‘‘ઉછી-ઉધારાં ન કરીઅ’’- કવિ મકરંદ દવેની આ એક જ પંક્તિ સમગ્ર જીવનદર્શનનો સાર કહી જાય છે. આજના સમયમાં માણસ પાસે માહિતીનો અખૂટ ભંડાર છે, પરંતુ મૌલિક વિચારોનો અભાવ અનુભવાય છે. સોશિયલ મીડિયા, કૃત્રિમ બુધ્ધિમત્તા, તૈયાર ભાષણો, તૈયાર અભિપ્રાયો અને તૈયાર સફળતાના સૂત્રો વચ્ચે માણસ ધીમે ધીમે પોતાનો સ્વર ગુમાવી રહ્યો છે. આવા સમયમાં ‘‘ચાલો, પોતાને તુંબડે તરીએ!’’ માત્ર કવિતા નથી, પરંતુ સમયને સંબોધતો એક પ્રખર સંદેશ છે.
કવિનો આગ્રહ છે કે બીજાના શબ્દો, બીજાના વિચારો કે બીજાની શૈલી ઉછીની લઈને વ્યક્તિત્વ ઊભું થઈ શકતું નથી. જે વિચાર હૃદયમાં જન્મે છે, જે અનુભવ જીવનમાંથી મળે છે અને જે લાગણી આત્માને સ્પર્શે છે, તે જ સાચી અભિવ્યક્તિ બની શકે છે. મૌલિકતા વ્યક્તિત્વને તેજસ્વી બનાવે છે.
કવિ કુદરતનું સુંદર ઉદાહરણ આપે છે. કોયલ કોઈનો ટહુકો ઉછીનો લેતી નથી અને મોર કોઈની કેકા માંગતો નથી. દરેક જીવ પોતાની આગવી ઓળખ સાથે જીવતો હોય છે. કુદરતનો આ નિયમ મનુષ્ય માટે પણ એટલો જ સાચો છે. છતાં આજે માણસ પોતાની ક્ષમતાને ઓળખવાને બદલે બીજાની સફળતાની નકલ કરવામાં વધુ વ્યસ્ત છે. આ અનુકરણની માનસિકતા સર્જનશીલતાને અવરોધે છે.
આજની શિક્ષણવ્યવસ્થામાં પણ ગુણાંક અને સ્પર્ધાની દોડમાં વિદ્યાર્થીઓ ઘણી વખત પોતાની આંતરિક પ્રતિભા ભૂલી જાય છે. સમાજ સફળતાનું એક જ માપદંડ નક્કી કરી દે છે, જ્યારે દરેક વ્યક્તિની ક્ષમતા, રસ અને જીવનમાર્ગ અલગ હોય છે. સાચું શિક્ષણ વ્યક્તિને બીજાની જેમ બનાવતું નથી; પરંતુ તેને પોતાનું શ્રેષ્ઠ સ્વરૂપ બનવામાં મદદ કરે છે.
સાહિત્ય, કલા, વિજ્ઞાન અને ઉદ્યોગ દરેક ક્ષેત્રમાં મહાનતા પ્રાપ્ત કરનારાઓએ નવો માર્ગ પસંદ કર્યો હતો. તેમણે ભીડને અનુસરવાને બદલે પોતાના અંતરના અવાજને અનુસર્યો હતો. સમાજને આગળ ધપાવનાર દરેક ક્રાંતિ પાછળ કોઈ એક મૌલિક વિચાર હતો. તેથી પ્રગતિનો આધાર અનુકરણ નહીં, પરંતુ નવસર્જન છે.
