નરેન્દ્ર મોદી સરકારે ફરી પરિપક્વતા બતાવી.

ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ મુસ્લિમો માટે પૂજનિય મોહમ્મદ પયગંબર સાહેબ વિશે કરેલા નિવેદનના કારણે બબાલ થઈ ગઈ. 27 મેએ એક નેશનલ ટીવી ચેનલ પર વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અંગેની ચર્ચામાં ભાજપનાં પ્રવક્તા તરીકે નૂપુર શર્માએ કરેલી કોમેન્ટ્સના કારણે ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિંસા થઈ ગઈ.

બીજી તરફ  કતારસાઉદી અરેબિયાઓમાનબહેરીનકુવૈતઇરાક, યુએઈ સહિતના આરબ દેશોએ પણ નૂપુરના નિવેદન સામે ઉગ્ર વિરોધ નોંધાવીને વાંધો ઉઠાવ્યો.

મુસ્લિમ રાષ્ટ્રોના આક્રોશના પગલે  ભાજપે નૂપુર શર્માને તો ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી જ દીધાં પણ નૂપૂરની વાતને ટેકો આપનારા દિલ્હી ભાજપના પ્રવક્તા નવિન કુમાર જિંદાલને પણ કાઢી મૂક્યા. ભાજપે સત્તાવાર રીતે તો આ નિવેદનની ઝાટકણી કાઢીને સ્પષ્ટતા કરી જ પણ વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટતા કરવી પડી.

ભાજપે સાફ શબ્દોમાં કહ્યું કે, ભાજપ તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈ પણ ધર્મના પૂજનિય લોકો સામેની ટીપ્પણીને ભારત પ્રોત્સાહન નથી આપતું.   ભારતીય વિદેશ મંત્રાલયે આરબ રાષ્ટ્રોને સાફ શબ્દોમાં કહ્યું કે, નૂપુર શર્માએ જે નિવેદન આપ્યું છે તે નૂપુરનું વ્યક્તિગત નિવેદન હતું.  તેને ભારત સરકાર સાથે કોઈ લેવાદેવા નથી.

નૂપૂરના નિવેદનને પાકિસ્તાન અને તેના આંગળિયાત એવા મુસ્લિમ રાષ્ટ્રોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (ઓઆઈસી) દ્વારા કોમી રંગ આપવાનો પ્રયાસ કરાયેલો. ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે એવી બકવાસ વાતો બંનેએ શરૂ કરી દીધેલી. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અને ઓઆઈસી દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી અને છિછરી માનસિકતા ધરાવતી કોમેન્ટને ફગાવીને સ્પષ્ટ કર્યું કે,  ભારત સરકાર તમામ ધર્મોનું સન્માન કરે છે.

///////////////////////////////////

મોદી સરકારના વલણથી ઘણા હિંદુવાદી નારાજ છે.

વિશ્વ હિંદુ પરિષદ સહિતનાં સંગઠનોએ નૂપૂર શર્માને ટેકો આપ્યો છે. ભાજપનાં સાધ્વી પ્રાચી સહિતનાં લોકો પણ નૂપુરની તરફેણમાં કૂદી પડ્યાં છે. કેટલાક ઉગ્રવાદી વિચારધારા ધરાવતાં લોકો મોદી સરકાર આરબ દેશો સામે ઝૂકી ગઈ એવો બળાપો પણ કાઢી રહ્યાં છે પણ મોટા ભાગનાં લોકો મોદી સરકારના વલણને બે કારણશર યોગ્ય ઠેરવી રહ્યા છે, સમજદારીભર્યું ગણાવી રહ્યાં છે.

પહેલું કારણ એ કે, મોદી સરકારે પયગંબર સાહેબ સામેના નિવેદન બદલ નૂપૂરને સસ્પેન્ડ કરીને સ્પષ્ટ મેસેજ આપ્યો કે, કોઈ પણ ધર્મના પૂજનિય લોકો સામેના લવારા ભાજપ ચલાવતું નથી. તેના કારણે ભારતમાં કોમવાદને ભડકાવીને હિંદુ અને મુસ્લિમોને લડાવી મારવાની મેલી મુરાદ ધરાવનારાં લોકોના હાથ તો હેઠા પડ્યા જ પણ પાકિસ્તાન અને ઓઆઈસીના બદઈરાદા પણ સફળ ના થયા.

ઓઆઈસીએ ભારતની આકરી ટીકા કરીને યુનાઈટેડ નેશન્સને ભારત સામે પગલાં લેવા અપીલ કરી હતી. ઓઆઈસીનું કહેવું હતું કેભારતમાં મુસ્લિમોને નિશાન બનાવવાનું વલણ વધતું જાય છે તેની સામે યુનાઈટેડ નેશન્સે જરૂરી પગલાં ભરવાં જોઈએ. પાકિસ્તાને પણ તેમાં સૂર પુરાવ્યો હતો.

