મોટી કુંકાવાવ ખાતે બગસરા રોડ પર આવેલા નવાં માર્કેટિંગ યાર્ડ ખાતે ઓનલાઈન મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કાયદા-ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે ઓનલાઈન મગફળી ખરીદીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ શાબ્દિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઓનલાઈન મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોએ પોતાનો પાક વેચવા બહારગામ નહી જવું પડે અને ઘરઆંગણે જ પોતાના ખેતી ઉત્પાદનો વેચી શકશે. તેમણે અધિકારીઓનું ધ્યાન દોરીને જણાવ્યું હતું કે, તાલુકાના કોઈપણ ખેડૂત ખાતેદારોને ઓનલાઈન અરજી બાબતે કોઈ તકલીફ કે મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે. આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, દેવરાજભાઈ રાંક, બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેન, કુંકાવાવ-વડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તમામ સરપંચો અને રાજકીય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સાથે જ કો-ઓપરેટિવ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી લિમિટેડ અમરેલી દ્વારા મગફળી ખરીદીના શ્રીગણેશ થયા હતા. કુલ ૩૨ ખાતેદારોને મેસેજ કરેલ જેમાંથી ૧૦ ખેડૂત ખાતેદારો પ્રથમ દિવસે પોતાની મગફળી લઈ યાર્ડમાં આવ્યા હતા. કૃષિ અને ગ્રામ વિકાસ રાજ્ય સહકારી સંઘના ચેરમેન મનિષ સંઘાણીએ પણ આજના દિવસે મુલાકાત લીધી હતી. કુંકાવાવ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ અને રમેશભાઈ સાકરીયાએ આવેલ ખેડૂતો અને ગ્રામજનોને આવકાર્યા હતા.