ગુજરાતમાં નવી મહાનગરપાલિકાઓની રચના થઈ, ત્યારે મોરબીને પણ મહાનગરપાલિકાનો દરજ્જા આપવામાં આવ્યો હતો. ૨૬ એપ્રિલ ૨૦૨૬ ના રોજ જ્યારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે આ નવી મનપાના કુલ ૧૩ વોર્ડ અને ૫૨ બેઠકો પર પણ મતદાન યોજાયું હતું. આજે (૨૮ એપ્રિલ) આ ચૂંટણીના પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપે તમામ ૫૨ બેઠકો પર ભવ્ય જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યો છે. બીજી બાજુ, કોંગ્રેસ ખાતું ખોલાવ્યા વગર ‘શૂન્ય’ પર જ સમેટાઈ ગઈ છે.

નોંધનીય છે કે, મોરબી મહાનગરપાલિકામાં કુલ ૨,૦૮,૪૭૦ મતદારો નોંધાયેલા છે, જેમાં ૧,૦૮,૫૭૯ પુરુષ મતદારો અને ૯૯,૮૯૧ મહિલા મતદારો સામેલ છે. બીજી બાજુ, કેટલા મતદારોએ મત આપ્યો હતો તે અંગે વાત કરીએ તો ૧૩૬,૮૬૮ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં, ૭૫,૭૦૪ મત પુરુષ મતદારોના જ્યારે ૬૧,૧૬૪ મત મહિલા મતદારોએ આપ્યા હતા.