મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આજે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલ્પેશ કથીરિયા તેમજ મોરબી જિલ્લાની પાટીદાર સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. ત્યારે વ્યાજખોરી, રોમિયોગીરી સહિતના જે સમાજ માટેના ચિંતાના વિષયો છે, તેવી મંચ ઉપરથી ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પાટીદાર સમાજના દીકરાઓ કે દીકરીઓ આર્થિક કારણોસર તેનો અભ્યાસ ન છોડે તેના માટે થઈને વિશેષ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા વ્યાજખોરોના ચંગોલમાં ફસાયેલા પાટીદાર સમાજના યુવાનો અને તેઓના પરિવારોને મુક્ત કરાવવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાં ખૂબ સારી સફળતા મળી છે. ત્યારે સમાજમાં ક્રાંતિ લાવવા માટે થઈને પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા મોરબીના પંચાસર રોડ ઉપર સત્યમ હાલ સામેના મેદાનમાં સ્નેહ મિલનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર અનામત આંદોલન સમયથી યુવા આગેવાન અલ્પેશ કથીરિયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોરબીમાં કાર્ય કરતી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો અને દાતાઓ હાજર રહ્યા હતા. પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ કઈ રીતે કામગીરી કરી રહી છે. તે સંસ્થાઓની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી. કયા કારણોસર આ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી આ સહિતની બાબતો વર્તમાન પેઢી જાણે તે માટે મંચ ઉપરથી તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પાટીદાર સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થયો છે તેની સાથોસાથ વ્યસન સહિતના કેટલાક દૂષણો ઘર કરી ગયા છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા તેમાંથી પાટીદાર સમાજને મુક્ત કરવા માટે થઈને આગેવાનો દ્વારા ખાસ ટકોર કરવામાં આવી હતી.સભાને સંબોધતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન થયું તેના કારણે આજે અનામતનો લાભ પાટીદાર સહિત દરેક સમાજને મળી રહ્યો છે અને તેનાથી વર્ષે સીધી નહીં તો આડકતરી રીતે સમાજને ૨૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. આ તકે ગુજરાતમાં પાટીદાર સહિત જુદાજુદા સમાજની દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જવાની જે ઘટનાઓ બને છે, તેને રોકવા માટે અને ઓનલાઈન ગેમીંગ રમડીને યુવાનોને વ્યાજના ચક્રમાં ફસાવવામા આવે છે. તે દૂષણને ડામવા માટે પણ પાટીદાર સમાજને સંગઠિત થવાની હાકલ કરી છે. મોરબી શહેર તથા જિલ્લાની અંદર પાટીદાર સમાજના હોશિયાર પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ સારા શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ ન છોડે તે માટે થઈને પાટીદાર સમાજ દ્વારા ચિંતા કરીને ઉમિયા ટ્રસ્ટ જે વર્ષોથી કાર્યરત હતું તેને વટ વૃક્ષ બનાવીને પાટીદાર સમાજના હોશિયાર વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જીનિયરિંગ સહિતના ક્ષેત્રમાં આગળ વધવા માટે અને પોતાની કારકિર્દી બનાવવા માટે મદદ રૂપ થવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ટ્રસ્ટમાં દરેક પાટીદાર પરિવાર પોતાની યથાશક્તિ મુજબ આર્થિક સહયોગ આપે તેવી હાકલ મનોજભાઇ પનારા દ્વારા કરવામાં આવી હતી અને અંતમાં તેઓએ કહ્યું હતું કે, મોરબી જિલ્લામાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે ગુંડાગીરી, લૂખ્ખાગીરી અને રોમિયોગીરી ઉપર કંટ્રોલ આવ્યું છે પરંતુ હજુ તેને ૧૦૦ ટકા નાબૂદ કરવા માટે આ સંગઠન કામ કરી રહ્યું છે.








































