડંગ કમિટીમાં સેફ્ટી ગીયર સાધનો ખરીદવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.









































