નવા વર્ષનાં પ્રથમ દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્યનમસ્કાર સમારોહ યોજાયો હતો. આ સૂર્ય નમસ્કાર સમારોહમાં ૨૫૦૦ થી વધુ લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યનાં વિવિધ ૧૦૭ આઈકોનિક સ્થળએ યોજી ગીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમની નોંધ લેવાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જીલ્લાનાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન આજે ૧લી જાન્યુઆરી ૨૦૨૩ નાં રોજ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જીલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલી જાડાયા હતા. નવા વર્ષનાં પ્રથમ દિવસે સામુહિક સૂર્ય નમસ્કાર કરી ગુજરાત રાજ્યએ વિશ્વ વિક્રમ સ્થપાય તેવા પ્રયત્ન હાથ ધર્યો હતો.
આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષનો પ્રથમ દિવસે સૂર્યની પ્રથમ કિરણ જે સૂર્યમંદિર પર પડે છે. તેવા સૂર્યમંદિર ખાતે ગુજરાતનાં યુવાઓ દ્વારા એક સાથે સૂર્ય નમસ્કાર કરી વિશ્વ રેકોર્ડ સ્થાપીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ૧૦૮ સ્થળો પર યુવાઓ વર્ષનાં પહેલા દિવસે સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં જાડાયા હતા.
આ બાબતે જીલ્લા કલેક્ટર ર્ડા. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્ય મંદિર ખાતે વર્ષનાં પહેલા દિવસે દરેક નાગરિકનું સ્વાસ્થ્ય જીવનશૈલી અને નિરોગી જીવન માટે આજે સવારે ૭.૩૦ કલાકે રાજ્યકક્ષાનાં સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાનો સન્માન સમારોહ કાર્યક્રમ પણ યોજાયો હતો.