અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી તાલુકાના મોટા ભંડારીયા અને બાબાપુર મુકામે વોટરશેડ અને આરોગ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યુ હતું. મોટા ભંડારીયા ખાતે ચેકડેમ પહોળો કરવાના, તળાવ સહિતના રુ. ૨૧.૯૪ લાખના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળના ૦૭ કામોનું ખાતમુહૂર્ત થયું હતું. જળસિંચનના આ કાર્યો સંપન્ન થવાથી આસપાસના વિસ્તારોના પાણીના તળ ઉંચા આવશે અને કૃષિકારો તેમજ સ્થાનિકોને સિંચાઈના પાણીનો લાભ મળશે. અમરેલી તાલુકાના બાબાપુર મુકામે અંદાજે રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર થનારા આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું હતું. નાગરિકોને આરોગ્યની સેવાઓ ઘરઆંગણે મળી રહેશે. નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ વિકાસ કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે સંબંધિતોને સૂચન કર્યુ હતું. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓના માધ્યમથી વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ કામો સંપન્ન થવાથી સુખાકારીમાં વધારો થશે. આ કાર્યક્રમમાં નાના ભંડારીયા તેમજ બાબાપુર મુકામે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન, સરપંચ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.