સીધીલીટીના વારસદારમાં માત્ર માતાને જ દર્શાવ્યા
ખાંભા, તા.૧૯
ખાંભાના મોટા સરાકડીયા ગામે ભાઈએ બહેનની જાણ બહાર ખોટું સોગંદનામું, પેઢીનામું બનાવી તેમના માતાને જ માત્ર સીધીલીટીના વારસદાર દર્શાવી ખેતીની જમીનમાં વારસાઇ નોંધ પડાવી હતી. હાલ સુરતના કતારગામમાં રહેતા મૂળ ખાંભાના તાતણીયા ગામના સવિતાબેન પ્રાગજીભાઈ પુંભડીયા (ઉ.વ.૪૮)એ મોટા સરાકડીયા ગામે રહેતા વલ્લભભાઇ કાનાભાઇ વરીયા, ભરતભાઇ વલ્લભાઇ વરીયા, વિનુભાઇ નરશીભાઇ આંબલીયા, નટુભાઇ મોહનભાઇ દેવાણી, નાગજીભાઇ પ્રાગજીભાઇ વરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, વલ્લભભાઈ વરીયા તથા ભરતભાઈ વરીયાએ તેમની ગેરહાજરીમાં તેની જાણ બહાર તેઓ તેમના પિતાના એકના એક સંતાન વારસદાર હોવા છતાં, તેમનો કાયદેસર વારસાઇ હક્ક છુપાવી ખોટું સોગંદનામું તૈયાર કરી તેમાં તેના પિતાને કોઇ સંતાન નહીં હોવાની વિગત દર્શાવી હતી. અન્ય આરોપીએ ગામના વતની હોવાનું અને તેમના પિતાના સંતાન હોવાનું અગાઉથી જાણવા છતાં, પેઢીનામામાં તેમના દાદા કાનાભાઇ વાલાભાઇ વરીયાના તેમના પિતા હકાભાઇના મરણ ગયા બાદ સીધીલીટીના વારસદારોમાં પોતે તથા તેમના માતા બન્ને હોવાનું જાણવા છતાં, માતા એકને જ સીધીલીટીના વારસદાર દર્શાવી કાયદેસરનો વારસાઇ હક્ક છુપાવી અને પેઢીનામું ખોટું હોવાનું જાણવા છતાં, તેમાં પંચો તરીકે પોતાની સહીઓ કરી પેઢીનામું તૈયાર કરાવ્યું હતું.
જેનો બદદાનતથી ખરા તરીકે ઉપયોગ કરી તેમના દાદા કાનાભાઇ વાલાભાઇ વરીયાની મોટા સરાકડીયા ગામે ખેતીની જમીનમાં વારસાઇ નોંધ પડાવીને તે જમીન તેમના દાદાના ખાતેથી પોતાના ખાતે કરાવી લીધી હતી.ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.જી.ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.