રાજકોટ આવકવેરા વિભાગે મોરબીમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લેવિસ સિરામિક ગ્રુપ સહિત ૪૦ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડામાં ૨૫૦ થી વધુ આવકવેરા અધિકારીઓએ ભાગ લીધો છે. આ કાર્યવાહીથી સિરામિક ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.સિરામિક નગરી મોરબીમાં આજે વહેલી સવારે ઇન્કમ ટેક્સ વિભાગે મોટા પાયે દરોડા પાડી ઉદ્યોગ જગતમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. લેવિસ સિરામિક ગ્રૂપ સહિત લગભગ ૪૦થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે મોરબીના જાણીતા સિરામિક ઉદ્યોગપતિઓ, બિલ્ડર્સ અને જમીનના ધંધાર્થીઓના મકાન, ઓફિસ તથા ફેક્ટરીઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરી. કુલ ૨૫૦થી વધુ અધિકારીઓ આ કાર્યવાહીમાં જાડાયા હતા.લેવિસ સિરામિક ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા લોકોના રહેઠાણો, ઓફિસો અને ફેક્ટરીઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજકોટમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન, મોટા પાયે બેનામી વ્યવહારો અને કરચોરી શોધી કાઢવાની શક્યતા જણાઈ રહી છે.પ્રાથમિક માહિતી મુજબ, આ દરોડામાં બેનામી વ્યવહારો અને કરચોરીના મોટા પુરાવા સામે આવવાની શક્યતા છે. આઇટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કાગળો, ડિજિટલ રેકોર્ડ્સ અને રોકડ અંગે તપાસ ચાલી રહી છે.મોરબીમાં જ નહીં, પરંતુ રાજકોટ શહેરમાં પણ સંબંધિત ઉદ્યોગપતિઓના સ્થળોએ સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. ટીમે અનેક સ્થળો પરથી દસ્તાવેજા તથા કમ્પ્યુટર હાર્ડડિસ્ક કબજે કર્યા છે.મોરબીનો સિરામિક ઉદ્યોગ આંતરરાષ્ટ્રિય સ્તરે ઓળખાયેલો છે. મોટા ગજાના ઉદ્યોગપતિઓ પર આવકવેરા વિભાગના દરોડા પડતા ઉદ્યોગજગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ઘણા વેપારીઓએ દાવો કર્યો કે આવી કાર્યવાહીથી “સફેદ ધંધો” કરનારાઓને પણ તપાસનો સામનો કરવો પડશે.મોરબીના સિરામિક ઉદ્યોગના હાઈપ્રોફાઈલ ખેલાડીઓ પર પડેલા આવકવેરા વિભાગના દરોડા આગામી દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસા લાવી શકે છે. કરચોરી અને બેનામી સંપત્તિના પુરાવા સામે આવતા સમગ્ર ઉદ્યોગ પર અસર થવાની શક્યતા છે.








































