પીપાવાવ પોર્ટથી નીકળેલી ટ્રેન લીલીયા પાસે પહોંચતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. જેમાં લીલીયા પાસે એલપીજી ભરેલા ટેન્ક વેગનમાંથી ગેસ લીક થયા બાદ મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. ૨૦ ટેન્ક વેગન સાથેની ટ્રેનના એક ટેન્ક વેગનમાંથી ગેસ લિક થતો હોવાની જાણ થતા ટ્રેનને તાત્કાલીક રોકી દેવામાં આવી હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ઘટના અંગે પીપાવાવ પોર્ટની ટેક્નિકલ ટીમને જાણ કરતા ટીમ તાત્કાલીક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લિકેજ બંધ કરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ટેક્નિકલ ટીમ દ્વારા ટ્રેનને પરત પીપાવાવ પોર્ટ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ગેસ લિકેજની ઘટના અંગેની જાણ થતા કલેકટર દ્વારા આસપાસનો વિસ્તાર કોર્ડન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. અમરેલી ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની આગેવાનીમાં ઓપરેશન હાથ ધરી પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલીક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. આ મામલે વધુ તપાસ કરવા માટે ટીમ દ્વારા ટ્રેનને પરત પીપાવાવ પોર્ટ લઈ જવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જે ટેન્ક વેગનમાં એલપીજી લિક થયો હતો તેની આગળ પાછળ ૨૦ ટેન્ક વેગન જોડાયેલા હતા. જેમાં હજારો કિલો ગેસ ભરેલો હોવાનું જાણવા મળ્યું છે. ગેસ લિકેજ બંધ કરી દેવાતા રેલવે ટ્રેક પરનો અન્ય ટ્રેન વ્યવહાર પણ પૂર્વવત થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જા કે ગેસ લિકેજ કઈ રીતે થયો તેની પીપાવાવ પોર્ટની ટેકિનકલ ટીમ દ્વારા તપાસ હાથ ધર્યા બાદ જ ખબર પડશે.

ડ્રાઈવરની સતર્કતાને કારણે જાનહાનિ ટળી
ટ્રેન ડ્રાઈવર રામ પ્રવેશકુમારને સાવરકુંડલાથી લીલીયા પહોંચતા ખ્યાલ આવ્યો કે એલપીજી ટેન્ક વેગન ખુલ્લુ છે. જેથી રેલ્વે સ્ટેશન પહેલા સિગ્નલ આપેલ હોવા છતાં સ્ટેશન બહાર ગાડી ઉભી રાખી રેલ્વેના અધિકારીઓને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા લીલીયાનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. ગેસ લિકેજને કારણે માલગાડી અને પેસેન્જર ટ્રેનના સમયપત્રકમાં ફેરકાર થશે.

અધિકારીઓ-પદાધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા
આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી ચિરાગ દેસાઈ, મામલતદાર, ટીડીઓ, પીએસઆઈ સહિતના અધિકારીઓ અને જિ.પં.સદસ્ય વિપુલભાઈ દુધાત, જીવનભાઈ વોરા સહિતના પદાધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.