મોદી સરકાર ચૂપ રહે કે નૂપુર સામે પગલાં ના ભરે તો આ વાતોને સમર્થન મળે પણ સરકારે એવું ના થવા દીધું. તેના કારણે આખી વાતની હવા નિકળી ગઈ.

બીજું કારણ એ કે, આરબ રાષ્ટ્રોનો આક્રોશ શમી ગયો.

આરબ દેશોની નારાજગી ભારતને ભારે પડી શકે કેમ કે ભારત માટે આ દેશો બહુ મહત્વના છે. જે લોકો કોમવાદના ચશ્માં ચડાવીને દરેક વાતને જુએ છે તેમને આ વાત ના સમજાય પણ વસ્તવિકતા એ છે કે, મુસ્લિમ રાષ્ટ્રો આડાં ફાટે તો ભારતના વિકાસને બહુ મોટો ફટકો પડી જાય, ભારતીયોનું રોજબરોજનું જીવન ખોરવાઈ જાય.

///////////////////////////////////

આરબ રાષ્ટ્રો ભારત માટે ત્રણ રીતે મહત્વનાં છે.

પહેલું એ કે, આરબ દેશો ભારતનાં સૌથી મોટાં બિઝનેસ પાર્ટનર છે.

બીજું એ કે, ભારત ક્રુડ માટે આરબ રાષ્ટ્રો પર બહુ નિર્ભર છે.

ત્રીજું એ કે, આરબ દેશો ભારતીયોને સૌથી વધારે રોજગારી આપે છે ને આરબ દેશોમાંથી ભારતમાં કલ્પના ના કરીએ એટલાં નાણાં ઠલવાય છે.

સાઉદી અરેબિયાઓમાનકતારકુવૈતબહેરીન અને સંયુક્ત આરબ અમીરાત જેવા ધનિક આરબ દેશો ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ (GCC) વામે સંગઠન ચલાવે છે. આ જીસીસી  ભારત સાથે બિઝનેસ કરતાં સૌથી મોટાં વેપારી સંગઠનોમાં એક છે. ભારત આ દેશોમાં મોટા પ્રમાણમાં માલની નિકાસ કરે છે. 2021-22માં ચીન અને અમેરિકા પછી યુએઈ ભારતનું ત્રીજા નંબરનું બિઝનેસ પાર્ટનર હતું. સાઉદી અરેબિયા ચોથા અને ઈરાક પાંચમા નંબરે છે.  કતારનો હિસ્સો ભારતના કુલ વેપારમાં માત્ર 1.4 ટકા છે પણ કતાર ભારત માટે નેચરલ ગેસનો સૌથી મોટો સપ્લાયર હોવાથી તેને અવગણી શકાય તેમ નથી.

ભારત આ દેશો પર ક્રુડ માટે નિર્ભર છે.

જીસીસીના સભ્ય  દેશો પાસે  ક્રૂડ ઓઇલ અને ગેસનો ભંડાર છે. ભારતમાં વાહનો માટેના પેટ્રોલ-ડીઝલથી માંડીને વીજળી ઉત્પન્ન કરવા જરૂરી કાચો માલ આરબ રાષ્ટ્રો પાસેથી મળે છે. ભારતની પેટ્રોલિયમની 84 ટકાથી વધુ જરૂરિયાત આયાત દ્વારા પૂરી થાય છે. ભારતે 2021-22માં 42 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. ભારતમાં ક્રૂડ આયાતમાં આરબ રાષ્ટ્રોનો ફાળો 80 ટકાથી વધુ છે.

ભારત વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઇરાક પાસેથી લે છે.  ભારતની જરૂરીયાતના  22 ટકા ક્રુડ ઈરાક પાસેથી લે છે જ્યારે સાઉદી અરેબિયાનો હિસ્સો 18 ટકા છે. ભારતને ક્રુડ આપવામાં ઈરાક પહેલા નંબરેઅમેરિકા બીજા અને નાઈજીરિયા ત્રીજા નંબરે છે. પહેલાં ઈરાન પાસેથી પણ ભારત મોટા પ્રમાણમાં ક્રુડ લેતું પણ અમેરિકાના પ્રતિબંધો પછી ઈરાનથી મળતું ક્રુડ ઘટી ગયું છે. અત્યારે સાઉદી અરેબિયા ચોથા નંબરે છે પણ ભારત સાઉદી અરેબિયામા મોટા પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની નિકાસ કરે છે તેથી સાઉદી વધારે મહત્વનું છે.

આરબ દેશોમાં 1.34 કરોડ ભારતીયો કામ કરે છે.

આ પૈકી યુએઈમાં 35 લાખસાઉદી અરેબિયામાં 26 લાખ અને કુવૈતમાં 10 લાખ ભારતીયો કામ કરે છે. વિશ્વમાં રેમિટન્સ એટલે કે  બીજા દેશમાંથી વતનમાં નાણાં મોકલવામાં ભારતીયો મોખરે છે. 2020માં ભારતીયોએ 83.15 અબજ ડોલર ભારતમાં મોકલ્યા હતા ને તેમાંથી 50 ટકાથી વધારે રકમ અખાતના દેશોમાંથી મોકલાઈ હતી. તેમાં યુએઈનો હિસ્સો 27 ટકાસાઉદી અરેબિયાનો 11.6 ટકાકતારનો 6.4 ટકાકુવૈતનો 5.5 ટકા અને ઓમાનનો હિસ્સો ટકા હતો.

