યે રિશ્તા ક્યા કહેલાતા હૈની અભિનેત્રી રહી ચૂકેલી મોહિના કુમારી સિંહ અને તેનો પતિ સુયશ રાવત હાલ જિંદગીનો શ્રેષ્ઠ સમય માણી રહ્યા છે. મોહિના અને સુયશ હાલ પોતાના નવજોત દીકરા સાથે સમય વિતાવી રહ્યા છે. ટીવીની દુનિયાને અલવિદા કહી ચૂકેલી મોહિનાની મુલાકાત હાલમાં જ તેની યે રિશ્તા ક્યા કહેલાતા હૈની કો-એક્ટ્રેસ નિધિ ઉત્તમ સાથે થઈ હતી. નિધિ સુયશ-મોહિના અને તેમના દીકરા સાથેની મુલાકાતનો વિડીયો શેર કર્યો છે.
નિધિ છેલ્લે મોહિના અને સુયશને તેમના લગ્ન વખતે મળી હતી અને હવે તાજી મુલાકાત તેઓ પેરેન્ટ્‌સ બન્યા પછી થઈ છે. નિધિ અને તેના પતિ મોહિતે લગભગ સાડા ત્રણ વર્ષ બાદ થયેલી મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. નિધિએ વિડીયો શેર કરતાં લખ્યું, “છેવટે આપણી મુલાકાત થઈ શકી તેનો ખૂબ આનંદ છે વહાલી ફ્રેન્ડ. તને જીવનમાં ખુશીઓ મળતી રહે તેવી કામના. છેલ્લે આપણે તારા અને સુયશના લગ્ન વખતે મળ્યા હતા અને હવે તમે બંને પેરેન્ટ્‌સ બની ગયા છો ત્યારે મુલાકાત થઈ રહી છે. નવા મમ્મી-પપ્પા તમારી આમ જ વૃદ્ધિ થતી રહે. તમારો નાનકડો દીકરો ખૂબ સુંદર છે. નાનકડા દીકરા તારી જિંદગીમાં ખુશીઓ અને સમૃદ્ધિ રહે. નિધિ માસી અને મોહિત માસુ.”
વિડીયોમાં જોઈ શકો છો કે નિધિ ઉત્તમ અને તેનો પતિ મોહિત મોહિનાના ઘરે પહોંચ્યા હતા. તેઓ કેક લઈને ગયા હતા. ત્યારે નવી મમ્મીએ કેક કાપી મોહિત અને નિધિને ખવડાવી હતી. સાથે જ નિધિ અને મોહિતે મોહિના-સુયશ અને તેમના દીકરા સાથે ફોટો પડાવ્યા હતા. મોહિનાએ નિધિના આ વિડીયો પર કોમેન્ટ કરતાં લખ્યું, “આવવા માટે ખૂબ ખૂબ આભાર. બેબી સૂમો ખૂબ ખુશ છે.” લાંબા સમય બાદ નિધિ અને મોહિનાની મુલાકાત થતાં ફેન્સ પણ તેમને જોઈને ખૂબ આનંદિત થયા હતા.
મોહિના કુમારી અને સુયશ રાવતના દીકરાનો જન્મ ૧૫ એપ્રિલ ૨૦૨૨ના રોજ થયો હતો. ગત મહિને કપલનો દીકરો એક મહિનાનો થતાં મોહિનાએ ફેન્સના કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં દીકરો તેના પપ્પા જેવો દેખાતો હોવાની વાત કરી હતી. આ સિવાય એક ફેને પૂછ્યું હતું કે, તેના દીકરાની સૌથી રમૂજી વાત કઈ લાગે છે. ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, ‘તે નાનકડો કુંભકરણ છે.’ નોંધનીય છે કે, મોહિના કુમારીએ ૨૦૧૯માં સુયશ રાવત સાથે લગ્ન કર્યા હતા.