વડિયાના મોટી કુકાવાવના એક યુવક સાથે લીલી મરચીના કન્ટેનરમાં રોકાણ કરવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ બનાવ અંગે મોટી કુકાવાવમાં રહેતા કૌશિકભાઈ સુરેશભાઈ રૂપારેલિયા (ઉં.વ. ૨૯)એ સુરતમાં રહેતા સતિષભાઈ કાંતિભાઈ હીરપરા તથા યાજ્ઞિકભાઈ અતુલભાઈ બુહા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓ ‘EVEG INTERNATIONAL PVT LTD’ નામની કંપની ચલાવતા હતા. બંને જણાએ કૌશિકભાઈને વિશ્વાસમાં લેતા જણાવ્યું હતું કે, “અમે ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરીએ છીએ અને નાસિકથી લીલી મરચી કન્ટેનર મારફતે દુબઈ એક્સપોર્ટ કરીએ છીએ. જો તમારે આ કન્ટેનરમાં રોકાણ કરવું હોય તો ૧૦ લાખ રૂપિયા રોકવા પડે. જો તમે પૂરા પૈસા ન રોકી શકો તો ૫૦ ટકા કંપની રોકશે અને ૫૦ ટકા તમારે રોકવા પડશે.”બંને જણાએ એવી પણ લાલચ આપી હતી કે કંપનીમાં રોકેલા નાણાંનો નફો દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. આથી કૌશિકભાઈએ તેમની કંપનીમાં રૂ. ૫,૦૦,૦૦૦નું રોકાણ કર્યું હતું. ત્યારબાદ એક મહિનાનો સમય પૂરો થતાં તેમણે નફો માંગ્યો હતો, પરંતુ બંને જણાએ નફો આપવા બાબતે ખોટા વાયદા કર્યા હતા. બાદમાં સતિષભાઈ હીરપરાએ કટકે-કટકે રૂ. ૨ લાખ પરત આપ્યા હતા, પરંતુ બાકીના રૂ. ૩ લાખ તેમજ નફાની રકમ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. પી. ધાંધલા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.