જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારી-રાજુલાને શુક્રવારે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ-ગાંધીનગર દ્વારા તેમની જમીનોમાં વપરાશી હક સંપાદન કરીને લોઠાપુરથી ભૂગર્ભમાં ગેસલાઇન બિછાવીને કુદરતી ગેસનું પરિવહન કરવાનું આયોજન કર્યું છે. આ કામ માટે જમીન સંપાદન હજુ સુધી કરવામાં આવેલ નથી અને કોઇ વળતર ચૂકવાયું નથી. આ ઉપરાંત મશીન દ્વારા ગેરકાયદે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, જેના કારણે જમીનને નુકસાન થઇ રહ્યું છે. આ નુકસાનના કારણે ખેડૂતોના પરિવારમાં જીવન નિર્વાહને ગંભીર અસર થઇ છે. આ સંજોગોમાં પેટ્રોનેટ કંપનીના અધિકારીઓ, માણસો કે મજૂરોને અમારી જમીનમાં પ્રવેશ કરવાનો કોઇ અધિકાર નથી. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, જમીનમાં કોઇ નુકસાની કે કાર્યવાહી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પેટ્રોનેટ કંપની અને જવાબદાર અધિકારીની રહેશે. ખેડૂતોએ એવી પણ ચીમકી આપી હતી કે, જો તેમને આ મામલે ન્યાય નહીં મળે તો તેમણે અંતિમ વિકલ્પરૂપે આત્મવિલોપન કરવાની ફરજ પડશે.