મોદી ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા તેથી ૭ ઓક્ટોબરે મોદીની શાસક તરીકેની બે દાયકાની સફર પૂરી થશે. મુખ્યમંત્રી તરીકે પોણા ૧૩ વર્ષ ગુજરાત પર શાસન કર્યા પછી મોદી ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા. દેશના વડાપ્રધાનપદે મોદીએ આ વરસના મે મહિનામાં સાત વર્ષ પૂરાં કરી લીધાં હતાં, અત્યારે વડાપ્રધાન તરીકે મોદીનું આઠમું વરસ ચાલે છે. મોદીએ ૨૦૧૪માં લોકસભામાં ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવી પછી ગુજરાતના મુખ્યમંત્રીપદેથી ૨૨ મે, ૨૦૧૪ના દિવસે રાજીનામું આપ્યું હતું. મોદીએ ૨૬, મે ૨૦૧૪ના દિવસે વડાપ્રધાનપદના શપથ લીધા હતા. આમ નરેન્દ્ર મોદી વચ્ચેના ચાર દિવસ સત્તામાં નહોતા. અલબત્ત આ ચાર દિવસ માટે પણ એ દેશના વડાપ્રધાનપદે ચૂંટાયેલા તો હતા જ પણ શપથ નહોતા લીધા એ જોતાં તેમનો શાસક તરીકેનો સમયગાળો સળંગ જ ગણાય.
આ સળંગ બે દાયકાનો સમય ૭, ઓક્ટોબર ૨૦૨૧ના રોજ પૂરો થશે અને મોદી કોઈ પણ સરકારના વડા તરીકે ૨૦ વર્ષ પૂરાં કરીને એકવીસમા વર્ષમાં પ્રવેશ કરશે. ભાજપે મોદીના જન્મદિન એટલે કે ૧૭સપ્ટેમ્બરથી મોદી શાસનનાં ૨૦ વર્ષ પૂરાં થવા નિમિત્તે ૨૦ દિવસની ઉજવણી પણ શરૂ કરી દીધી છે. મોદી ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા તેથી ૭ ઓક્ટોબર સુધી આ ઉજવણી ચાલશે.
મોદીની આ બે દાયકાની સફર અત્યંત રોમાંચક રહી છે. ભારે રાજકીય ચડાવઉતાર અને નાટકીય ઘટનાક્રમ આ બે દાયકામાં જોવા મળ્યા છે. અત્યારે મોદીની સર્વોપરિતાના દિવસો છે અને વડાપ્રધાન તરીકે મોદી સામે કોઈ પડકાર દેખાતો નથી પણ પહેલાં આ સ્થિતી નહોતી. મોદીએ પણ ઘણા પડકારોનો સામનો કર્યો છે અને તેને પાર કરીને આગળ વધ્યા છે પણ સૌથી મોટો પડકાર મુખ્યમંત્રીપદની શરૂઆતમાં જ ગુજરાતનાં રમખાણોના રૂપમાં આવ્યો હતો.
મોદી મુખ્યમંત્રી બન્યા તેના છ મહિનામાં જ થયેલાં કોમી રમખાણોએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. સાથે સાથે મોદીની ગાદીના પાયા પણ હચમચાવી દીધા હતા. એ વખતે એવું લાગતું હતું કે, મોદી ઝીંક નહીં ઝીલી શકે ને ગાદી છોડવી પડશે. મોદી માટે એ કપરા દિવસો હતા પણ મોદી ઝીંક ઝીલી ગયા ને મુખ્યમંત્રીપદે ટકી ગયા.
ગુજરાતીમાં કહેવત છે કે, અણી ચૂક્યો સો વર્ષ જીવે.
મોદીના કિસ્સામાં આ કહેવત શત પ્રતિશત સાચી પડી.

ગુજરાતનાં રમખાણો ગુજરાત અને દેશના રાજકારણમાં પણ ટ‹નગ પોઈન્ટ છે. અયોધ્યાથી પાછા ફરતા ૫૮ રામસેવકોને ગોધરા રેલ્વે સ્ટેશને જીવતા સળગાવીને મોતને ઘાટ ઉતારાયા તેના પગલે ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નિકળ્યાં હતાં. ગોધરા રેલ્વે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ રોકીને ૫૯ હિન્દુઓને જીવતા ભૂંજી દેવાયા તેના બીજા દિવસે એટલે કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ રમખાણો શરૂ થયાં ને આખું ગુજરાત ભડકે બળ્યું હતું. ૨૦૦૨નાં કોમી રમખાણો વખતે ઠેક ઠેકાણે લોકોને ભાજીમૂળાની જેમ રહેંસી નંખાયેલા. આ તોફાનોમાં સત્તાવાર રીતે સાડા આઠસો જેટલાં લોકોનાં મોત થયેલાં પણ બિનસત્તાવાર રીતે આંકડો મોટો હતો. ગુજરાતમાં ઠેર ઠેર મોટા નરસંહાર થયા હતા ને હજારો લોકો બેઘર બન્યાં હતાં.