કવિની છેલ્લી પંક્તિ ‘‘રૂડારૂપાળા સઢ કો’ક ના શા કામના? પોતાને તુંબડે તરીએ!’’ આત્મવિશ્વાસનું પ્રતીક છે. જીવનમાં દરેકને મોટા સાધનો કે અનુકૂળ સંજોગો મળતા નથી. પરંતુ પોતાના પર વિશ્વાસ, સતત પ્રયત્ન અને સકારાત્મક દૃષ્ટિ હોય તો નાનકડું તુંબડું પણ જીવનસાગર પાર કરાવી શકે છે. આત્મનિર્ભરતા જ સાચી સમૃધ્ધિ છે. અહીં ‘‘તુંબડું’’ માત્ર નાનું સાધન નથી; તે આત્મવિશ્વાસ, સ્વધર્મ અને ઈશ્વરપ્રત્યેની શ્રધ્ધાનું પ્રતીક છે. શ્રી અરવિંદ કહે છે કે જીવનની મહાન યાત્રા બહારના સાધનોથી નહીં, પરંતુ અંદરની ચેતનાથી પૂર્ણ થાય છે. જેના અંતરમાં શ્રધ્ધા, નિષ્ઠા અને સમર્પણ છે તે મર્યાદિત સંજોગોમાં પણ અસીમ સિધ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે.આ સંદેશ માત્ર વ્યક્તિ માટે જ નહીં, રાષ્ટ્ર માટે પણ એટલો જ મહત્વનો છે. જે રાષ્ટ્ર પોતાની સંસ્કૃતિ, જ્ઞાન, સંશોધન અને સર્જનાત્મકતાના બળે આગળ વધે છે તે જ વિશ્વમાં આગવી ઓળખ બનાવે છે. અંધ અનુકરણથી વિકાસ શક્ય નથી; વિકાસ માટે આત્મવિશ્વાસ અને મૌલિકતા જરૂરી છે.
આજે દરેક વ્યક્તિએ પોતાને એક પ્રશ્ન પૂછવો જોઈએ શું હું મારા વિચારો સાથે જીવું છું કે બીજાના વિચારોના આધારે?
શું મારી સફળતા મારી પોતાની છે કે માત્ર અનુકરણનું પરિણામ? આવા આત્મમંથનથી જ સાચો વિકાસ શરૂ થાય છે. મકરંદ દવેની આ કવિતા આપણને જીવનનો એક અવિનાશી મંત્ર આપે છે પોતાની ઓળખને જાળવો, પોતાના અંતરના અવાજને સાંભળો, પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને ઉછીના વ્યક્તિત્વને બદલે પોતાનું વ્યક્તિત્વ ઘડો. વ્યક્તિનું સાચું ગૌરવ એમાં નથી કે તે કેટલો બીજાઓ જેવો બની શકે છે; પરંતુ એમાં છે કે તે કેટલો પોતાનો બની શકે છે. શ્રી માતાજી વારંવાર કહેતાં કે દરેક વ્યક્તિએ પોતાની અંદરની વિશિષ્ટતાને શોધવી જોઈએ; કારણ કે દરેક આત્મા ઈશ્વરની અનોખી અભિવ્યક્તિ છે.આજના અનુકરણપ્રધાન યુગમાં આ કવિતા દીવાદાંડી સમાન છે. જો આપણે સાચા અર્થમાં સર્જનાત્મક, આત્મનિર્ભર અને પ્રભાવશાળી સમાજનું નિર્માણ કરવું હોય, તો મકરંદ દવેના આ આહવાનને જીવનમંત્ર બનાવવો પડશે.
ચાલો, બીજાના પ્રકાશથી ઝગમગાવાની જગ્યાએ પોતાના અંતરમાં દીવો પ્રગટાવીએ. કારણ કે જે પોતાનો પ્રકાશ શોધી લે છે, તે જ દુનિયાને સાચો પ્રકાશ આપી શકે છે.

કો’કનાં તે વેણને વીણી વીણીને વીરા,
ઉછી-ઉધારાં ન કરીએ.
ચાલો, પોતાના તુંબડે તરીએ,
હૈયે ઊગે એવી હૈયાની વાતને,
ફૂલ જેમ ફોરમતી કરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માગે,
ને મોરલો કોઈની કેકા.
માનવીનું કાળજું આ કેવું ઘડ્‌યું ?
પીડ પોતાની ને પારકા લહેકા !
રૂડારૂપાળા સઢ કો’કના શા કામના ?
પોતાને તુંબડે તરીએ !
ઉછી-ઉધારાં ન કરીએ…
-મકરંદ દવે