અમરેલી જિલ્લામાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર, કન્ટેનર સહિતના વાહનો નિર્દોષ લોકોને અડફેટે લઈ રહ્યા છે. મોટી કુંકાવાવ બસ સ્ટેશન પાસે કન્ટેનર ચાલકે જીજા-સાળીને અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યા હતા.
જે અંગે વિપુલભાઈ મનસુખભાઈ સોલંકી (ઉ.વ.૩૦)એ જીજે-૧૪-ડબલ્યુ-૧૮૭૦ના કન્ટેનર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના મોટાભાઈ અને તેની સાળી બંને રોડની સાઇડમાં ઉભા હતા ત્યારે ધસમસતા આવેલા કન્ટેનરે બંનેને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કન્ટેનર પલટી મારી ગયું હતું અને ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એમ.એન.ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.