આ તોફાનો પછી મોદી ભારે ભીંસમાં હતા ને તેમના પર ટીકાની ઝડી વરસી હતી. મોદીએ તોફાનો ભડકાવ્યાં અને તેમણે રમખાણગ્રસ્તોને મદદ કરવાના બદલે તોફાનીઓને છૂટો દોર આપેલો એવું ચિત્ર ઉભું કરી દેવાયેલું. આ ચિત્ર અંગ્રેજી મીડિયાએ ઉભું કરેલું. દંભી સેક્યુલર જમાતે ને અંગ્રેજી મીડિયાએ ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણોને બહુ મોટાં ચિતરી નાખ્યાં હતાં. ગુજરાતમાં મુસ્લિમોને વિણી વિણીને સાફ કરાયા હોય તે પ્રકારની સ્ટોરીઝ, અત્યાચારની મનઘડંત વાતો ને દયામણા ચહેરે ઉભેલા મુસ્લિમોની જુદા જ પ્રસંગની તસવીરો દ્વારા તેમણે રમખાણોનું અલગ ચિત્ર ઉભું કર્યું હતું.
મોદીએ એ વખતે જે વલણ અપનાવ્યું તેના કારણે તેમની પાકા હિન્દુવાદી તરીકેની ઈમેજ બની ગઈ ને તેમાં ભાજપ તરી ગયો. ગોધરાકાંડના કારણે હિન્દુ ભડકી ગયેલા ને મોદીએ તેનો લાભ લેવા યાત્રા કાઢીને જે ડાયલોગબાજી કરી તે સાંભળીને હિન્દુઓ તેમના પર ઓળઘોળ થઈ ગયેલા. મોદીએ ‘એક્શનની સામે રીએક્શન’ની વાત કરી તેના કારણે હિંદુઓ ખુશ થઈ ગયેલા. તેના કારણે સાવ પતી ગયેલો ભાજપ પાછો બેઠો થઈ ગયો. મોદીએ તેનો લાભ લેવા ૨૦૦૨ની ગુજરાતની ચૂંટણી છ મહિના વહેલી કરાવી દીધી હતી ને રમખાણોના કારણે પેદા થયેલી હિંદુવાદની લહેરના કારણે મોદી જંગી બહુમતીથી જીતી ગયેલા. આ રમખાણોના કારણે મોદીની ચુસ્ત હિંદુવાદીની ઈમેજ ઉભી થઈ ને મોદી માટે વડાપ્રધાનપદ સુધી પહોંચવાનો તખ્તો ઘડાયો.

ગુજરાતનાં રમખાણોએ કોંગ્રેસના પતનનો પણ પાયો નાંખ્યો. ગુજરાતનાં રમખાણોના મામલે કોંગ્રેસે બહુ ધમાધમી કરી હતી. કોંગ્રેસે રમખાણોને રાજકીય મુદ્દો બનાવીને તેનો લાભ લેવામાં કોઈ કસર છોડી નહોતી. ગુજરાતનાં ૨૦૦૨ના રમખાણો પછી યોજાયેલી પહેલી ચૂંટણીમાં કોંગ્રેસે રમખાણોનો મુદ્દો ચગાવ્યો હતો પણ લોકોએ તેને ના સ્વીકાર્યો. કોંગ્રેસે ૨૦૦૭ના રમખાણોમાં પાછું એ જ વાજું વગાડેલું. સોનિયા ગાંધીએ તો નરેન્દ્ર મોદી માટે મૌત કા સૌદાગર જેવો શબ્દ વાપરી નાંખેલો. કોંગ્રેસના એ બધા દાવ ઉંધા પડેલા ને મોદી ફરી જીતી ગયેલા.
કોંગ્રેસ ચૂંટણીમાં હારી છતાં તેણે આ મુદ્દાને છોડ્‌યો નહીં અને મોદીને અંગત રીતે નુકસાન કરવાના ઉધામા ચાલુ રાખેલા.
ગોધરામાં હત્યાકાંડ સર્જવામાં આવ્યો તેના કારણે હિંદુઓનો આક્રોશ ભડકેલો ને તેનું રીએક્શન તોફાનો સ્વરૂપે આવ્યું. આ તોફાનોમાં લોકો મર્યા એ શરમજનક કહેવાય પણ માત્ર મુસ્લિમો મર્યા એવું નહોતું. હિંદુઓ પણ મર્યા જ હતા છતાં કોંગ્રેસે મુસ્લિમો જ મર્યા છે એવો સતત પ્રચાર કર્યો. આ સિવાય ગુજરાતનાં રમખાણો નરેન્દ્ર મોદીએ કરાવેલાં અને તેમની સરકારના ઈશારે મુસ્લિમોની કત્લેઆમ થઈ એ વાત દમ વિનાની હતી છતાં કોંગ્રેસે વરસો સુધી એ જ રેકર્ડ વગાડ્‌યા કરી. મોદીને ખલનાયક ચિતરવા માટે કોંગ્રેસે પૂરી તાકાત લગાવી દીધી હતી.
