અમરેલી જિલ્લાના બગસરાથી માત્ર ૧૦ કિલોમીટર દૂર આવેલા મોટા માંડવડા ગામની હાલત આજે અત્યંત દયનીય બની ગઈ છે. ગામના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અને પ્રાથમિક શાળાના ગેટ આગળ કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાયેલું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ગામમાં પ્રવેશવું જ મુશ્કેલ બની ગયું છે. વાહનચાલકો માટે તો આ રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે, કારણ કે વારંવાર વાહનો સ્લિપ થવાની ઘટનાઓ બની રહી છે. બાળકોને શાળામાં આવવા-જવામાં ખૂબ તકલીફ પડે છે. કાદવ-કીચડમાં ચાલવું મુશ્કેલ છે અને સ્વચ્છતાની દૃષ્ટિએ પણ આ સ્થિતિ ચિંતાજનક છે. ગામના પાદરમાં પણ સ્થિતિ કંઈ જુદી નથી. ગંદકી અને દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. ગ્રામજનોએ સ્થાનિક વહીવટી તંત્ર પાસે માગણી કરી છે કે ગામના રસ્તાઓની સફાઈ કરવામાં આવે અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે. જોકે, અત્યાર સુધી કોઈ પદાધિકારી કે અધિકારી આ સમસ્યાનું નિરાકરણ લાવવા આગળ આવ્યા નથી. મોટા માંડવડા ગામની આ સમસ્યા તાકીદે હલ થાય અને ગામવાસીઓને સ્વચ્છ અને સલામત વાતાવરણ મળે તે માટે સ્થાનિકો આશાવાદી છે.