લગ્ન બાદ વર્ષો સુધી દંપતીને ત્યાં સંતાન ન થતાં ખોળાના ખુંદનાર માટે ઘણા લોકો દવા-દુઆ કરે છે. તેમ છતાં ઘણી વખત સંતાન સુખ મળતું નથી, જ્યારે બીજી તરફ નવજાતને તરછોડી દેવાની ઘટના પણ સામે આવતી રહે છે. બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે પીએચસી આયુષ્યમાનના ટોયલેટમાંથી મૃત ભૃણ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. જેને લઈ અમરેલીમાં રહેતા ડો. અશ્વિનભાઈ પ્રવિણચંદ્ર ઠાકર (ઉ.વ.૫૨)એ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલા સવારે ૮.૩૦ પહેલાના કોઈપણ સમયે અજાણી વ્યક્તિ મોટા દેવળિયા ગામે આયુષ્યમાન પી.એચ.સીના ટોયલેટમાં ૪ થી ૬ માસના મૃત ભૃણનો જન્મ છુપાવવા નાંખીને જતા રહ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વી.સી.બોરીયા વધુ તપાસ કરી રહ્યા છે.