ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોટા ચારોડિયા ખાતે રાષ્ટ્રીય વૈજ્ઞાનિક નાનાલાલભાઈ ત્રિવેદીના અદ્‌ભુત વિજ્ઞાન ભવનમાં શિક્ષણ સાથે સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આજીવન શિક્ષક દંપતી નાનાલાલભાઈ ત્રિવેદી અને શ્રીમતી ભાનુમતિબેન ત્રિવેદીના વર્ષોના પરિશ્રમથી બનેલા આ વિજ્ઞાન ભવનની શૈક્ષણિક યાત્રાના ભાગરૂપે ઘોઘા તાલુકાના શિક્ષણ વિભાગના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. ઘોઘા તાલુકાના ટીપીઈઓ મીતાબેન દુધરેજીયા, કેળવણી નિરીક્ષક રાજેન્દ્રસિંહ ડોડીયા સહિત વિવિધ શાળાના આચાર્યોએ સરસ્વતીબેન ત્રિવેદીના આમંત્રણને માન આપી ચારોડિયાની મુલાકાત લીધી હતી. સૌપ્રથમ ચારોડિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધા બાદ મહેમાનો અનોખા વિજ્ઞાન ભવનમાં પહોંચ્યા હતા જ્યાં તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોના હસ્તે ઓટોમેટિક દીપ યંત્ર દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું.