૧૬ ડિસેમ્બર ૧૯૭૧ની ઐતિહાસિક જીતનો આનંદ આજે પણ દરેક ભારતીયને ગર્વ અનુભવ કરાવે છે. ૧૯૭૧ના યુદ્ધને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. આ દિવસ ભારતીય સેનાના અદમ્ય સાહસ અને બહાદુરીને સલામ કરવાનો દિવસ છે. આ ખાસ દિવસે, વડાપ્રધાન મોદી એ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે સુવર્ણ વિજય મશાલના સ્વાગતમાં હાજરી આપી હતી.
વિજય દિવસની ૫૦મી વર્ષગાંઠ પર મોદી એ વોર મેમોરિયલ પર પહોંચીને વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે હું મુક્તિ લડવૈયાઓ, વીરાંગનાઓ અને ભારતીય સશસ્ત્ર દળોના નાયકો દ્વારા મહાન બહાદુરી અને બલિદાનને યાદ કરું છું. આપણે સાથે મળીને દમનકારી દળો સામે લડ્યા અને તેમને હરાવ્યા. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરી દરેક ભારતીય માટે વિશેષ મહત્વ ધરાવે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્‌વીટ કર્યું હતું કે ભારતીય સૈનિકોની અદભૂત હિંમત અને બહાદુરીના પ્રતીક ‘વિજય દિવર્સની સુવર્ણ જયંતિ પર હું બહાદુર સૈનિકોને નમન કરું છું. ૧૯૭૧માં આ દિવસે ભારતીય સેનાએ દુશ્મનોને હરાવીને માનવીય મૂલ્યોનું જતન કરવાની પરંપરાના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેર્યો હતો. સૌને વિજય દિવસની શુભકામનાઓ.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્‌વીટ કર્યું કે ગોલ્ડન વિજય દિવસના અવસર પર, અમે ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન આપણા સશસ્ત્ર દળોના સાહસ અને બલિદાનને યાદ કરીએ છીએ. ૧૯૭૧નું યુદ્ધ ભારતના સૈન્ય ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય છે. અમને અમારા સશસ્ત્ર દળો અને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે.