વડીયાના મોટી કુંકાવાવમાં સુભાષ ચોક ખાતે ગરબીમાં લાઇટ ફિટિંગનું કામ કરતાં યુવકને ગાળો આપી, કામ બંધ કરી અહીંથી જતા રહો તેમ કહી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ અમીતભાઈ રવજીભાઈ ચોવટીયા (ઉ.વ.૩૩)એ જગદીશભાઈ રાયધનભાઈ ડવ તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાહેદો નવરાત્રીના તહેવાર સબબ કુંકાવાવ ખાતે સુભાષ ચોકમાં ગરબીમાં લાઇટ ફિટિંગનું કામ કરતા હતા. તે વખતે આરોપીઓ ફોરવ્હીલ ગાડી નં.જીજે-૧૧-એ.બી-૦૭૩૨ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આડેધડ કાવા મારી તેમની તથા સાહેદ પાસે આવી જોરથી બ્રેક મારી ઉભી રાખી હતી. ત્રણેય આરોપીઓએ નીચે ઉતરી તેમને તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી આ કામ બંધ કરી અહીંથી જતા રહો તેમ કહી તેમને ડાબા ગાલ પર લાફો માર્યો હતો. ઉપરાંત ગાડીમાંથી છરી કાઢી તેમને તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય આરોપીઓ ફોરવ્હીલ ગાડી લઇ નાસી છૂટ્યા હતા. વડીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.