આ કારણોસર ભારત આરબ દેશોને ના અવગણી શકે.

//////////////////

મોદી પણ નહેરૂના રસ્તે ચાલ્યા છે.

જવાહરલાલ નહેરૂના યોગદાન સામે સતત સવાલો કરતા અને નહેરૂને ગાળો ભાંડતા ભક્તોને આ વાત નહીં ગમે પણ આ વાસ્તવિકતા છે. નહેરૂએ આઝાદી પછી મુસ્લિમ  આરબ દેશોને ખુશ રાખીને તેમની સાથે સંબંધો ગાઢ બનાવવાની નીતિ અપનાવી હતી.

મોદીએ પણ એ જ કર્યું છે.

આરબોને ખુશ રાખવા માટે નહેરૂએ ઈઝરાયલ સાથે અંતર રાખવાની નીતિ અપનાવી તેની પણ ભારે ટીકા થાય છે પણ અત્યારે મોદીએ મજબૂરીના કારણે આરબ રાષ્ટ્રોને ખુશ રાખવા પડે છે તેના કરતાં એ વખતે સંજોગો વધારે કપરા હતા. ભારત એ વખતે જે સ્થિતીમાં હતું એ સ્થિતીમાંથી ઉપર રાખવા આરબ રાષ્ટ્રોને રાજી રાખ્યા વિના છૂટકો જ નહોતો.

ભારત 1947માં આઝાદ થયું જ્યારે ઈઝરાયલ 1948માં અસ્તિત્વમાં આવ્યું. યહૂદીઓના નવા દેશ ઈઝરાયલને માન્યતા આપનારા દેશોમાં ભારત પહેલો દેશ હતો પણ નહેરૂએ ઈઝરાયલથી આઘા રહેવાનું પસંદ કર્યું.  તેનું કારણ એ હતું કે આપણાં હિતો એ વખતે આરબ રાષ્ટ્રો સાથે વધારે સંકળાયેલાં હતાં.

અત્યારે આરબ રાષ્ટ્રો અને ઈઝરાયલ વચ્ચે એટલી કડવાસ નથી પણ એ વખતે આરબો ઈઝરાયલને એ હદે નફરત કરતા કે તેનો પડછાયો લેનારને પણ પસંદ નહોતાં કરતાં.

ભારત નવો નવો આજાદ થયેલો દેશ હતો તેથી  ભારતની હાલત બહુ ખરાબ હતી. અંગ્રેજો આપણને ભિખારી બનાવીને ગયેલા. બીજી તરફ આપણી વસતી એટલી બધી હતી કે, તેને બે ટંક પેટ ભરવા માટેનું જરૂરી અનાજ પણ આપણે ત્યાં નહોતું પાકતું. દેશમાં મોટા ઉદ્યોગો નહોતા ને બેકારી ભારે હતી.

બીજી તરફ આરબ રાષ્ટ્રોમાં ક્રુડ ઓઈલના કૂવાઓના કારણે પેટ્રો ડોલરની રેલમછેલ શરૂ થઈ ગયેલીવિદેશી કંપનીઓ આકબ રાષ્ટ્રોમાં આવવા માંડેલી કંપનીઓને સસ્તા ભાવે મજૂરો જોઈતા હતા તેથી આપણે ત્યાંથી લાખોની સંખ્યામાં લોકો આરબ દેશોમાં રોજગારી માટે જતા હતા. આજેય વિદેશમાં સૌથી વધારે ભારતીયો સાઉદી અરેબિયા ને યુનાઈટેડ આરબ અમિરાત સહિતના આરબ દેશોમાં રહે છે.

આપણે ઈઝરાયલના પડખામાં ઘૂસીએ તો આરબ દેશો ભારતીય મજૂરોને લાત મારીને તગેડી મૂકે એવી હાલત હતી.  આપણે પેટ્રોલ-ડીઝલ માટે પણ આરબ રાષ્ટ્રોના ઓશિયાળા હતા. ઈઝરાયલની તરફદારી કરવા જતાં આરબ દેશો વંકાઈને આપણને ક્રુડ ઓઈલ આપવાનું બંધ કરે તો આપણને બૂચ વાગી જાય તેમ હતો. આ કારણે નહેરૂએ જખ મારીને આરબ રાષ્ટ્રો તરફ પ્રેમ બતાવવો પડે એમ હતો.

મોદીએ પણ આ જ કારણોસર આરબ રાષ્ટ્રોની નારાજગીની ચિંતા કરવી પડે છે. આઝાદીના સાડા દાયકા પછી પણ સ્થિતી બદલાઈ નથી.