મોરબીથી સૌથી વધુ ચોંકાવનારા અને મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૪૧ મૃતકોના હતભાગી પરિવારોને આંચકો આપનારા સમાચાર સામે આવ્યા છે. મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની કડવા પાટીદારોના એક ધાર્મિક કાર્યક્રમમાં મોદક તુલા કરવામાં આવી. મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનામાં જયસુખ પટેલની કંપની દ્વારા નબળી ગુણવત્તાનું મટિરીયલ વાપરતા બ્રિજ તૂટ્યો હોવાનો ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમા કોર્ટે જયસુખ પટેલને કસૂરવાર પણ ઠેરવ્યો છે.
મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨નો એ ગોજારો રવિવાર.. અનેક લોકો રવિવારની રજા અને દિવાળીનુ વેકેશન હોવાથી પરિવાર સાથે ઝૂલતા પૂલ પર બાળકો સાથે મજા માણવા માટે ગયા હતા અને બ્રિજ પર ક્ષમતા કરતા વધુ ભીડ થઈ જતા આ કેબલ બ્રિજ કડડભૂસ કરતા તૂટી પડ્યો અને બ્રિજ પર રહેલા તમામ લોકો નીચે મચ્છુ નદીમાં ખાબક્યા. જેમા અનેક નાના બાળકો સહિત ૧૪૧ લોકોના મોત થયા અને ૧૮૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. આ ઝૂલતા પૂલના નવિનીકરણનો કોન્ટ્રાક્ટ જયસુખ પટેલની ઓરેવા ગૃપની કંપનીને અપાયો હતો અને તપાસમાં સીધી રીતે કંપનીની બેદરકારી સામે આવી. આ કેબલ બ્રિજમાં અત્યંત નબળી ગુણવત્તાનું મટિરીયલ વપરાયુ હોવાનુ પણ સામે આવ્યુ ત્યારે કંપનીના માલિક સામે ગુનો નોંધાયો અને હાલ તે શરતી જામીન પર બહાર છે.
અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે જે વ્યક્તિનું આરોપીઓમાં નામ છે તેની મોદક તુલા કેમ? ૧૪૧ લોકોના મોતના આરોપીને સમાજનું સન્માન કેમ? શું જયસુખ પટેલ સમાજનો મોભી બનવાનો પ્રયાસ કરી રહ્યો છે? શું આવા ધાર્મિક કાર્યક્રમોમાં મોદલ તુલાથી જયસુખના પાપ ધોવાઇ જશે? શું જયસુખ પટેલ નિર્દોષ હોવાનો દેખાડો કરી રહ્યો છે? ઘટના એક છે પરંતુ સવાલો અનેક આ દ્રશ્યોએ તમામ લોકોને પરેશાન કરનારા છે જેમણે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે. આપને જણાવી દઇકે જયસુખ પટેલની મોદક તુલા બાદ ૬૦ હજાર બોક્સમાં ભરીને, મોદક કડવા પાટીદાર પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.