કોંગ્રેસ એ વખતે કેન્દ્રમાં સત્તામાં હતી તેથી સરકારી એજન્સીઓનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદી સુધ્ધાંને ફિટ કરી દેવાના ઉધામા શરૂ કર્યા. નરેન્દ્ર મોદીને આરોપીના કઠેરામાં ઉભા કરવા માટે કોંગ્રેસે પોતાના પીઠ્ઠુઓને આગળ કરેલા. રમખાણોના કેસમાં નરેન્દ્ર મોદીને આરોપી બનાવવા કોંગ્રેસના નેતા અહેસાન જાફરીનાં વિધવા ઝાકિયા જાફરીએ મોરચો માંડેલો ને છેક સુપ્રીમ કોર્ટ લગી લડેલાં. તેમની અરજીના આધારે સુપ્રીમ કોર્ટે ગુજરાતનાં રમખાણોના કેસોની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) રચી હતી. આ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી દીધેલી છતાં કોંગ્રેસ સતત આ મુદ્દાને ચગાવતી રહી.
કોંગ્રેસના આ ઉધામાના કારણે ધીરે ધીરે તેની મુસ્લિમ તરફી પાર્ટી તરીકેની ઈમેજ પ્રબળ બનતી ગઈ. કોંગ્રેસનું હિદી બેલ્ટ અને પશ્ચિમ ભારતમાં સાવ ધોવાણ થઈ ગયું છે તેનું કારણ આ મુસ્લિમ પાર્ટી તરીકેની ઈમેજ છે. કોંગ્રેસના આ ધમપછાડાના કારણે મોદીની હિંદુઓના મસિહા તરીકેની ઈમેજ મજબૂત બનતી ગઈ.
આ ઈમેજે જ મોદીને વડાપ્રધાનપદ અપાવ્યું. મોદીને આ વાવાઝોડામાંથી લાલકૃષ્ણ અડવાણીએ બચાવ્યા હતા.
મોદીની રાજકીય કારકિર્દીને ઘડવામાં અડવાણીનું મોટું યોગદાન છે. અડવાણીએ ૧૯૯૦માં કાઢેલી સોમનાથથી અયોધ્યાની રથયાત્રા વખતે મોદી પહેલી વાર લાઈમલાઈટમાં આવ્યા હતા.
એ પછી અડવાણીની મહેરબાનીથી મોદી ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયા ને છેવટે ૨૦૦૧માં કેશુભાઈ પટેલને હટાવાયા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. એ વખતે ભાજપમાં અટલ બિહારી વાજપેયીના નામના સિક્કા પડતા હતા. વાજપેયી વડાપ્રધાન હતા ને ભાજપમાં વાજપેયીને ઉથાપવાની કોઈની તાકાત નહોતી. મોદીના શાસનમાં ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો થયાં ત્યારે વાજપેયી મોદીથી ખફા હતા. વાજપેયીએ મોદીને ‘રાજધર્મ’ નિભાવવાની સલાહ જાહેરમાં આપી હતી. ભાજપના સાથી પક્ષો પણ રમખાણોના કારણે નારાજ હતા ને વાજપેયી પર મોદીને હટાવવા માટે જોરદાર દબાણ હતું.
મોદીના માથે પણ માછલાં ધોવાતાં હતાં ને તેમના પર પણ એટલું દબાણ હતું કે, ૨૦૦૨માં ગોઆ ભાજપની કારોબારીમાં તેમણે રાજીનામું ધરી દીધું હતું. એ વખતે ભાજપની નેતાગીરી મોદીને રવાના કરીને જવાબદારીથી હાથ ખંખેરવાના મૂડમાં હતી તેથી મોદીનું રાજીનામું સ્વીકારી લેવાશે એ નક્કી હતું. લાલકૃષ્ણ અડવાણી એ વખતે નાયબ વડાપ્રધાન હતા. અડવાણી મોદીની પડખે અડીખમ ઉભા રહ્યા હતા. તેમણે ભાજપ કારોબારી પાસે મોદીનું રાજીનામું નામંજૂર કરાવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રીપદેથી મોદીને દૂર નહોતા કરવા દીધા. અડવાણીના કારણે મોદી બચી ગયા ને પછી તેમણે શું પ્રગતિ કરી એ સૌએ જોયું જ છે.
કમનસીબે ભાજપમાં મોદીનો ઉદય થયો ને મોદીના નામના સિક્કા પડવા માંડ્‌યા પછી સૌથી પહેલો ભોગ અડવાણીનો જ લેવાયો. મોદીએ પોતાને બચાવનારા અડવાણીને નિવૃત્તિ લેવડાવી દીધી અને સાવ નવરા કરી દીધા.
ખેર, એ અલગ મુદ્દો છે.
અત્યારે મોદીનું વર્ચસ્વ જોતાં મોદી સામે કોઈ પડકાર નથી તેથી એ બીજાં પાંચેક વરસ ખેંચી શકે તેમ છે. એક દાયકો પણ ખેંચી નાંખે ને સળંગ ત્રણ દાયકા સુધી સત્તામાં રહેનારા પહેલા ભારતીય શાસક બનીને નવો ઈતિહાસ પણ રચી શકે.