મોટી કુંકાવાવ ગામે આવેલા બસ સ્ટેશનમાં ફૂટ ફૂટના ખાડા હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે અનેકવાર માર્ગ મકાન ખાતાને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. કુંકાવાવ શહેર રાજકોટ જવા માટે મહત્વનું શહેર છે ત્યારે આ માર્ગ પર અનેક વાહનો પસાર થાય છે જોકે બસ સ્ટેશનની મધ્યમાં જ મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકો છેલ્લા ઘણા સમયથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર એટલા બધા ખાડાઓ આવેલા છે કે વાહનચાલકોને વાહન ક્યાં ચલાવવું તેની પણ સમજ પડતી નથી. માર્ગ મકાન ખાતુ જિલ્લાના હાઇવે પર પેચવર્કનું કામ કરી પોતાની કામગીરીના ફોટાઓ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યું છે. બસ સ્ટેશન પાસે જ મોટા ખાડાઓ હોવાથી વાહનચાલકોને હવે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. બસ સ્ટેશન પાસે પડેલા ખાડાઓ તાત્કાલિક બુરવામાં આવે તેવી વાહનચાલકો અને શહેરીજનોએ ઉગ્ર માંગ કરી છે.