મોરબીના તીર્થક ગ્રુપ પર વહેલી સવારે ૫ઃ૩૦ વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટીના દરોડા પડતા શહેરમાં વિવિધ ચર્ચાઓના વંટોળ સર્જાયા છે. સમગ્ર ઘટનાને લઇ સૂત્રોએ જણાવ્યું હતુ કે આઇટીના દરોડા દરમિયાન મોટી માત્રામાં બે નામી વ્યહવાર હાથે લાગે તેવી શકયતા છે. ત્યારે એક જ સ્થળે ૭૦ જેટલી ટીમ એકી સાથે આ દરોડાની કામગીરીમાં જાડાઇ હતી.
ઉપરાંત આ ઘટનાને લઇ પોલીસ બંદોદસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે હાલ ઓફિસ, કારખાના તેમજ તીર્થક ગ્રુપના જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસ ચાલુ છે.
બીજી તરફ અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપરને ત્યાં ઈન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલા ધરતી સાકેત બિલ્ડર ત્યાં આઇટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વહેલી સવારથી આઇટીના અધિકારીઓની અલગ-અલગ ટીમો દરોડામાં જાડાઈ હતી. ત્યારે આ રેડમાં મોટી માત્રામાં બેનામી નાણાકીય વ્યવહાર સામે આવે તેવી શક્યતા જાવા મળી છે.
જ્યારે મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ પર પણ આઇટીએ દરોડા પાડ્યા હતા. જેમાં રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઇટીની ટીમ પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. જેમાં આશરે ૨૫થી વધુ સ્થળો પર ઈન્કમ ટેક્સ વિભાગે તપાસ હાથ ધરી હતી. ત્યારે આજ સવારથી મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસ હાથ કરવામાં આવી છે.