સાંપ્રત સમયમાં બનતી કેટલીક અઘટિત ઘટનાઓ પરથી એવું લાગે કે આ જગતમાં માનવજાતના બે ચહેરા હોય છે. એક તો કુદરતે આપેલ અસલી સ્વરૂપ અને બીજું એ પોતે બહાર દેખાડવા પોતાના અસલી સ્વરૂપ પર પહેરેલો નકલી મહોરો. એટલે કે માણસની આમ તો મૂળ બે જાત હોય છે એક અસલ અને બીજી નકલ.દરેક વ્યક્તિની દોડ મોટા બનવા માટેની હોય છે. મોટા એટલે સમાજમાં સ્ટેટ્સ ઊંચું દેખાય, સત્તા અને સંપત્તિમાં વધારો થાય, દરેક જગ્યાએ માન પાન મળે, પાંચમાં પૂછાય વગેરે જેવા માપદંડો મગજમાં મોટાઈ મેળવવા માટે ઘૂમતા હોય છે. ઠીક છે આપણું લક્ષ હમેશા ઊંચું હોવું જોઈએ પણ માણસાઈ સાથેની મોટાઈ કામની છે અને સમાજને લાભદાયી છે. બાકી માણસાઈના ભોગે મેળવેલી મોટાઈ નકામી છે. સમાજને માટે નુકસાન કારક છે. લોકોને છેતરવા, ભ્રમિત કરવા, કાવા-દાવા કરવા, સાચી હકીકતના બદલે બનાવટી અને મનઘડંત વાતો કરીને લોકોને બહેકાવવા, બનાવવા કે ખોટી સહાનુભૂતિ મેળવવીને યેન કેન પ્રકારે પોતાના સ્વાર્થ માટે સારા હોવાનો દેખાવ કરીને મોટા થવું કે મોટા હોવાનો દેખાવ કરવો એ અમુક માણસનો અસલી ચહેરા પર પહેરેલો નકલી મહોરો હોય છે. માણસની નક્લી જાત ગણાય છે. સાચી સજ્જનતા તો કોઈપણ પ્રકારના પાપ, પ્રપંચ, દંભ કે દેખાડા વગરની સમજણ સાથેની સરળતા હોય છે. જેવા હોઈએ તેવા જ દેખાઈએ એ માણસની અસલી જાત છે. શાંત અને સરળ સ્વભાવ, નિર્મળ હૃદય, નિઃસ્વાર્થ પ્રેમ, સત્ય, અહિંસા, અપરિગ્રહ, કરુણા, દયાભાવ અને પરોપકારી સ્વભાવ એ સારા માણસની નિશાની છે. આવા સારા માણસ બનવું એ ખૂબ મોટી વાત છે. માત્ર મોટા માણસ બનવા ખોટા કામ કરવા કરતા નાના માણસ તરીકે થાય એટલા સારા કામ કરવા એ હકીકતમાં મોટા માણસ કરતાંય માનસપટ પર સારી છાપ છોડી જાય છે. અસલમાં સારું હોવું અને માત્ર સારા દેખાવા માટેનો ડોળ કરવો એ બન્ને વચ્ચે ક્યારેક પાતળી ભેદરેખા હોય છે. ઘણીવાર દૂરથી બધું સારું દેખાય છે પણ જ્યારે અનુભવ થાય કે ઘસારો પડે ત્યારે માણસની અસલિયતની સાચી ઓળખ થાય છે. અનુભવથી જ અસલી અને નકલીની ઓળખ થતી હોય છે. આ વાતને સમજાવવા એક દૃષ્ટાંત યાદ આવે છે. એક યુવાને ભણીને ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પછી નોકરી માટે ઘણી બધી જગ્યાએ પ્રયત્નો કર્યા પણ એના ભણતરને લાયક જોબ ક્યાંય મળી નહિ. રોજ છાપામાં આવતી જાહેરાત વાંચીને ત્યાં કોલ કરે, રૂબરૂ મળે, ઇન્ટરવ્યૂ આપે પણ ક્યાંય એની અપેક્ષા મુજબની નોકરી મળી નહિ. પછી થોડી બાંધછોડ કરીને મનમાં નક્કી કર્યું કે હવે જેવી મળે તેવી નોકરીમાં લાગી જવું છે. એવામાં એક દિવસ એક સરકસમાં કામ કરવા માણસની જરૂર છે એવી જાહેરાત વાંચીને ત્યાં ઇન્ટરવ્યૂ આપવા પહોંચી ગયો. ત્યાં પગાર અને કામની વિગત સાથે બધું નક્કી થઈ ગયું અને બીજા જ દિવસથી નોકરીમાં જોડાઈ ગયો.એને સરકસમાં રીંછનો મહોરો પહેરાવીને રોલ ભજવવાની ટ્રેનિંગ આપવામાં આવી. પછી રિયલ શો શરૂ થયો. ચારે બાજુ પબ્લિકની ચિચિયારી વચ્ચે એક પાંજરામાંથી રીંછને છોડવામાં આવ્યું. સામેના બીજા પાંજરામાંથી ડાલામથ્થા સિંહને છૂટો મૂકવામાં આવ્યો. આ બાજુ રીંછ સિંહને જોઈને પાછીપાની કરવા લાગ્યો અને મનમાં થયું કે હું તો નકલી રીંછ છું પણ સામે તો અસલી સિંહ છે. હમણાં મને ફાડી ખાશે. ત્યાં તો સામેથી સિંહે જોરદાર છલાંગ મારીને રીંછને પકડી લીધું અને પછી એના કાનમાં બોલ્યો કે ભાઈ ડરવાની જરૂર નથી. તારી જેમ હું પણ માણસ જ છું. તું ગ્રેજ્યુટ છો એટલે તે રીંછનો મહોરો પહેર્યો છે અને હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું એટલે મેં સિંહનો મહોરો પહેર્યો છે. એટલે આ જગતમાં પણ પેલા સરકસના રીંછ અને સિંહની જેમ સૌ પોત પોતાની લાયકાત અને ગજા પ્રમાણેના મહોરા પહેરીને ફરે છે. કોઈ અસલી સમજીને છેતરાઈ જાય છે કે ડરી જાય છે. ભાગ્યે જ કોઈ અસલી ચહેરો ઓળખીને બચી જાય છે. બાકી તો બધા જ ક્ષેત્રોમાં ખૂબ ધ્યાન રાખીને સમજી વિચારીને વિશ્વાસ કરવા જેવું છે. આમ છતાં આ ઘોર કળયુગમાં પણ ક્યાંક ક્યાંક સાચી સેવાની અને માનવતાની સરવાણીઓ વહે છે જેને પણ ઓળખીને સુકા પાછળ લીલું ના બળે એની કાળજી પણ સજ્જન અને સક્ષમ માણસોએ રાખવી જોઈએ જેથી બનાવટી મહોરો સાચા ચહેરા પર હાવી ના થઈ જાય. સાચા ને ખોટો અને ખોટાને સાચો સાબિત કરવાવાળો એક નાનો એવો ચોક્કસ સમુદાય કામ કરતો હોય ત્યારે એને માનવાવાળા વિશાળ ટોળામાં આપણે સામેલ ના થઈ જઈએ એટલી સતર્કતા એ જ સાચી સમજણ છે બાકી બધી પળોજણ છે.