ખાંભાના મોટા બારમણ ગામે એક ખેડૂતને ખેતરના શેઢાના પાણી મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત ગાળો બોલીને ફટકારવામાં આવ્યો હતો. બનાવ અંગે કેતનભાઈ ધીરૂભાઈ કાકડીયા (ઉ.વ.૩૬)એ નનુભાઈ ભુરાભાઈ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના મોટા ભાઇએ નાના બારમણ ગામે વાવેતર કરવા માટે ફારમે જમીન રાખી હતી. તેની બાજુમાં નનુભાઈ ભુરાભાઈની જમીન આવેલી હતી.
તે જમીનમાં તેના ભાઇએ ફારમે રાખેલી વાડી ખેતરના શેઢાનું પાણી ચોમાસા દરમિયાન જતું હતું. જે અંગેનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથિયારોથી સજ્જ થઇ આહીર સમાજની વાડીના હોલ પાસે તેમને ઉભા રાખી જેમ-ફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી હતી. ઉપરાંત લાકડી અને લોખંડની પાઇપ વડે મુઢમાર મારી તેમને તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.ડી.હડીયા વધુ તપાસ કરી રહ્યા છે.