(એ.આર.એલ),દેવઘર,તા.૧૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેમને થોડો સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. પ્લેનમાં ખામીને કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડ-બિહાર સરહદે જમુઈની મુલાકાતે હતા અને દેવઘર એરપોર્ટથી દિલ્હી પાછા ફરવાનું હતું. પરંતુ, છેલ્લી ઘડીએ તેમના પ્લેનમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેમને થોડો સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું.
આ પહેલા, પીએમ મોદીએ આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતિના અવસર પર બિહારના જમુઈથી રૂ. ૬,૬૪૦ કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ જમુઈ જિલ્લાના એક દૂરના ગામમાં “આદિવાસી ગૌરવ દિવસ” નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વર્ષ ૨૦૨૧ થી, બિરસા મુંડાની જન્મજયંતિ “આદિવાસી ગૌરવ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. તેમણે મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું પણ અનાવરણ કર્યું હતું.
અગાઉ, બિરસા મુંડાની જન્મજયંતિ પર, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે ભગવાન બિરસા મુંડા જીના આદર્શો માત્ર આદિવાસીઓ માટે જ નહીં પરંતુ દેશના તમામ સમુદાયોના યુવાનો માટે પણ ગૌરવ અને પ્રેરણાનો સ્ત્રોત છે.
જ્યારે પીએમ મોદીના વિમાનમાં દેવઘરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં ફસાઈ ગયું હતું. એટીએસે તેમના હેલિકોપ્ટરને ટેક ઓફ કરવા દીધું ન હતું. તેમનું હેલિકોપ્ટર લગભગ અડધા કલાક સુધી સ્થિર રહ્યું હતું. કોંગ્રેસે આ માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી છે.